મિત્ર તૂર્કેઈનું પણ ભલું નથી ઈચ્છતું પાકિસ્તાન ! રાહત સામગ્રી લઈ જઈ રહેલા ભારતીય વિમાનને એર સ્પેસમાં ઉતરવા ન દીધું
ભૂકંપગ્રસ્ત તૂર્કેઈ મોટી મુસીબતોનો સામનો કરી રહ્યું છે, ત્યારે આ દુઃખદ સમયે પાકિસ્તાનની નફ્ફટાઈ સામે આવી
પોતાને તૂર્કેઈનો સૌથી મોટો મિત્ર કહેનાર પાકિસ્તાને ભારતીય વિમાનને તેના એર સ્પેસનો ઉપયોગ કરવાની ઈનકાર કરી દીધો
Image - Aybike Mergen, Twitter |
નવી દિલ્હી, તા.07 ફેબ્રુઆરી-2023, મંગળવાર
હાલ તૂર્કેઈ ભૂકંપ જેવી મોટી મુસીબતોનો સામનો કરી રહ્યું છે. તૂર્કેઈ અને સિરીયામાં આવેલા ભૂકંપના કારણે હજારો લોકોના મોત નિપજ્યા છે, તો હજારો લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે. એટલું જ નહીં એક જ દિવસમાં આવેલા 3 ભૂકંપના કારણે સંખ્યાબંધ ઈમારતો પણ ધ્વસ્ત થઈ છે. આ ઘટનામાં હજુ પણ મૃત્યુઆંક વધવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. દરમિયાન તુર્કેઈને મદદ કરવા માટે ભારત સહિત વિશ્વભરના દેશો આગળ આવ્યા છે, જોકે આ દુઃખ ઘટનામાં પણ પાકિસ્તાનની ‘ગંદી હરકતો’ સામે આવી છે. પોતાને તૂર્કેઈનો સૌથી મોટો મિત્ર કહેનાર પાકિસ્તાને રાહત સામગ્રી ભરેલા ભારતીય વિમાનને તેના એર સ્પેસનો ઉપયોગ કરવાની ઈનકાર કરી દીધો છે.
તૂર્કેઈના એમ્બેસેડરે ભારતનો આભાર વ્યક્ત કર્યો
અંગ્રેજી ન્યૂઝ ચેનલ WIONની વેબસાઈટને ટાંકીને જણાવાયું છે કે, પાકિસ્તાને રાહત સામગ્રી લઈને તુર્કી જઈ રહેલા ભારતીય વિમાનને એર સ્પેસ આપવાનો ઈન્કાર કરી દીધો છે. ફર્સ્ટ પોસ્ટના અહેવાલો મુજબ, પાકિસ્તાન દ્વારા પોતાના એર સ્પેસનો ઉપયોગનો ઈન્કાર કરાતા ભારતીય વિમાને લાંબો રૂટનો સહારો લેવો પડ્યો, જેના કારણે કટોકટીના સમયે તૂર્કેઈ સુધી મદદ પહોંચાડવામાં મોડું થયું. અગાઉ તૂર્કેઈમાં ભૂકંપ આવ્યાના થોડાં જ સમયમાં ભારત દ્વારા મદદ કરવાની જાહેરાત કરાતા ભારતમાં તૂર્કેઈના એમ્બેસેડર ફિરત સુનેલે આભાર વ્યક્ત કર્યો હતો. તૂર્કેઈના રાજદૂતે ભારતને મિત્ર કહેતા કહ્યું કે, જે સમય પર કામમાં આવે તે જ મિત્ર છે.
ભારતમાં તૂર્કેઈના રાજદૂત ફિરત સુનેલે ટ્વિટ કરી કહ્યું કે, “તુર્કેઈ અને હિન્દીમાં દોસ્ત કોમન શબ્દ છે... અમારી એક તૂર્કી કહેવત છે. ‘દોસ્ત કરા ગુંડે બેલી ઓલુર’ (જરૂરીયાત સમયે કામમાં આવનાર દોસ્ત જ સાચો મિત્ર હોય છે) તમારો ખુબ-ખુબ આભાર.”
NDRFની ટીમમાં 5 મહિલા કર્મચારી
ગાઝિયાબાદમાં હિંડન એરબેઝથી તૂર્કેઈ પહોંચેલી NDRFની પ્રથમ ટીમમાં 51 લોકો સામેલ છે. NDRFના અધિકારી અતુલ કરવાલે જણાવ્યું કે, NDRFની પ્રથમ ટીમ 51 લોકો સાથે તૂર્કેઈ જવા રવાના થઈ છે. આમાં 5 મહિલા કર્મચારી પણ સામેલ છે. અમે વાહનો પણ મોકલ્યા છે. બીજી ટીમમાં 50 લોકો છે. NDRFના એક ડોક્ટર, પેરામેડિકલ સ્ટાફને પણ તૂર્કેઈ મોકલાયા છે.
++