Get The App

દિલ્હી- NCR સહિત સમગ્ર ઉત્તર ભારતમાં ભૂકંપ : 3 દિવસમાં બીજીવાર ધરા ધ્રુજી

Updated: Nov 7th, 2023


Google NewsGoogle News
દિલ્હી- NCR સહિત સમગ્ર ઉત્તર ભારતમાં ભૂકંપ : 3 દિવસમાં બીજીવાર ધરા ધ્રુજી 1 - image


- ભૂકંપનું કેન્દ્ર નેપાળમાં

- દિલ્હી, NCR ઉપરાંત, હરિયાણા, પંજાબ, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ અને બિહારમાં પણ ભૂકંપના આંચકા

નવી દિલ્હી : દિલ્હી અને એનસીઆર સહિત સમગ્ર ઉત્તર ભારતમાં ભૂકંપના આંચકા આવ્યા છે. દિલ્હી-એનસીઆરમાં તેની તીવ્રતા ૫.૬ની માપવામાં આવી હતી. આ ઉપરાંત હરિયાણા, પંજાબ, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ અને બિહારમાં પણ ભૂકંપના આંચકા લાગ્યા હતા. દિલ્હી, એનસીઆર સહિત ઉત્તર ભારતના મોટાભાગમાં ત્રણ દિવસમાં બીજીવાર ભૂકંપના આંચકા લાગ્યા હતા. તેથી લોકો ગભરાઈ ગયા હતા અને ઘરોમાંથી બહાર નીકળી ગયા હતા. ભૂકંપનું કેન્દ્ર નેપાળમાં હોવાનું જાણવા મળ્યું છે.

આ પૂર્વે શુક્રવારે રાત્રે નેપાળમાં આવેલા તીવ્ર ભૂકંપને લીધે ઉત્તર ભારતના વિશાળ વિસ્તારોમાં પણ ધરતી ધ્રુજી હતી. નેપાળમાં ૪.૧૬ મીનીટે, ૫.૬ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો જેનું કેન્દ્ર અયોધ્યાથી ૨૩૩ કિ.મી. ઉત્તરમાં, નેપાળમાં હોવાનું જાણવા મળ્યું હતું. તે કેન્દ્ર જમીનની નીચે ૧૦ કિ.મી. સુધી ઊંડું હતું. આ ભૂકંપ પછી ઘણા આફટર-શોક્સ પણ આવ્યા હતા.

આજના આ ભૂકંપની તીવ્રતા પણ ૫.૬ જેટલી હતી. જો કે હજી સુધી તેથી જાનમાલનું નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું નથી.

દિલ્હી-એનસીઆરમાં ઊંચી ઈમારતો ઉપર આંચકા વધુ લાગ્યા હતા. બપોરનો સમય હોવાથી લોકો કામકાજમાં વ્યસ્ત હતા. ઓફિસોમાં પણ કામ ચાલતું હતું. ત્યાં આંચકા આવવા શરૂ થતાં લોકો દાદર દ્વારા નીચે ઉતરી ગયા હતા. ઓફિસોની બહાર કર્મચારીઓની ભીડ લાગી હતી. ત્રણ જ દિવસમાં બે વખત આંચકા લાગ્યા તેથી લોકોમાં ભય વ્યાપી રહ્યો છે. ઘણા લોકોએ ઘરમાં પંખા અને લાઈટ હલતા હતા, તે મોબાઈલ કેમેરામાં કેદ કરી લીધા હતા, પછી એક બીજા સાથે, પોતાના વિડીયો પણ શેર કર્યા હતા.


Google NewsGoogle News