ભારત અને ચીન વધુ ચાર વિસ્તારો મુદ્દે કરશે સમાધાન ! ડેપસાંગ-ડેમચોક બાદ આશા જાગી
India-China Ladakh Buffer Zone Dispute Solution : ભારત અને ચીને મહત્ત્વપૂર્ણ કરાર હેઠળ તાજેતરમાં જ ડેપસાંગ અને ડેમચોક વિસ્તારમાંથી સૈનિકો હટાવ્યા છે, ત્યારે હવે બંને દેશો વધુ ચાર વિસ્તારમાં સમાધાન કરવાની તૈયારીઓ તરફ આગળ વધી રહ્યા છે. પૂર્વ લદ્દાખમાં આવેલા બંને વિસ્તારોમાંથી સૈનિકોની પીછેહટ બાદ ભારતીય સેનાએ ત્યાં પેટ્રોલિંગ શરૂ કરી દીધું છે. મળતા અહેવાલો મુજબ બંને દેશો સુરક્ષાને ધ્યાને રાખી વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર પેટ્રોલિંગના નિયમો પર ધ્યાન કેન્દ્રીત કરવાનું શરૂ કરી દીધું છે. ભારત અને ચીન દ્વારા છેલ્લા ઘણા સમયથી મહત્ત્વના વિવાદીત પોઈન્ટ મુદ્દે સમાધાની ચર્ચાઓ ચાલી રહી છે.
ડેપસાંગ અને ડેમચોકમાં ફરી પેટ્રોલિંગ શરૂ
અગાઉ વર્ષ 2020માં થયેલા કરાર મુજબ ડેપસાંગ અને ડેમચોકમાં પેટ્રોલિંગ સહિતની કાર્યવાહી પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. જોકે બંને દેશોએ બંને વિસ્તારનો વિવાદ ઉકેલવા માટે તાજેતરમાં જ એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો હતો. આ માટે બંને દેશોની સેના તેમજ રાજદ્વારી સ્તરે અનેક વખત બેઠકો યોજ્યા બાદ સમજૂતી કરાઈ હતી, જેમાં પેટ્રોલિંગને તબક્કાવાર ફરી શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે.
આ પણ વાંચો : LAC પરથી આવ્યા સારા સમાચાર, બંને દેશોના સૈનિકો પરત ફર્યા, હંગામી નિર્માણ દૂર કરાયું
વિવાદ બાદ બંને વિસ્તારમાં ભારે બંદોબસ્ત તહેનાત કરાયો હતો
સંવેદનશીલ વિસ્તાર ડેપસાંગ-ડેમચોક વિસ્તારમાં ઘર્ષણ થયા બાદ બંને દેશો તરફથી સૈનિકોનો ભારે બંદોબસ્ત ગોઠવી દીધો હતો. બંને વિસ્તારોમાં પેટ્રોલિંગ અધિકારો ફરી શરૂ કરવાના કરારને એલએસી સાથેની સ્થિતિને સ્થિર કરવાની દિશામાં એક મહત્ત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.
બંને દેશો વધુ ચાર વિસ્તારમાં સમાધાન કરવાની તૈયારીમાં
મીડિયા અહેવાલો મુજબ ભારત અને ચીને હવે સંવેદનશીલ વિસ્તાર ગલવાન ખીણ, ઉત્તર અને દક્ષિણ પૈંગોંગ ત્સો, ડોગરા અને હૉટસ્પ્રિગ્સ જેવા વિસ્તારો મુદ્દે પણ સમાધાન કરવા તરફ આગળ વધી રહ્યા છે. આ વિસ્તારોમાં તણાવ વધ્યા બાદ બંને દેશો પ્રતિબંધ લાદવા માટે પરસ્પર સંમત થયા હતા. જોકે હવે સ્થિતિ બદલાઈ ગઈ છે અને ભારત અને ચીન બંને આ વિસ્તારોમાં સમાધાન કરવા માટે એક પ્રસ્તાવ પર વાતચીત કરી રહ્યા છે. બંને તરફથી બે વિસ્તારોના સમાધાન થયા બાદ બાકીના બફર ઝોન અંગે ટૂંક સમયમાં સમાધાન થવાની આશાઓ જાગી છે.
અન્ય વિવાદીત વિસ્તારોમાં પણ સમાધાન અંગે ચર્ચા
સૂત્રોના જણાવ્યા મુજબ, બંને દેશો વચ્ચે LAC પરના જે વિસ્તારો મુદ્દે વિવાદ ચાલી રહ્યો છે, તેનો નિવેડો લાવવા માટે બંને તરફ ચર્ચાઓ ચાલી રહી છે. બંને તરફથી હાલ માત્ર ડેપસાંગ અને ડેમચોક વિસ્તારનું સમાધાન થયું છે, જ્યારે બાકીના બફર ઝોનમાં પેટ્રોલિંગનો મુદ્દે ઉકેલવા માટે અનેક સ્તરે હજુ પણ ચર્ચાઓ ચાલી રહી છે. કોર્પ્સ કમાન્ડર સ્તરની વાટાઘાટોના આગામી રાઉન્ડમાં આ બફર ઝોન પરની વાટાઘાટોને આગળ વધવાની અપેક્ષા છે.
આ પણ વાંચો : નેપાળની નવી કરન્સી નોટથી ભારત ભડક્યું, આ કારસ્તાન પાછળ પણ ચીનની મેલી મુરાદ હોવાની શંકા