Get The App

VIDEO: કેરળ સરકાર સામે કોંગ્રેસની કૂચમાં હિંસા, પોલીસે વોટર કેનન અને ટિયર ગેસનો ઉપયોગ કરી ટોળું કાબુમાં લીધું

કેરળ સરકારના લોકો સુધી પહોંચવાના કાર્યક્રમ 'નવ કેરળ સદાસ' દરમિયાન હિંસા

Updated: Dec 23rd, 2023


Google NewsGoogle News
VIDEO: કેરળ સરકાર સામે કોંગ્રેસની કૂચમાં હિંસા, પોલીસે વોટર કેનન અને ટિયર ગેસનો ઉપયોગ કરી ટોળું કાબુમાં લીધું 1 - image


Congress Protest: કેરળ પ્રદેશ કોંગ્રેસ સમિતિ (KPCC)એ કેરળના ડિરેક્ટર જનરલ ઓફ પોલીસની ઓફિસ સુધી કૂચ કરતા હિંસા ફાટી નીકળી હતી. વાત એમ છે કે, કેરળની ડાબેરી સરકારે લોકો સુધી પહોંચવા 'નવ કેરળ સદાસ' કાર્યક્રમ શરૂ કર્યો છે. આ કાર્યક્રમ વિરુદ્ધ કેરળના મુખ્ય વિપક્ષ કોંગ્રેસે આંદોલન છેડી દીધું છે. કોંગ્રેસના આવા જ એક દેખાવો વખતે પોલીસે કોંગ્રેસ કાર્યકરો પર લાઠીચાર્જ કર્યો હતો. ત્યાર પછી  કેરળના મુખ્યમંત્રી પી. વિજયને પોલીસને તો ઠીક, સીપીઆઈ-એમ કાર્યકરોને પણ દેખાવકારોને મારવાની ‘ખુલ્લી છૂટ’ આપી હતી. પી. વિજયન કેરળના ગૃહ મંત્રી પણ છે. આમ, કેરળ સરકારની સરમુખત્યારશાહીના વિરોધમાં કોંગ્રેસે ઉપરોક્ત કૂચનું આયોજન કર્યું હતું.  પોલીસે દાવો કર્યો છે કે દેખાવકારોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. તેથી પોલીસે હિંસક ટોળાને કાબુમાં લેવા વૉટર કેનનનો ઉપયોગ કરવો પડ્યો હતો અને ટિયર ગેસના શેલ છોડીને ટોળું વિખેરવું પડ્યું હતું. 

વિરોધ પ્રદર્શન દરમિયાન અફરાતફરી મચી

કેપીસીસી પ્રમુખ કે. સુધાકરન, વિધાનસભમાં વિરોધ પક્ષના નેતા વીડી સતીશન અને વરિષ્ઠ નેતા રમેશ ચેન્નીથલા સહિતના વરિષ્ઠ નેતાઓ DGP કાર્યાલય નજીક મંચ પર હતા. ત્યારે અચાનક હિંસા ફાટી નીકળતા પોલીસે વોટર કેનન અને ટિયર ગેસના શેલ છોડ્યા હતા. સુધાકરન અને ચેન્નીથલા પર ટિયર ગેસની અસર થતા કાર્યકરોએ તેમને નજીકમાં પાર્ક કરેલી કારમાં લઈ ગયા હતા. સતીશનના સંબોધન દરમિયાન વોટર કેનનનો ઉપયોગ કરતા વિરોધ પ્રદર્શનમાં અફરાતફરી મચી હતી.

પોલીસે અચાનક બળપ્રયોગ શરૂ કર્યો: શશી થરૂર

કોંગ્રેસ સાંસદ શશી થરૂરે કહ્યું કે,'આ ચોંકાનારો અનુભવ હતો. કોંગ્રેસ કાર્યકરો શાંતિપૂર્ણ રીતે વિરોધ કરી રહ્યા હતા. મોટા નેતાઓના ભાષણો થઈ રહ્યા હતા. અચાનક કોઈપણ ઉશ્કેરણી વિના, સ્ટેજની પાછળ જ ટિયર ગેસના શેલ છોડ્યા અને વોટર કેનન છોડવામાં આવ્યું અમને સમજાતું નથી કે શા માટે, ત્યા કોઈ ઉશ્કેરણી નથી અને કોઈ ચેતવણી આપવામાં આવી નથી. મે તરત જ ડીજીપીને ફોન કર્યો અને શક્ય બને તેટલી કડક ભાષામાં વિરોધ કર્યો. આ એક ગુનાઈત કૃત્ય હતું. આ હુમલો કરવાની સંપૂર્ણ સ્વતંત્રતા આપવામાં આવી છે. હું સંસદના અધ્યક્ષ સાથે પણ આ વાત ઉઠાવવા જઈ રહ્યો છું કારણ કે, મંચ પર હાજર મોટી સંખ્યામાં સાંસદોના સંસદીય વિશેષાધિકારોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે.' 


Google NewsGoogle News