ક્યાંક પથરાવ, ક્યાંક તલવાર, મધ્ય પ્રદેશમાં વોટિંગ સમયે હિંસા : મુસ્લિમ કોર્પોરેટરનું મોત : અનેક ઝખ્મી
- વિધાનસભા ચૂંટણી લોહીયાળ, લોકસભા સમયે શું થશે ?
- મ.પ્ર.માં તમામ 200 સીટો માટે મતદાન : ઈન્દોર, મુરૈનામાં પથરાવ, તલવારબાજી અને ગોળીબાર
ભોપાલ : મધ્ય પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીમાં તમામ ૨૦૦ સીટો ઉપર આજે મતદાન યોજાયું. તે દરમિયાન અનેક સ્થળોએ હિંસા ફાટી નીકળી હતી. ઈન્દોર અને મુરૈનામાં અનેક સ્થળોએ પથ્થરબાજી થઈ. તો ઘણાં સ્થળોએ તલવારબાજી થઈ હતી. તો ક્યાંક ખાનગી ગોળીબારો પણ થયા. કોઈ જગ્યાએ ઉમેદવારની પીટાઈ કરવામાં આવી. જ્યારે એક મુસ્લીમ કોર્પોરેટર ઉપર મોટર ચલાવી તેને કચડી નાખવાનો પણ આક્ષેપ થયો છે.
ઈન્દોરના મહુ વિધાનસભા ક્ષેત્રમાં મતદાન સમયે ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે ખુલ્લેઆમ મારામારી થઈ ગઈ હતી. બંને પક્ષ વચ્ચે માત્ર પથ્થરબાજી જ નહીં પરંતુ તલવારબાજી પણ થઈ હતી. આ ઘટનામાં જ વ્યક્તિઓ ગંભીર રીતે ઘાયલ પણ થઈ. આ માહિતી મળતા પોલીસ સ્થળ ઉપર પહોંચી ગઈ અને હળવો બળ-પ્રયોગ કરી પરિસ્થિતિ કાબુમાં લીધી હતી.
ઈન્દોરની સિંધી કોલોનીમાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે જબરજસ્ત મારામારી થઈ ગઈ. આ માહિતી મળતા પોલીસ સ્થળ ઉપર પહોંચી ગઈ અને તોફાનીઓને ખદેડી મુક્યા હતા. કોંગ્રેસના શહેર પ્રમુખ સુરજિત ચઢ્ઢા પણ સ્થળ ઉપર પહોંચી ગયા હતા.
વાસ્તવમાં ચૂંટણી હિંસાની શરૂઆત ગુરૂવારે રાત્રે જ થઈ ગઈ હતી. ઈન્દોરના રાઊ વિધાનસભા ક્ષેત્રમાં મોડી રાત્રે ભાજપ અને કોંગ્રેસ કાર્યકર્તાઓ વચ્ચે મારામારી શરૂ થઈ ગઈ હતી. ભંવર કુવા થાણાની બહાર જ તોફાને ચઢેલા લોકોને વિખેરવા પોલીસને અશ્રુવાયુનો ઉપયોગ કરવો પડયો હતો.
આ ઉપરાંત મુરૈનાનાં દીમની ગામમાં મતદાન દરમિયાન એક જ ગામમાં બે વખત તોફાનો થયા ત્યાં બંને જૂથો સામ-સામા તોફાને ચઢ્યા હતા. બંને તરફથી ભારે પથ્થરબાજી થઈ, આમ સામી લાઠીયો પણ વીંઝાણી હતી. આ દરમિયાન એકબીજા જૂથોએ પરસ્પર ઉપર ખાનગી ગોળીબાર કર્યા હોવાથી પણ માહિતી મળી છે. આ હિંસા દરમિયાન સુરક્ષા દળોના જવાનો સહિત જ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાના પણ સમાચારો મળ્યા છે. તે ઉપરાંત અન્ય ઘણાને ઈજાઓ પણ થઈ હતી.
ચંબલ વિસ્તારના ભીંડમાં પણ ભારે તોફાનો થયા હતા. જિલ્લાની મહેગાંવ વિધાનસભા સીટ પરના ભાજપના ઉમેદવાર પર હુમલા થયા હતા. જ્યારે માનહડ ગામમાં ભાજપના ઉમેદવાર રાકેશ શુકલા ઉપર પણ પથ્થરો પડયા હતા. આ ગામમાં પોલિંગ-બૂથ ઉપર કોંગ્રેસ અને 'આપ'ના કાર્યકર્તાઓ વચ્ચે મારામારી થઈ ગઈ હતી.
સૌથી વધુ દુ:ખદ ઘટના તો છતરપુર જીલ્લાના રાજનગર વિધાનસભા ક્ષેત્રમાં બની હતી. વહેલી સવારે ત્રણ વાગે બે રાજકીય જુથો સામ-સામે આવી ગયા. જેમાં ખજુરાહો ક્ષેત્રમાં તો વહેલી સવારે એક ગંભીર ઘટના બની. તે તોફાનમાં એક મુસ્લીમ કોર્પોરેટર સલમાનખાનની હત્યા થઈ ગઈ હતી. એસ.પી. અમિત સાંઘવીએ આ ઘટનાની પુષ્ટિ કરી છે. અન્ય રાજકીય પક્ષ (કોંગ્રેસ)નું કહેવું છે કે તેમની ઉપર મોટર ચલાવતા તેમનું મૃત્યુ થયું હતું. પોસ્ટ મોર્ટમ માટે તેમના દેહને હોસ્પિટલમાં લાવવામાં આવ્યો ત્યારે તેઓને મૃત જાહેર કરાયા હતા. પોલીસ આ અંગે વધુ તપાસ કરી રહી છે.
નિરીક્ષકોનું કહેવું છે કે ''વિધાનસભા ચુંટણીઓ પણ જો આટલી હિંસક બની રહે તો લોકસભા ચુંટણી સમયે તો શુંનું શું થઈ શકશે ?''