હરિયાણામાં ચૂંટણી પહેલા પૂર્વ મુખ્યમંત્રી દુષ્યંત ચૌટાલા અને સાંસદ ચંદ્રશેખર આઝાદના કાફલા પર હુમલો, ગાડીમાં તોડફોડ કરાઈ
Image Source: Twitter
Dushyant chautala and chandrashekhar azad convoy attacked: હરિયાણા વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે હવે ચૂંટણી પહેલા હરિયાણાના પૂર્વ ડેપ્યુટી સીએમ અને દુષ્યંત ચૌટાલા અને સાંસદ ચંદ્રશેખર આઝાદના કાફલા પર હુમલો કરવામાં આવ્યો છે. હુમલાની આ ઘટના જીંદ જિલ્લાના ઉચાના કલાન વિધાનસભા ક્ષેત્રમાં બની હતી. દુષ્યંત ચૌટાલા આ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. ચંદ્રશેખર આઝાદ દુષ્યંત ચૌટાલાના સમર્થનમાં રોડ શો કરવા માટે આવ્યા હતા. સોમવારે મોડી સાંજે જ્યારે આ બંને યુવા નેતાઓનો કાફલો ઉચાના કલાન વિસ્તારમાં પ્રચાર કરી રહ્યો હતો ત્યારે કોઈકે પથ્થરમારો કર્યો હતો. આ પથ્થરમારામાં ચંદ્રશેખરની કારનો કાચ તૂટી ગયો હતો.
તમને જણાવી દઈએ કે, હરિયાણામાં વિધાનસભા ચૂંટણી માટે જેજેપી અને આઝાદ સમાજ પાર્ટી (કાંશીરામ)એ ગઠબંધન કર્યું છે. હરિયાણામાં વિધાનસભાની 90 બેઠકો છે. જેમાંથી જેજેપી 70 બેઠકો પર અને આઝાદ સમાજ પાર્ટી (કાંશીરામ) 20 બેઠકો પર ચૂંટણી લડી રહી છે.
સમર્થકોએ ઘટના સ્થળે પહોંચી હંગામો કર્યો
દુષ્યંત ચૌટાલા અને ચંદ્રશેખરના કાફલા પર હુમલાના સમાચાર મળતા જ તેમના સમર્થકો ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા અને હંગામો કર્યો હતો. સૂચના મળતાં જ પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આ દરમિયાન દુષ્યંત ચૌટાલા અને ઉચાના પોલીસ સ્ટેશનના એસએચઓ વચ્ચે દલીલ થ ગઈ હોવાના પણ સમાચાર સામે આવી રહ્યા છે.
હુમલામાં બંને નેતાઓને કોઈ ઈજા નથી પહોંચી
દુષ્યંત ચૌટાલા અને ચંદ્રશેખર આઝાદે પોલીસને કહ્યું કે તેઓ હુમલાખોરોને વહેલી તકે ધરપકડ કરવી જોઈએ. જોકે આ હુમલામાં આ બંને નેતાઓને કોઈ ઈજા નથી થઈ. દુષ્યંત ચૌટાલા અને ચંદ્રશેખરના કાફલા પર હુમલાના આ સમાચાર સોશિયલ મીડિયા પર પણ ફેલાઈ ગયા છે. હુમલા બાદ ચંદ્રશેખર આઝાદ બીજી કારમાં સવાર થઈને આગળ વધ્યા હતા.
હરિયાણામાં જેજેપીની આ બીજી વિધાનસભા ચૂંટણી છે જ્યારે આસપા હરિયાણામાં પહેલીવાર ચૂંટણી લડી રહી છે. જેજેપીનું ગઠન 2018માં થઈ હતી અને આસપાનું ગઠન 2022માં થયું હતું.
યુવા નેતા છે ચંદ્રશેખર અને દુષ્યંત
દુષ્યંત ચૌટાલા અને ચંદ્રશેખર આઝાદ બંને રાજકારણમાં યુવા નેતા છે. છેલ્લા કેટલાક વર્ષોમાં બંનેએ ખૂબ જ ઝડપથી પ્રગતિ કરી છે. દુષ્યંત ચૌટાલા માત્ર 26 વર્ષની વયે લોકસભા ચૂંટણી જીત્યા હતા અને 31 વર્ષની વયે હરિયાણાના ડેપ્યુટી સીએમ બની ગયા હતા.
હરિયાણામાં 5 ઓક્ટોબરે મતદાન
દુષ્યંત ચૌટાલાના કાકા અભય ચૌટાલા (ઈનેલો) એ હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે BSP સાથે ગઠબંધન કર્યું છે. હરિયાણામાં 5 ઓક્ટોબરે મતદાન થશે અને 8 ઓક્ટોબરના રોજ મતગણતરી થશે.