કંગના અને મમતા પર અભદ્ર ટિપ્પણી મામલે ચૂંટણી પંચની કાર્યવાહી, સુપ્રિયા અને દિલીપ ઘોષને નોટિસ
અમદાવાદ, તા. 27 માર્ચ 2024, બુધવાર
લોકસભા ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે અને દર વખતની જેમ જ કોંગ્રેસના કોઈ એક દિગ્ગજ નેતા પોતાના પર કુહાડી મારવાની સાથે ભાજપને અને ખાસ કરીને વડાપ્રધાન મોદીને ઈલેક્શન કેમ્પેઈન કરવા માટેનું એક શસ્ત્ર વણમાંગ્યું ચરણમાં ધરી દે છે. કંગનાને ભાજપએ આપેલ ટિકિટ મુદ્દે મહિલાઓ વિશે કરેલ વાંધાજનક ટિપ્પણી હાલ ચર્ચાનો મુખ્ય વિષય બન્યો છે. આ અંગે ચૂંટણી પંચે હવે કોંગ્રેસ નેતા સુપ્રિયા શ્રીનેત અને ભાજપ નેતા દિલીપ ઘોષને નોટિસ પાઠવી છે.
કોંગ્રેસ નેતા સુપ્રિયા શ્રીનેતના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી એક વાંધાજનક પોસ્ટ કરવામાં આવી હતી, જેના પર તેમને નોટિસ મળી છે અને ભાજપ નેતા દિલીપ ઘોષે પણ મમતા બેનર્જી પર કરેલી ટિપ્પણી બદલ નોટિસ ફટકારવામાં આવી છે. ચૂંટણી પંચે દિલીપ ઘોષ અને સુપ્રિયા શ્રીનેત પાસેથી 29 માર્ચ 2024ના રોજ સાંજે પાંચ વાગ્યા સુધીમાં જવાબ માંગ્યો છે.
મમતા બેનર્જી પર શું ટિપ્પણી કરી?
ભાજપના નેતા દિલીપ ઘોષે પશ્ચિમ બંગાળમાં કહ્યું હતું કે દીદી ગોવા જાય છે અને કહે છે, 'હું ગોવાની દીકરી છું', પછી ત્રિપુરા જઈને કહે છે કે 'હું ત્રિપુરાની દીકરી છું. માત્ર કોઈની દીકરી બનવું સારું નથી, તમારા પિતા કોણ છે તે નક્કી કરો. તૃણમૂલે આ વીડિયો મુદ્દે ઉઘડો લેતા નિંદા કરતા કહ્યું કે ભાજપના ભૂતપૂર્વ વડા તેમની પાર્ટીએ તેમને પોતાના જ વર્તમાન મતવિસ્તારમાંથી હાંકી કાઢ્યા પછી હતાશા વ્યક્ત કરી રહ્યા છે. ચૂંટણી પંચે આ મામલે દિલીપ ઘોષને કારણ બતાવો નોટિસ જારી કરી છે.
સુપ્રિયા શ્રીનેત પાસે પણ જવાબ માંગ્યો :
ભાજપે ગત રવિવારે ઉમેદવારોની જાહેરાત કરી હતી તેમાં પાર્ટીએ બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતને હિમાચલ પ્રદેશના મંડીથી ટિકિટ આપી હતી. કંગના રનૌતને ટિકિટ આપવા પર કોંગ્રેસ નેતા સુપ્રિયા શ્રીનેતના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી વાંધાજનક પોસ્ટ કરી હતી કે ‘મંડીમાં શું ભાવ ચાલી રહ્યો છે, શું કોઈ કહી શકે છે?'
આ અભદ્ર ટિપ્પણી પોતાના એકાઉન્ટનું એક્સેસ ધરાવતા કોઈ વ્યક્તિએ કરી હોવાનું કહીને કોંગ્રેસ નેતાએ આ મામલે હાથ અદ્ધર કરી દીધા હતા. સુપ્રિયાએ આ મામલે સ્પષ્ટતા આપતા કહ્યું કે મને આ પોસ્ટની જાણ થતાં જ મેં તેને હટાવી દીધી છે. મને સારી રીતે ઓળખતા લોકોને ખબર છે કે હું ક્યારેય કોઈ મહિલા પ્રત્યે આવી ટિપ્પણી કરી જ ન શકુ. જોકે ચૂંટણી પંચે આ મામલે કોંગ્રેસ નેતા સુપ્રિયા શ્રીનેતને નોટિસ પાઠવી છે.
NCWએ લખ્યો હતો પત્ર :
નેશનલ કમિશન ફોર વિમેન (NCW)એ સોમવારે ચૂંટણી પંચને પત્ર લખીને હિમાચલ પ્રદેશની મંડી બેઠક પરથી ભાજપની ઉમેદવાર અભિનેત્રી કંગના રણૌત પર કથિત રૂપે અપમાનજનક ટિપ્પણી કરવા બદલ કોંગ્રેસના નેતાઓ સુપ્રિયા શ્રીનેત અને એચએસ આહિર સામે કડક પગલાં લેવાની માંગ કરી હતી.