સિક્કિમમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનથી તંત્રના હાલ બેહાલ, 2000 પ્રવાસીને એરલિફ્ટ કરવાની તૈયારી

Updated: Jun 18th, 2024


Google NewsGoogle News
Sikkim Rain Landslide


Sikkim Rain Landslide: સતત વરસાદ અને ભૂસ્ખલનને કારણે સિક્કિમમાં સ્થિતિ વણસી ગઈ છે. જેમાં ઉત્તર સિક્કિમ તબાહ થઈ ગયું છે. હજુ પણ ત્યાં 2000 પ્રવાસીઓ ફસાયેલા છે. સતત વરસાદને કારણે ભૂસ્ખલન થતા મંગનથી લાચુંગ સુધી ઘણી જગ્યાએ માર્ગ પરિવહનને ખરાબ અસર થઈ છે. સિક્કિમ વહીવટીતંત્ર પ્રવાસીઓને બહાર કાઢવા માટે સતત પ્રયાસ કરી રહ્યુ છે. જેના માટે પ્રવાસીઓને બચાવવા માટે હેલિકોપ્ટર પણ તૈયાર છે, પરંતુ ખરાબ હવામાનને કારણે એરલિફ્ટ શક્ય નથી.

સતત વરસાદ અને ભૂસ્ખલનના કારણે નેશનલ હાઈવે-10 ધરાશાયી

સોમવારે લગભગ 50 પ્રવાસીઓનું રેસ્ક્યુ કરીને તેમને ગંગટોક પહોંચાડવામાં આવ્યા હતા. જયારે હાલ ની સ્થિતિ એવી છે કે સિક્કિમમાં અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત સામગ્રી પહોંચાડવી પણ મુશ્કેલ છે. એવામાં આજે સવારે વરસાદ અને ભૂસ્ખલન બાદ બંગાળ અને સિક્કિમ બોર્ડર પર ઋષિખોલા ખાતે નેશનલ હાઈવે-10 પર વાહનવ્યવહાર અટકી ગયો છે. તેમજ સતત વરસાદ અને ભૂસ્ખલનના કારણે સિક્કિમના મંગન જિલ્લામાં તમામ શાળાઓને બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

સિક્કિમનો પશ્ચિમ બંગાળ સાથે સંપર્ક તૂટી ગયો

રાતભર અવિરત વરસાદના કારણે નેશનલ હાઈવે 10 ફરીથી ધરાશાયી થઈ ગયો છે. જેથી સિક્કિમનો પશ્ચિમ બંગાળ સાથે સંપર્ક તૂટી ગયો છે. વાલુખોલા અને લખુવીર વિસ્તારમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર મોટા પથ્થરો પડતા વાહનવ્યવહાર માટે રસ્તો સંપૂર્ણ બંધ થઈ ગયો છે. જેમાં વાહનવ્યવહાર ફરી શરુ કરવા માટે જિલ્લા વહીવટીતંત્ર ઝડપથી કામ કરી રહ્યું છે. 

એક સપ્તાહથી પ્રવાસીઓ ત્યાં ફસાયા છે 

મંગનના જિલ્લા મેજિસ્ટ્રેટ હેમ કુમાર છેત્રીની ટીમે સોમવારે બપોરે મંગન જિલ્લાના તુંગમાં ફસાયેલા પ્રવાસીઓને રોડ માર્ગે બહાર કાઢવાનું કામ શરુ કર્યું હતું. કેટલાક વિદેશી સહીતના પ્રવાસીઓ લાચુંગ શહેરમાં એક સપ્તાહથી ફસાયા છે. 

મુશળધાર વરસાદ અને ભૂસ્ખલનના કારણે મંગન જિલ્લાના ઘણા વિસ્તારોમાં માર્ગ અને સંદેશાવ્યવહાર નેટવર્ક ખોરવાઈ ગયું છે અને સંપર્ક વિહોણા બન્યા છે.ત્યાં વાહનોની અવરજવરને સરળ બનાવવા માટે અને રોડ કનેકટીવીટી ફરી શરુ કરવા માટે બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન (BRO) દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. 

સિક્કિમમાં છેલ્લા કેટલાક દિવસોમાં ભારે વરસાદને કારણે થયેલા ભૂસ્ખલનના લીધે લગભગ 6 લોકોના મોત થયા છે. તેમજ મિલકતોને પણ ભારે નુકસાન થયું છે. ઘણા વિસ્તારોમાં વીજળી, ખાદ્ય સામગ્રી અને મોબાઈલ નેટવર્ક ખોરવાઈ ગયા છે.

સતત વરસાદના કારણે લાચુંગ રોડ ધોવાઈ ગયો

સિક્કિમમાં સતત વરસાદને કારણે બંગાળ અને ખાસ કરીને તિસ્તા નદીને અસર થઈ છે. લાચુંગમાં રસ્તાઓ ધોવાઈ ગયા છે અને અનેક ઘરોને નુકસાન થયું છે. તિસ્તાને જોડતી સિંગતમ, રંગફો (સિક્કિમ) નદી ખતરાની સપાટી વટાવી ગઈ છે, જેના કારણે લોકો ભયભીત છે. બીજી તરફ સિક્કિમથી આવતું આ પાણી તિસ્તામાં ભળતા પાણીનું સ્તર ઊંચું આવતા સંકટ વધી રહ્યું છે. 

સિક્કિમમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનથી તંત્રના હાલ બેહાલ, 2000 પ્રવાસીને એરલિફ્ટ કરવાની તૈયારી 2 - image


Google NewsGoogle News