પેટા ચૂંટણીની તારીખ બદલાઈ: હવે ઉત્તર પ્રદેશ, કેરળ અને પંજાબમાં 13મીએ મતદાન નહીં થાય
EC Changes Polling Date For Assembly By-Elections: ચૂંટણી પંચે સોમવારે (ચોથી નવેમ્બર) ઉત્તર પ્રદેશ સહિત ત્રણ રાજ્યોમાં યોજાનારી પેટા ચૂંટણીની તારીખમાં ફેરફાર કર્યો છે. અગાઉ 13મી નવેમ્બરે મતદાન થવાનું હતું, પરંતુ ભાજપ અને કોંગ્રેસ સહિત ઘણાં મોટા રાજકીય પક્ષોની માંગણી પછી પંચે મતદાનની તારીખોમાં ફેરફાર કર્યો. હવે અહીં 20મી નવેમ્બરે મતદાન થશે, જ્યારે મત ગણતરી અગાઉ નક્કી કરેલી તારીખે એટલે કે 23મી નવેમ્બરે જ કરાશે.
3 રાજ્યોમાં તારીખ કેમ બદલવી પડી?
તહેવારોના કારણે ઉત્તર પ્રદેશ, કેરળ અને પંજાબની ઘણી વિધાનસભા બેઠકો માટે પેટા ચૂંટણી માટે મતદાન હવે 13મી નવેમ્બરને બદલે 20મી નવેમ્બરે થશે. ચૂંટણી પંચે ભાજપ, કોંગ્રેસ, બહુજન સમાજ પાર્ટી (BSP), રાષ્ટ્રીય લોકદળ (RLD) અને અન્ય ઘણાં રાષ્ટ્રીય અને રાજ્ય પક્ષોની વિનંતી પર ચૂંટણીની તારીખમાં ફેરફાર કર્યો છે.
આ પણ વાંચો: ટ્રુડોની મૂર્ખામીના કારણે જ કેનેડામાં ખાલિસ્તાનની સમસ્યા છે, શીખ સાંસદના આક્રમક પ્રહાર
કેરળ કોંગ્રેસ અનુસાર, કેરળની પલક્કડ વિધાનસભા બેઠક પર મતદારોનો મોટો હિસ્સો 13થી 15મી નવેમ્બર સુધી કલાપતિ રસ્તોલ્વમનો તહેવાર ઉજવશે. જ્યારે પંજાબમાં, કોંગ્રેસ પાર્ટી દ્વારા કહેવામાં આવ્યું હતું કે શ્રી ગુરુ નાનક દેવનું 555મું પ્રકાશ પર્વ 15મી નવેમ્બરે ઉજવવામાં આવશે. આ માટે 13મી નવેમ્બરથી અખંડ પાઠનું આયોજન કરવામાં આવશે.
આ પણ વાંચો: કોન્સર્ટની ટિકિટના નામે લૂંટ! દિલજીત દોસાંજે ફેન્સની માફી માંગી, કહ્યું- આવા લોકોથી બચતા રહેજો
કેટલી બેઠક પર પેટા ચૂંટણી યોજાશે?
ઉત્તર પ્રદેશમાં 10 ખાલી બેઠકોમાંથી નવ બેઠકો પર પેટા ચૂંટણી યોજાઈ રહી છે, જ્યારે પંજાબમાં પેટા ચૂંટણી દરમિયાન 4 વિધાનસભા બેઠકો પર મતદાન થશે. આ ઉપરાંત વાયનાડ લોકસભા બેઠક સિવાય કેરળની બે વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી યોજાવાની હતી. ગાઝિયાબાદ ઉપરાંત યુપીમાં ફુલપુર, મઝવાન, ખેર, મીરાપુર, સિસામાઉ, કટેહારી, કરહાલ અને કુંડારકી બેઠક પર પેટા ચૂંટણી યોજાઈ રહી છે.