'ભગવાન આવી જાય તો પણ કંઈ નહીં બદલાય', બેંગલુરુ ટ્રાફિક સમસ્યા પર બોલ્યા DyCM ડીકે શિવકુમાર
DK Shivakumar On Bengaluru : કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમારે બેંગલુરુમાં ઝડપથી વધી રહેલા શહેરીકરણના કારણે થતી સમસ્યાને સ્વીકારતા કહ્યું કે, 'ભગવાન આવી જાય તો પણ તાત્કાલિક પરિવર્તન લાવી શકશે નહીં. ભગવાન સ્વર્ગમાંથી નીચે આવીને બેંગલુરુના રસ્તાઓ પર ચાલે તો પણ એક, બે કે ત્રણ વર્ષમાં કંઈ બદલાશે નહીં. પરિસ્થિતિ ખૂબ જ પડકારજનક છે.'
'પ્રોજેક્ટ્સ સુવ્યવસ્થિત લાગુ કરવાની જરૂર છે'
શિવકુમારે કહ્યું કે, 'આપણે યોગ્ય રીતે યોજના બનાવવા અને પ્રોજેક્ટ્સ સુવ્યવસ્થિત લાગુ કરવાની જરૂર છે. આવનાર સમયમાં ઉમદા કોરીડોર વિકસિત કરવાની કોશિશ કરવામાં આવી રહી છે.' વિપક્ષી નેતા આર અશોકે ડીકે શિવકુમારના નિવેદનની આકરી ટીકા કરી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં રાજ્ય સરકાર પર પ્રહાર કરતા તેમણે કહ્યું, 'કર્ણાટક સરકાર પાસે વિકાસ કાર્ય માટે પૈસા નથી તે સ્વીકાર્યા પછી, બેંગલુરુ વિકાસ મંત્રી ડીકે શિવકુમાર હવે કહે છે કે ભગવાન આવે તો પણ આગામી 2-3 વર્ષમાં બેંગલુરુ બદલાઈ નહીં શકે.'
વિપક્ષી નેતાએ શું કહ્યું?
અશોકે કહ્યું કે, 'લોકોને ડીકે શિવકુમાર કે તેમની સરકાર પાસે કોઈ આશા નથી. તેમણે કોંગ્રેસ સરકારને કર્ણાટક અને બેંગલુરુ માટે અભિશાપ ગણાવ્યો અને દાવો કર્યો કે લોકો નિરાશાજનક કોંગ્રેસ સરકારને દૂર કરવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.' તાજેતરમાં 4 ફેબ્રુઆરીએ શિવકુમારે શહેર વિકાસ અને પર્યાવરણ સંરક્ષણને લઈને જરૂરિયાત પર ભાર મુકતા કહ્યું હતું કે, 'સમસ્યાઓ હોવા છતાં બેંગલુરુ વાતાવરણ અને સંસ્કૃતિની દ્રષ્ટિએ ઘણા શહેરો કરતાં વધુ સારું છે.'
બેંગલુરુની વસ્તીમાં વધારો
છેલ્લા બે દાયકામાં શહેરના પરિવર્તન પર પ્રતિબિંબ પાડતા ડીકે શિવકુમાર જણાવ્યું કે, 'બેંગલુરુની વસ્તી 70 લાખથી બમણી થઈને 14 મિલિયન થઈ ગઈ છે, જેના કારણે માળખાગત સુવિધાઓ પર ભારે દબાણ આવ્યું છે. એક મુખ્ય આઇટી અને તાલીમ કેન્દ્ર તરીકે આ શહેર વૈશ્વિક ધ્યાન આકર્ષિત કરવાનું ચાલુ રાખે છે, પરંતુ તેના વિસ્તરણને કારણે ટ્રાફિક ભીડ, પાણીની અછત અને કચરા વ્યવસ્થાપન જેવા સતત મુદ્દાઓ ઉભા થયા છે.
બેંગલુરુની ટ્રાફિક સમસ્યાની રાષ્ટ્રીય રાજધાની સાથે સરખામણી કરતા તેમણે કહ્યું હતું કે, 'હું તાજેતરમાં દિલ્હીમાં હતો, ત્યારે મેં જોયું હતું કે ત્યાં ટ્રાફિકની સ્થિતિ બેંગલુરુ કરતાં વધુ સારી નહોતી.' શિવકુમાર અગાઉ કર્ણાટકના શહેરી વિકાસ મંત્રી તરીકે સેવા આપી ચૂક્યા છે. તેમણે બેંગલુરુના વધતા પડકારોનો સામનો કરવા માટે વ્યૂહાત્મક આયોજન અને અસરકારક અમલીકરણના મહત્ત્વ પર ભાર મૂક્યો.