પોલ્યુશનને લીધે દિલ્હીમાં ''ઑડ-ઈવન''નું એલાન 10 અને 12માં ધોરણ સિવાય 10 નવે. સુધી વર્ગો બંધ
- પર્યાવરણ-મંત્રી ગોપાલ રાયે યુપી અને કેન્દ્ર સરકારને પણ (NCRમાં) ફટાકડા ફોડવા ઉપર પ્રતિબંધ મૂકવા અનુરોધ કર્યો
દિલ્હી : દિલ્હીમાં ૧૩ થી ૨૦ નવેમ્બર સુધી ''ઑડ-ઈવન'' ફોર્મ્યુલા લાગુ પાડવામાં આવશે. તેમ મુખ્યમંત્રી કેજરીવાલનાં અધ્યક્ષપદે યોજાયેલી કેબિનેટ બેઠકમાં નિર્ણય લેવાયો છે. આ માહિતી આપતા પર્યાવરણ-મંત્રી ગોપાલ રાયે વધુમાં જણાવ્યું હતું કે ૧૦માં અને ૧૨માં ધોરણ સિવાયના તમામ શાળાઓના અન્ય તમામ વર્ગો બંધ રાખવામાં આવશે.
આ ઉપરાંત તેઓએ દિવાળી દરમિયાન ફટાકડા ફોડવા ઉપર પ્રતિબંધ મુકવા યુપી સરકાર અને કેન્દ્ર સરકારને (એન.સી.આર.માં) અનુરોધ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે દિલ્હીમાં તો ફટાકડા ફોડવા ઉપર પ્રતિબંધ છે જ. છતાં ઘણી જગ્યાએ ફટાકડા ફોડવામાં આવે છે. તે ન થાય. તે જોવા માટે પોલીસ ટીમોને સતર્ક કરવામાં આવી છે.
ગોપાલ રાયે વધુમાં જણાવ્યું હતું કે ''એક તરફ દિવાળી આવી રહી છે, બીજી તરફ વર્લ્ડ-કપની મેચ છે. તે પછી છઠ્ઠની પૂજા છે. આમ હું યુપી અને હરિયાણાની બીજેપી સરકારોને અનુરોધ કરું છું કે ત્યાં પણ ફટાકડા ઉપર પ્રતિબંધ મુકવામાં આવે, જેથી પ્રદૂષણની સ્થિતિ વધુ ખતરનાક બનતી અટકે.
૧૩ થી ૨૦ નવેમ્બર સુધી લાગુ પાડવામાં આવનારી 'ઑડ-ઈવન' ફોર્મ્યુલા વિષે તેમણે કહ્યું કે ઑડ-દિવસોમાં તે ગાડીઓને જ ચલાવવાની અનુમતિ આપવામાં આવશે કે જેના નંબરના અંતમાં ૧, ૩, ૫, ૭ અને ૯ હોય. જ્યારે ઈવન-ડે ઉપર તે ગાડીઓને જ ચાલવા દેવાની અનુમતિ મળશે કે જેમના નંબરના અંતે ૦, ૨, ૪, ૬ અને ૮ નંબર હોય.
તેમણે કહ્યું કે ૩૦મી ઓકટોબરથી પ્રદૂષણમાં વૃદ્ધિ જણાઈ હતી. તેથી ઉષ્ણતામાન ઘટે છે. હવાની ગતિ પણ ધીમી પડે છે. દિલ્હીમાં ૩૬૫ દિવસ પ્રદૂષણ ઘટાડવા પ્રયાસો થતા હોય છે. તેમાં બાંધકામ પ્રવૃત્તિ ઉપર પણ રોક મુકવાનો હુકમ પણ સમાવિષ્ટ છે. તેમ પણ ગોપાલ રાયે જણાવ્યું હતું.