Get The App

નાયડુના એક ફોન કોલે ભાજપની બાજી બગાડી, પહેલીવાર મોદી સરકાર વિપક્ષ સામે ઘૂંટણિયે!

Updated: Aug 11th, 2024


Google NewsGoogle News
નાયડુના એક ફોન કોલે ભાજપની બાજી બગાડી, પહેલીવાર મોદી સરકાર વિપક્ષ સામે ઘૂંટણિયે! 1 - image


Chandrababu Naidu: કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે મોટા ઉપાડે વકફ એક્ટમાં સુધારો કરવા માટેનો કાયદો બનાવવાની જાહેરાત કરેલી પણ લોકસભામાં આ અંગેનો ખરડો રજૂ કરાયાની મિનિટોમાં જ મોદી સરકારે વિપક્ષો સામે ઘૂંટણ ટેકવી દીધા. મોદી સરકાર આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુના એક ફોન કોલના કારણે ઝૂકી ગઈ હોવાનું કહેવાય છે.

ચંદ્રાબાબુ નાયડુના એક ફોન કોલે ભાજપની બાજી ઉંધી વાળી દીધી!

ખરડો સંયુક્ત સંસદીય સમિતિને મોકલવાની વિપક્ષોની માગણી મોદી સરકારે સ્વીકારવી પડી અને તાત્કાલિક ખરડો સંયુક્ત સંસદીય સમિતીને સોંપી દેવાયો. મોદી સરકારના 10 વર્ષના શાસનકાળમાં કોઈ ખરડો સંયુક્ત સંસદીય તપાસ સમિતીને સોંપાયો હોય એવું પહેલી વાર બન્યું છે. મોદી સરકાર વકફ એક્ટમાં સુધારો કરીને પોતાની હિન્દુવાદી ઈમેજને ફરી મજબૂત કરવા માગતી હતી પણ આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુના એક ફોન કોલે ભાજપની બાજી ઉંધી વાળી દીધી હોવાનું કહેવાય છે. 

તો ટીડીપી તેને ટેકો નહીં આપે

ભાજપે લોકસભામાં ખરડો રજૂ કરવાની બધી તૈયારી કરી લીધી હતી પણ ગુરૂવારે (08 ઓગસ્ટ) સવારે જ ફોન કરીને નાયડુએ ભાજપનો ખેલ બગાડી દીધો. કહેવાય છે કે, ચંદ્રાબાબુએ ભાજપને ચીમકી આપી હતી કે, વકફ ભાજપ એક્ટમાં પોતે સુધારો કરવા ધારે છે એવા સુધારા સાથેનો ખરડો લોકસભામાં રજૂ કરશે તો ટીડીપી તેને ટેકો નહીં આપે. તેના બદલે તમામ પક્ષોના સાંસદોની બનેલી સંયુક્ત સંસદીય સમિતી રચાય. આ સમિતી જે સુધારા સૂચવે એ પ્રમાણે નવો ખરડો બનાવીને રજૂ કરાશે તો જ ટેકો આપશે. 

આ પણ વાંચો : ગુજરાત-યુપીને કેન્દ્રના રમત-ગમતના બજેટની 40% ફાળવણી છતાં મેડલના નામે 'મીંડુ', વકર્યો વિવાદ

ભાજપ પાસે વિકલ્પ જ નહોતો રહ્યો

ચંદ્રાબાબુની ચીમકીના કારણે હાંફળાફાંફળા થયેલા ભાજપના નેતાઓએ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને ફોન કરતાં નીતિશે પણ ચંદ્રાબાબુના વલણને ટેકો આપતાં ભાજપ પાસે વિકલ્પ જ નહોતો રહ્યો. ભાજપ સરકાર પહેલાં જ ખરડો રજૂ વાર્થી કરવાની જાહેરાત કરી ચૂકી હોવાથી પીછેહઠ કરે તો નાક વઢાય તેથી ખરડો રજૂ કરવો પડયો. આ ખરડો સંયુક્ત સંસદીય સમિતિ (JPC)ને સોંપવાની માગણી પણ સ્વીકારવી પડી. સંસદીય બાબતો અને લઘુમતી બાબતોના પ્રધાન કિરેન રિજિજુએ બિલને જેપીસીને મોકલવા માટે લોકસભામાં પ્રસ્તાવ મૂક્યો હતો.

આ પણ વાંચો : હું ભાજપમુક્ત 'રામ' ઈચ્છું છું, ફક્ત 3 મહિના રાહ જુઓ..', પૂર્વ CM અને કદાવર નેતાનું મોટું નિવેદન

જેપીસીમાં લોકસભાના 21 સભ્યોમાં ભાજપના માત્ર 7

સામાન્ય રીતે જેપીસીમાં કેન્દ્રના સત્તધારી પાર્ટીના સાંસદો બહુમતીમાં હોય છે પણ ભાજપની હાલત એટલી કફોડી છે કે, લોકસભાના 21 સભ્યોમાં ભાજપના માત્ર 7 જ સાંસદ છે. જેપીસીમાં ભાજપના જગદંબિકા પાલ, નિશિકાંત દુબે તેજસ્વી સૂર્યા, અપરાજિતા સારંગી, સંજય જયસ્વાલ, દિલીપ સૈકિયા અને અભિજીત ગંગોપાધ્યાયનો સમાવેશ કરાયો છે. કોંગ્રેસના ગૌરવ ગોગોઈ, ઈમરાન મસૂદ (કોંગ્રેસ અને મોહમ્મદ જાવેદ એમ ત્રણ સભ્યો છે).

આ સિવાય શ્રીમતી ડી.કે. અરુણા (YSRCP), મૌલાના મોહિબુલ્લાહ (સપા), કલ્યાણ બેનરજી (TMC), 14. એ રાજા (DMK), એલએસ દેવરાયુલુ (TDP), દિનેશ્વર કામાયત (JDU), અરવિંત સાવંત (શિવસેના, ઉદ્ધવ જૂથ), સુરેશ ગોપીનાથ (NCP, શરદ પવાર), નરેશ ગણપત માસ્ક (શિવસેના, શિંદે જૂથ), અરુણ ભારતી (LJP-R) અને અસદુદ્દીન ઓવૈસી (AIMIM) પણ જેપીસીમાં છે.

નાયડુના એક ફોન કોલે ભાજપની બાજી બગાડી, પહેલીવાર મોદી સરકાર વિપક્ષ સામે ઘૂંટણિયે! 2 - image


Google NewsGoogle News