Get The App

શાળા-કૉલેજ બંધ, માસ્ક ફરજિયાત: આ ખતરનાક વાયરસના કારણે કેરળમાં અનેક સ્થળોએ કડક આદેશ

Updated: Sep 16th, 2024


Google NewsGoogle News
શાળા-કૉલેજ બંધ, માસ્ક ફરજિયાત: આ ખતરનાક વાયરસના કારણે કેરળમાં અનેક સ્થળોએ કડક આદેશ 1 - image

Nipah virus in Kerala : કેરળના મલપ્પુરમ જિલ્લામાં વધી રહેલા નિપાહ વાયરસના કેસ વધવાના કારણે બીજા વ્યક્તિનું મૃત્યુ થયા બાદ વિશેષ નિયંત્રણો લાદવામાં આવ્યા છે. એક અહેવાલ અનુસાર, તુરુવલ્લી ગ્રામ પંચાયતના વૉર્ડ 4, 5, 6 અને 7 તેમજ મામપત ગ્રામ પંચાયતના વૉર્ડ 7માં શાળાઓ, કૉલેજો, આંગણવાડીઓ અને ટ્યુશન સેન્ટરો આગામી આદેશો સુધી બંધ રાખવામાં આવ્યા છે.

સિનેમાઘરો, થિયેટરો, શાળાઓ, કૉલેજો, આંગણવાડીઓ બંધ રાખવાનો આદેશ

મૃત્યુ પામેલો વ્યક્તિ 24 વર્ષીય મલપ્પુરમનો રહેવાસી હતો. મૃતકના સંપર્કમાં આવેલા 150થી વધુ લોકોને હવે વાયરસના વધુ ફેલાવાને રોકવા માટે નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા છે. જિલ્લામાં વધારાના નિયંત્રણો પણ લાદવામાં આવ્યા છે. આ ઉપરાંત મેડિકલ સ્ટોર્સ સિવાય વેપાર ધંધાને સવારે 10થી સાંજના 7 વાગ્યા સુધી કામ કરવાની છૂટ આપવામાં આવી છે. સિનેમાઘરો, થિયેટરો, શાળાઓ, કૉલેજો, આંગણવાડીઓ, મદરેસા અને ટ્યુશન ક્લાસીસને આગામી આદેશ સુધી બંધ રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે. અને જાહેર સ્થળોએ માસ્ક પહેરવું ફરજિયાત કરવામાં આવ્યું છે.

જ્યારે મલપ્પુરમ જિલ્લામાં શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવામાં આવી છે, ત્યારે કેરળના અન્ય ભાગોમાં શાળાઓ અને કૉલેજોએ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને બિન-શિક્ષણ કર્મચારીઓની સલામતી સુનિશ્ચિત કરવા માટે કેટલીક મહત્ત્વપૂર્ણ માર્ગદર્શિકાઓ બહાર પાડી છે જે નીચે મુજબ છે.....

ફરજિયાત માસ્ક અને સ્વચ્છતાનું પાલન: તમામ વિદ્યાર્થીઓ, સ્ટાફ અને મુલાકાતીઓ કેમ્પસમાં હોય ત્યારે દરેક સમયે માસ્ક પહેરે અને વર્ગખંડો, પ્રવેશદ્વારો અને સામાન્ય વિસ્તારોમાં હેન્ડ સેનિટાઇઝર ઉપલબ્ધ કરાવીને ચેપનું જોખમ ઘટાડવા માટે વારંવાર હાથ ધોવા પ્રોત્સાહિત કરો.

નિયમિત આરોગ્ય તપાસ: પ્રવેશ દ્વાર પર દરરોજ તાપમાન તપાસો અને તાવ, માથાનો દુખાવો અને શ્વસન સમસ્યાઓ જેવા લક્ષણોનું નિરીક્ષણ કરો. લક્ષણો ધરાવતાં વિદ્યાર્થીઓ અથવા સ્ટાફને ઘરે રહેવા અને તાત્કાલિક તબીબી સારવાર લેવાની સલાહ આપવી જોઈએ.

ડીસ-ઇન્ફેકશન અને સફાઈ પ્રોટોકોલ્સ: વારંવાર વધારે સ્પર્શ કરવામાં આવતી સપાટી જેમ કે ડેસ્ક, દરવાજાના હેન્ડલ્સને ડીસ-ઇન્ફેકટ કરો. વર્ગખંડો, કાફેટેરિયા અને લાઇબ્રેરી જેવી જગ્યાઓ સમગ્ર દિવસમાં ઘણી વખત સાફ કરવી જોઈએ.

શારીરિક અંતર અને ઓછી ભીડ કરવી: વર્ગખંડો અને સામાન્ય વિસ્તારમાં શારીરિક અંતર જાળવવા માટે બેઠકને ફરીથી ગોઠવવી જોઈએ. રમતગમતના કાર્યક્રમો અને જૂથમાં કરવામાં આવતી પ્રવૃત્તિઓને ટાળીને મેળાવડાને મર્યાદિત  કરવો જોઈએ.

હાઇબ્રિડ લર્નિંગ અને જાગૃતિ કાર્યક્રમ: કેમ્પસમાં વિદ્યાર્થીઓની હાજરી ઘટાડવા માટે શક્ય હોય ત્યાં હાઇબ્રિડ મોડલ અથવા સંપૂર્ણ ઓનલાઇન ક્લાસમાં શિફ્ટ કરવું જોઈએ. વિદ્યાર્થીઓ અને સ્ટાફને કેમ્પસની આસપાસ જાગૃતિ લાવવા માટે સત્રો અને પોસ્ટરો દ્વારા નિપાહ વાયરસ તેના પ્રસારણ, લક્ષણો અને નિવારણ માટેના પગલાં વિશે શિક્ષિત કરવા જોઈએ.

કેરળમાં પાંચ વખત નિપાહ વાયરસ ફાટી નીકળ્યો

વર્ષ 2018થી અત્યાર સુધીમાં કેરળમાં પાંચ વખત નિપાહ વાયરસ ફાટી નીકળ્યો હતો. જેમાં અત્યાર સુધીમાં માત્ર 6 ચેપગ્રસ્ત દર્દીઓ જ બચી શક્યા છે: 2018માં કોઝિકોડમાં એક, 2019માં કોચીમાં એક અને 2023માં કોઝિકોડમાં ચાર. 2018માં 18માંથી 17 ચેપગ્રસ્ત લોકો મૃત્યુ પામ્યા હતા. 2021માં એક અને 2023માં બે મૃત્યુ થયા હતા. હવે 2024માં વધુ બે મૃત્યુ નોંધાયા છે. કેરળમાં નિપાહ વાયરસ સંબંધિત મૃત્યુની કુલ સંખ્યા 2018થી વધીને 22 થઈ ગઈ છે.


Google NewsGoogle News