Earthquake : દિલ્હી-NCRમાં 5.6નો ભૂકંપ, ત્રણ દિવસમાં બીજી વખત ધરતી ધ્રૂજી
આજે બપોરે 4:20 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા
Earthquake in delhi : દિલ્હી-NCR સહિત સમગ્ર ઉત્તર ભારતમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. દિલ્હીથી લખનઉ સુધી ભૂકંપના આંચકાથી લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો અને ઘરોમાંથી બહાર દોડી આવ્યા હતા. ભૂકંપની તીવ્રતા 5.6 નોંધાઈ અને કેન્દ્રબિંદુ નેપાળ પાસે નોંધાયું છે. ત્રણ દિવસમાં બીજી વખત ભૂકંપના આંચકા અનુભવાયા છે. આ પહેલા નેપાળમાં શુક્રવારે રાત્રે આવેલા જોરદાર ભૂકંપના કારણે ઉત્તર ભારતના મોટાભાગના વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
ભૂકંપ શા માટે થાય છે?
પૃથ્વીની અંદર કુલ સાત પ્લેટ છે. જે હંમેશા કાર્ય કરતી રહે છે. જ્યાં આ પ્લેટ્સ એકબીજા સાથે અથડાઈ છે તેને ફોલ્ટ ઝોન કહેવામાં આવે છે. જ્યારે આ પ્લેટો અથડાય છે, ત્યારે ઊર્જા બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે. આ પ્લેટની હિલચાલ ભૂકંપ બની જાય છે. ભૂકંપનું કેન્દ્ર સપાટીથી જેટલું નજીક હોય તેટલી વધુ તબાહી સર્જાતી હોય છે.
કેટલી તીવ્રતા પર કેવો ભૂકંપ અનુભવાય છે?
જો ભૂકંપની તીવ્રતા 0 થી 1.9 રિક્ટર હોય તો તેનો અનુભવ થતો નથી. તેની જાણકારી સિસ્મોગ્રાફ દ્વારા મેળવવામાં આવે છે. બીજી તરફ 2 થી 2.9 રિક્ટર પર હળવી ધ્રુજારી અનુભવાય છે. આ સિવાય તેની તીવ્રતા જો 3 થી 3.9 હોય તો થોડા વધારે આંચકા અનુભવાય છે. આ ઉપરાંત 4 થી 4.9 રિક્ટર હોય તો બારીઓ તૂટી શકે છે જ્યારે 5 થી 5.9 રિક્ટર પર સામાન અને પંખા હલવા લાગે છે. જ્યારે ભૂકંપની તીવ્રતા 6 થી 6.9 હોય ત્યારે ઘરના પાયામાં તિરાડો પડી શકે છે અને જ્યારે તેની તીવ્રતા 7 થી 7.9 સુધી પહોંચે છે ત્યારે મકાનો પડી જાય છે અને ઘણો વિનાશ થઈ શકે છે. અને જો 8 થી 8.9ની તીવ્રતાનો ભૂકંપ આવે તો સુનામીનો ભય પણ રહે છે. જો ભૂકંપની તીવ્રતા 9 હોય તો ત્યારે પૃથ્વી હલતી હોય તેવી નજર આવે છે.