તિબેટમાં તારાજીઃ 95થી વધુ લોકોના મોત: છ કલાકમાં 14 વખત આવ્યો ભૂકંપ, ઈમારતો ધરાશાયી
Tibet Earthquake: તિબેટમાં વહેલી સવાર 6.35 વાગ્યાથી છેલ્લા છ કલાકમાં ભૂકંપના કુલ 14 આચંકાઓના કારણે ભારે તારાજી સર્જાઈ છે. 7.1 તીવ્રતાના ભૂકંપમાં અનેક ઈમારતો ધરાશાયી થઈ છે. આશરે 95થી વધુ લોકોના મોત નીપજ્યા છે અને 140થી વધુ લોકો ઘવાયા છે. બચાવ કામગીરી ચાલુ છે, મોતનો આંકડો સતત વધી રહ્યો છે.
ચીનના તિબેટમાં સતત ધરા ધ્રુજી રહી છે. વહેલી સવારે 5.41 વાગ્યે 4.2ની તીવ્રતાનો પહેલો ભૂકંપ આવ્યો હતો, બાદમાં બીજો ભૂકંપ 7.1 તીવ્રતાનો હતો. દર મિનિટે ભૂકંપના નાના-મોટા આચંકાઓ આવી રહ્યા છે. નેપાળના કાઠમાંડૂમાં પણ શક્તિશાળી ભૂકંપના આંચકાના કારણે લોકો ભયભીત બન્યા હતા. સવારે સાતથી આઠ વાગ્યા સુધીમાં જ ઓછામાં ઓછા છ વખત ભૂકંપના આંચકા આવ્યા હતા.
નેપાળની સરહદ નજીક તિબેટમાં આવેલા આ ભૂકંપના આચંકા બિહાર, આસામ અને પશ્ચિમ બંગાળ સુધી અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર બિંદુ તિબેટમાં ઝિઝાંગ પર હતું. ચીને પણ ભૂકંપના કારણે પોતાની બાજુ સ્થિત માઉન્ટ એવરેસ્ટ પર અવરજવર બંધ કરી છે.
છેલ્લા 34 વર્ષમાં સૌથી વધુ ભૂકંપ ચીનમાં
વિશ્વભરમાં સૌથી વધુ ભૂકંપ અને ભયાનક ભૂકંપના આંચકા ચીનમાં આવ્યા છે. 1990થી 2024 દરમિયાન ચીનમાં કુલ 186 ભૂકંપ નોંધાયા હતા. જેમાં અંદાજે 10 લાખ ડોલરનું નુકસાન થયું છે. ઉપરોક્ત સમયગાળામાં ઈન્ડોનેશિયામાં 166, ઈરાનમાં 109 અને જાપાનમાં 98 ભૂકંપના આંચકા નોંધાયા છે. અમેરિકામાં 78 અને તુર્કેયમાં 62 જ્યારે ભારતમાં 58 ભૂકંપના આંચકા નોંધાયા છે.