ચંદ્ર પર ભૂકંપ આવ્યો! ચંદ્રયાન-3ના લેન્ડરે ચંદ્ર પર 250 ભૂકંપના આંચકા નોંધ્યા
Earthquake On The Moon: દેશના સૌથી સફળ વૈજ્ઞાનિક મિશન પૈકીના એક ચંદ્રયાન-3એ ચંદ્રની સપાટી પરની ભૂકંપનો અભ્યાસ કર્યો છે અને સાબિત કર્યું છે કે પૃથ્વીની જેમ ત્યાં પણ ભૂકંપ આવે છે. ચંદ્રની સપાટી પરના આ ભૂકંપ ઉલ્કાપિંડોના હુમલા અથવા ગરમી સબંધિત અસરના કારણે આવી શકે છે. ચંદ્રયાન-3ના લેન્ડર વિક્રમ સાથે મોકલવામાં આવેલા પાંચ વૈજ્ઞાનિક સાધનો (પેલોડ)માંથી એક ઇન્સ્ટ્રુમેન્ટ ફોર લુનર સિસ્મિક એક્ટિવિટી (ILSA)એ ચંદ્રના દક્ષિણી ધ્રુવીય પ્રદેશોમાં 250થી વધુ ચંદ્ર ભૂકંપના આંચકા નોંધ્યા છે. તેમાંથી લગભગ 200 ભૂકંપના સંકેત ચંદ્રયાન-3 મિશન સાથે મોકલવામાં આવેલા રોવર પ્રજ્ઞાન અથવા અન્ય સાધનોના સંચાલન દરમિયાન નોંધવામાં આવ્યા હતા. પરંતુ બાકીના 50 સંકેતોનો સબંધ રોવર અથવા લેન્ડર વિક્રમના કોઈપણ સાધનના સંચાલન સાથે નથી. વિજ્ઞાનીઓનું કહેવું છે કે આ 50 સંકેતોનો સબંધ ચંદ્રની ભૂકંપની ગતિવિધિઓ સાથે હોઈ શકે છે. અમેરિકાના એપોલો મિશનના દાયકાઓ બાદ આ પ્રથમ વખત છે જ્યારે ચંદ્રના ભૂકંપનો અભ્યાસ કરવામાં આવ્યો છે.
લેન્ડર વિક્રમ અત્યાધુનિક ઈન્સ્ટ્રુમેન્ટ સિલિકોન માઈક્રો-મશીનિંગ સેન્સર ટેક્નોલોજીથી સજ્જ
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)ના વિજ્ઞાનીઓએ કહ્યું કે કદાચ આ પ્રથમ અવસર છે જ્યારે ચંદ્રના દક્ષિણી ધ્રુવીય પ્રદેશોમાં ભૂકંપના ડેટા એકત્ર કરવામાં આવ્યો હોય. વિજ્ઞાનીઓનું કહેવું છે કે લેન્ડર વિક્રમ અત્યાધુનિક ઈન્સ્ટ્રુમેન્ટ સિલિકોન માઈક્રો-મશીનિંગ સેન્સર ટેક્નોલોજીથી સજ્જ છે અને તે અત્યંત સૂક્ષ્મ ચંદ્ર ધ્રુજારીનો પણ રેકોર્ડ કરે છે. ISRO વિજ્ઞાનીઓની ટીમે ચંદ્રયાન-3 ઈન્સ્ટ્રુમેન્ટમાંથી મેળવેલા ડેટાના આધારે સાયન્સ મેગેઝિન ઈકારસમાં પોતાનું સંશોધન પેપર પ્રકાશિત કર્યું છે.
સૌથી લાંબો ભૂકંપ 14 મિનિટનો
લેન્ડરના પેલોડ ILSA એ ચંદ્ર ભૂકંપનો સૌથી લાંબો સમયગાળો 14 મિનિટનો નોંધ્યો છે. પરંતુ આ ધ્રુજારી રોવરની હિલચાલથી છે. ડેટા દર્શાવે છે કે જ્યારે રોવર પ્રજ્ઞાન લેન્ડર વિક્રમની નજીકથી પસાર થઈ રહ્યું હતું ત્યારે ભૂકંપના સંકેત તીવ્ર હતા. લગભગ 26 કિલો વજન ધરાવતું રોવર ચંદ્રની સપાટી પર 1 સેમી પ્રતિ સેકન્ડની ઝડપે ચાલી રહ્યું હતું. લેન્ડરથી 7 મીટરના અંતર સુધી આંચકાની તીવ્રતા વધુ રહી હતી. પરંતુ જ્યારે અંતર 12 મીટર થયું ત્યારે ભૂકંપના સંકેતોની તીવ્રતા ઓછી થવા લાગી. વિજ્ઞાનીઓનો દાવો છે કે જો ભવિષ્યમાં ચંદ્ર પર વસાહતો સ્થાપિત થશે તો આ પ્રકારના અભ્યાસ ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે.