Get The App

ઠંડક માટે આચાર્યએ ક્લાસરૂમની દીવાલો પર છાણ લીપતા વિદ્યાર્થીઓનો 'જેવા સાથે તેવા' ની ભાષામાં જવાબ

Updated: Apr 17th, 2025

GS TEAM


Google News
Google News
ઠંડક માટે આચાર્યએ ક્લાસરૂમની દીવાલો પર છાણ લીપતા વિદ્યાર્થીઓનો 'જેવા સાથે તેવા' ની ભાષામાં જવાબ 1 - image


DUSU President Smearing Cow Dung: દિલ્હી યુનિવર્સિટીની લક્ષ્મીબાઈ કોલેજના બે વીડિયો તાજેતરમાં વાઈરલ થયા છે. પહેલા વીડિયોમાં કોલેજના આચાર્યા ગાયના છાણથી વર્ગખંડની દીવાલને લીંપતા જોવા મળે છે, તો બીજા વીડિયોમાં વિદ્યાર્થીઓ આચાર્યાની ઓફિસની દીવાલો પર છાણ લગાવતા જોવા મળે છે. યુનિવર્સિટીમાં આવા પ્રયોગો માટે આચાર્યની ટીકા થઈ રહી છે. ચાલો જાણીએ કે, આખરે જે બન્યું એ શા માટે બન્યું.

કયા કારણસર આચાર્યાએ આવી હરકત કરી?

લક્ષ્મીબાઈ કોલેજમાં પાંચ બ્લોક છે, જેમાંથી, ‘સી’ બ્લોકનું મકાન ઘણું જૂનું છે. તેમાં નીચે એક કેન્ટીન છે અને ઉપરના માળે વર્ગખંડ છે. ખાસ્સા મોટા એવા આ વર્ગખંડમાં એસી કે કૂલર નથી, ફક્ત પંખા છે અને એય એટલા ઓછા કે એની હવા વર્ગખંડના ખૂણેખૂણામાં પહોંચતી નથી. તેથી અભ્યાસ કરતી વખતે વિદ્યાર્થીઓ ગરમીમાં અકળાતા રહે છે. તેમણે આ બાબતે કોલેજના આચાર્યા પ્રત્યુષા વત્સલાનું ધ્યાન દોરીને એસી અથવા કૂલરની વ્યવસ્થા કરવા કહ્યું હતું. જેના ઉપાય રૂપે આચાર્યા જાતે જ વર્ગખંડની દીવાલો પર ગાયના છાણ વડે લીંપણ કરવા લાગી ગયા હતા. તેમનું કહેવું હતું કે, છાણના લીંપણને લીધે વર્ગખંડમાં કુદરતી ઠંડક સર્જાશે અને વિદ્યાર્થીઓની સમસ્યાનું સમાધાન થઈ જશે. 

વીડિયો બનાવીને પોતે જ શેર પણ કર્યો 

આચાર્યા પ્રત્યુષા વત્સલાએ પોતાની હાસ્યાસ્પદ હરકતનો વીડિયો બનાવીને શિક્ષકોના વૉટ્સએપ ગ્રૂપમાં પોતે જ શેર કર્યો હતો. વીડિયોમાં તેઓ ટેબલ પર ઊભા રહીને ગાયના છાણથી દિવાલ લીંપતા દેખાય છે. વીડિયો શેર કરતી વખતે તેમણે લખ્યું હતું કે, ‘સી’ બ્લોકમાં ગરમીની સમસ્યાનો સામનો કરવા માટે સ્વદેશી પગલાં અપનાવવામાં આવી રહ્યા છે. આનાથી વિદ્યાર્થીઓના વર્ગખંડને નવો દેખાવ મળશે અને ઠંડક થતાં તેમનો અભ્યાસનો અનુભવ સુખદ રહેશે. આ વીડિયો જોઈને સૌ ચોંકી ગયા હતા. યુનિવર્સિટીના કુલપતિ યોગેશ સિંહ પણ આ વીડિયો જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતા. 

આ પણ વાંચો: ચેકડેમમાં નહાવા ગયા હતા વઢવાણના બે યુવકો, ડૂબી જતાં મોતથી ગામમાં સન્નાટો પ્રસર્યો

વિદ્યાર્થીઓએ જેવા સાથે તેવાની નીતિ અપનાવીને બદલો લીધો

આચાર્ય કક્ષાની વ્યક્તિ આવી બાલિશ માન્યતા ધરાવતી હોય અને હરકત કરતી હોય એ જોઈને વિદ્યાર્થીઓ રોષે ભરાયા હતા. મંગળવારે કોલેજના વિદ્યાર્થીઓના લીડર રોનક ખત્રીની આગેવાનીમાં વિદ્યાર્થીઓ આચાર્યાની ઓફિસમાં ધસી ગયા હતા અને ત્યાંની દીવાલો પર ઠેરઠેર છાણ લગાવી દીધું હતું. વિદ્યાર્થીઓને રોકવાની કોશિશ કરવામાં આવી હતી, પરંતુ વિદ્યાર્થીઓ કોઈનું કશું સાંભળતા નથી. આવા નાટકીય વળાંકને લીધે આ વિવાદ સોશિયલ મીડિયામાં ચર્ચાસ્પદ બન્યો છે. 

‘નો કૂલર, નો એસી, સિર્ફ દેશી’

વિદ્યાર્થીઓનું કહેવું છે કે, 'જો આચાર્યા એમ માનતા હોય કે ગાયનું છાણ દીવાલો પર લગાવવાથી રૂમમાં ઠંડક થાય છે, તો તેમણે સૌથી પહેલા આ પ્રયોગ પોતાના ઘરે કરવો જોઈએ. વિદ્યાર્થીઓએ આ મુદ્દાને ‘નો કૂલર, નો એસી, સિર્ફ દેશી’ કહીને ચગાવ્યો છે. અમને વિશ્વાસ છે કે આચાર્યા મેડમ હવે તેમના રૂમમાંથી એસી કાઢીને વિદ્યાર્થીઓને સોંપી દેશે, કેમ કે તેમની ઓફિસ તો ગાયના છાણને લીધે કુદરતી રીતે જ ઠંડી થઈ જશે.'

આચાર્યાએ આવું કહીને પોતાનો બચાવ કર્યો 

આ બનાવમાં આચાર્યા પ્રત્યુષા વત્સલાએ પોતાનો બચાવ કરતા એમ કહ્યું હતું કે, 'ગાયના છાણના ઉપયોગથી રૂમમાં ઠંડક થતી હોય, એ એમની ‘સ્વદેશી અને ટકાઉ ઠંડક પદ્ધતિઓની તપાસ કરતા ફેકલ્ટી-આગેવાની હેઠળના સંશોધન પ્રોજેક્ટ’નો એક ભાગ છે, તેથી તેમણે આ ઉપાય અજમાવ્યો હતો. તેમણે જે કર્યું એનો સંદર્ભ જાણ્યા વિના ખોટું અર્થઘટન કરવામાં આવી રહ્યું છે. તેમણે એક અઠવાડિયા પછી સંપૂર્ણ સંશોધનની વિગતો રજૂ કરવાનું જણાવ્યું હતું.'

છાણથી ઠંડક થાય તો છે, પણ… 

એ હકીકત છે કે ફક્ત ગાયના જ નહીં, ભેંસ જેવા અન્ય જનાવરોના છાણથી પણ ઘરમાં ઠંડક થતી હોય છે, પણ એના માટે ઘરની ભીંત ગારા-માટી-વાંસની બનેલી હોવી જોઈએ. એવી ભીંત પર છાણ લીંપવામાં આવે તો ઘરની અંદરનું તાપમાન કાબૂમાં રહે છે. શિયાળામાં ન હદપાર ઠંડી લાગે છે અને ઉનાળામાં ન હદપાર ગરમી અનુભવાય છે. આ જૂગજૂની પદ્ધતિ છે. ગામડાંઓમાં આજે પણ આવા ઘરો જોવા મળે છે. પણ, ઈંટ-કોંક્રિટની પાકી દીવાલો પર છાણ ચોપડવાથી રૂમમાં ઠંડક થતી નથી. આચાર્ય જેવા પદ પર બેઠેલી વ્યક્તિને આટલી સામાન્ય જાણકારી પણ ન હોય, એ જાણીને સૌ નવાઈ પામી ગયા છે. દિલ્હી યુનિવર્સિટીના વહીવટીતંત્રે આ ઘટના અંગે હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિભાવ આપ્યો નથી.

ઠંડક માટે આચાર્યએ ક્લાસરૂમની દીવાલો પર છાણ લીપતા વિદ્યાર્થીઓનો 'જેવા સાથે તેવા' ની ભાષામાં જવાબ 2 - image

Tags :