જયપુર-બેંગલુરુ IndiGo ફ્લાઈટમાં નશામાં ધૂત યાત્રીએ ક્રૂ મેમ્બર સાથે કર્યો દુર્વ્યવહાર

Updated: Nov 20th, 2023


Google NewsGoogle News
જયપુર-બેંગલુરુ IndiGo ફ્લાઈટમાં નશામાં ધૂત યાત્રીએ ક્રૂ મેમ્બર સાથે કર્યો દુર્વ્યવહાર 1 - image


Image Source: Twitter

- રણધીર સિંહ પર IPCની કલમ 354એ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો

નવી દિલ્હી, તા. 20 નવેમ્બર 2023, સોમવાર

જયપુરથી બેંગલુરુ જઈ રહેલી ઈન્ડિગો ફ્લાઈટમાં નશામાં ધૂત એક યાત્રીએ ખૂબ હંગામો કર્યો હતો. આ નશામાં ધૂત યાત્રીએ અનેક ચેતવણીઓ આપવા છતાં ક્રૂ મેમ્બર સાથે દુર્વ્યવહાર કર્યો હતો. ત્યારબાદ બેંગલુરુ એરપોર્ટ પર ફ્લાઈટ લેન્ડ થયા બાદ સુરક્ષા એજન્સીઓએ તેને કસ્ટડીમાં લઈ લીધો છે. ઈન્ડિગો એરલાઈન્સે એક પ્રેસ નિવેદનમાં જણાવ્યું કે, ફ્લાઈટ લેન્ડ થયા બાદ યાત્રીને આગળની કાર્યવાહી માટે એરપોર્ટ પર સ્થાનિક પોલીસ અધિકારીઓને સોંપી દેવામાં આવ્યો હતો. એરલાઈન્સના નિવેદનમાં જણાવ્યું કે, અન્ય યાત્રીઓને થયેલી અસુવિધા બદલ અમને ખેદ છે.

આ મામલે આરોપી 33 વર્ષીય રણધીર સિંહની ત્યારે અટકાયત કરવામાં આવી હતી જ્યારે તેને વારંવાર ચેતવણી આપ્યા છતાં પણ તેણે એર હોસ્ટેસનો હાથ પકડ્યો હતો. પ્રાપ્ત માહિતી પ્રમાણે રાજસ્થાનના સીકરના રહેવાસી રણધીર સિંહ ઈન્ડિગોની ફ્લાઈટ 6E556ની સીટ 27(D) પર બેઠો હતો અને નશામાં હતો. સિંહના સાથી મુસાફરોએ તેનું અયોગ્ય વર્તન જોયું અને તરત જ ફ્લાઈટના ક્રૂને ચેતવી દીધા હતા. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં લેતા ફ્લાઈટના કેપ્ટને સિંહને 'અનુશાસનહીન યાત્રી' ઠેરવી દીધો હતો. 

કથિત રીતે કેબિન ક્રૂ એ બેંગલુરુ એરપોર્ટ પર ઉતર્યા બાદ તરત જ આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. એરલાઈનના અધિકારી વરુણ કુમારે ઘટનાની સૂચના એરપોર્ટ પોલીસને આપી દીધી હતી. ત્યારબાદ 33 વર્ષીય વ્યક્તિને કસ્ટડીમાં લઈ લેવામાં આવ્યો હતો. રણધીર સિંહ પર IPCની કલમ 354એ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે અને આગળની તપાસ ચાલી રહી છે.


Google NewsGoogle News