હૈદરાબાદમાં દશેરા પહેલાં મોટી બબાલ, દુર્ગા પંડાલમાં તોડફોડ, મૂર્તિ ખંડિત કરી, પોલીસ તપાસ શરુ
Durga Puja Hyderabad: હૈદરાબાદથી મોટા સમાચાર સામે આવ્યા છે. હૈદરાબાદના નામપલ્લી પ્રદર્શની મેદાનમાં અજાણ્યા શખ્સોએ દેવી દુર્ગાની મૂર્તિને નુકસાન પહોંચાડ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસર બેગમ બજારમાં પોલીસ કર્મીઓની એક ટીમે ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યુ છે. પોલીસે કેસની તપાસ કરી કાર્યવાહી કરવાનો વિશ્વાસ અપાવ્યો છે. તો બીજી તરફ ઘટના બાદ લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.
હૈદરાબાદના નામપલ્લીમાં કેટલાક લોકોએ દુર્ગા પંડાલમાં તોડફોડ કરી છે. આરોપીએ દુર્ગા દેવીનો હાથ પણ તોડી દીધો છે. ઘટનાની જાણકારી શુક્રવારે સવારે થઈ હતી. જ્યારે આયોજકો પૂજા કરવા પહોંચ્યા હતા. આયોજકોએ જણાવ્યું હતું કે ગુરુવારે રાત સુધી પોલીસ ત્યાં હાજર હતી. ઘટના કેટલા વાગ્યાની છે, હજુ સુધી તેની જાણકારી સામે આવી નથી.
જોકે પોલીસનું કહેવું છે કે કેટલાક અજાણ્યા શખ્સોએ દાનપેટીને એક તરફ મૂકી દીધી હતી, જેથી દેવી દુર્ગાની મૂર્તિનો હાથ તૂટી ગયો હતો. દેવી શરણ નવરાત્રિ સમારોહના ભાગરૂપે એક્ઝિબિશન સોસાયટીના રહીશો અને કર્મચારીઓ દર વર્ષે દેવીની મૂર્તિ બનાવે છે.
પહેલાં વીજળી કાપી નાખવામાં આવી, પછી સીસીટીવી તોડ્યા હતા. પોલીસ અને આયોજકોએ જણાવ્યું હતું કે આરોપીઓએ પંડાલમાં ઘૂસતાં પહેલાં ત્યાંની વીજળી કાપી નાખી હતી. ત્યારબાદ તેમણે ત્યાં લાગેલા સીસીટીવી કેમેરા પણ તોડી નાખ્યા. જેથી ઘટનાના સમયના કોઈ પણ ફૂટેજ સામે આવી શકે નહીં. આરોપીઓએ બેરિકેડ હટાવ્યા અને પૂજાનો સામન પણ ફેંકી દીધો. ઘટનાસ્થળનું નિરીક્ષણ કરનાર એસ.પી. એ. બી. ડી. એસ ચંદ્રશેખરે ફરિયાદ નોંધી અને બેગમ બજાર પોલીસ દ્વારા આગળની તપાસ કરવામાં આવી રહી છે.
દેશભરમાં દુર્ગાષ્ટમીનો પર્વ ઉજવવામાં આવી રહ્યો છે. દિલ્હીથી માંડીને ગુજરાત સુધી દુર્ગા પંડાલો અને મંદિરોમાં દેવીમાની પૂજા કરવામાં આવી રહી છે. દેવી વિસર્જન અને દશેરા 12 ઑક્ટોબરના રોજ કરવામાં આવશે. દેવી શક્તિપીઠોમાં નવરાત્રિની આઠમ અને નવમી પર દેવીની મહાપૂજા થાય છે. આ તિથિઓ નિમિત્તે ચંદીપાઠ અને હવન પણ યોજવામાં આવે છે. તંત્ર શક્તિપીઠો પર બલી ચઢાવવામાં આવે છે.