ત્રણ દેશો ફરી રૂ. 1,200 કરોડનું ડ્રગ્સ ભારત પહોંચ્યું, દિલ્હી પોલીસે જપ્ત કર્યું
- પંજાબ પોલીસે બે મહિનામાં 4,000 ડ્રગ દાણચોરોને પકડયા
- દિલ્હીમાં 312.5 કિલો મેથાફેટામાઈન, 10 કિલો હેરોઈન સાથે બે અફઘાન નાગરિકોની ધરપકડ કરાઈ
નવી દિલ્હી/ચંડીગઢ : દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે આંતરરાષ્ટ્રીય ડ્રગ રેકેટનો પર્દાફાશ કરતાં દિલ્હીના કાલિન્દી કુંજ વિસ્તારમાંથી રૂ. ૧,૨૦૦ કરોડના મૂલ્યના ડ્રગ્સ સાથે અફઘાનિસ્તાનના બે નાગરિકોની ધરપકડ કરી હતી. અફઘાનિસ્તાનથી આ ડ્રગ્સ ઈરાન, બાંગ્લાદેશ થઈ ભારત પહોંચ્યું હતું તેમ દિલ્હી પોલીસે કહ્યું હતું. દરમિયાન પંજાબ પોલીસે મંગળવારે કહ્યું કે તેણે રાજ્યમાં ડ્રગ વિરોધી અભિયાન હેઠળ બે મહિનામાં ૪,૨૨૩થી વધુ ડ્રગ દાણચોરોની ધરપકડ કરી હતી અને ૨.૭૩ કરોડના મૂલ્યનું ૧૭૫ કિલો હેરોઈન જપ્ત કર્યું હતું.
દિલ્હી પોલીસે જણાવ્યું હતું કે, તેમને એક કારમાં દિલ્હી આવતા બે અફઘાન નાગરિકો પાસે ડ્રગ્સ હોવાની બાતમી મળી હતી. પોલીસે કાલિન્દી કુંજ મેટ્રો સ્ટેશન નજીક આ કારને આંતરીને બંને અફઘાન નાગરિકો મુસ્તફા અને રહીમ ઉલ્લાહની ધરપકડ કરી હતી. તેમની પાસેથી ૩૧૨.૫ કિલો મેથાફેટામાઈન અને ૧૦ કિલો હેરોઈન જપ્ત કરાયું હતું. આંતરરાષ્ટ્રીય બજારમાં આ ડ્રગ્સની કિંમત રૂ. ૧,૨૦૦ કરોડ છે. સ્પેશિયલ સીપી એચજીએસ ધાલીવાલે કહ્યું કે બંને અફઘાની નાગરિકો મૂળ કંદહારના નિવાસી છે અને ભારતમાં શરણાર્થી તરીકે રહે છે અને તેઓ તેમના વીસા બે વખત લંબાવી ચૂક્યા હતા. ધરપકડ પછી પૂછપરછમાં તેમણે ઉત્તર પ્રદેશના નોઈડામાં એક કારમાં ડ્રગ્સ હોવાનું કહ્યું હતું. પોલીસે આ પીક-અપ વેનમાંથી ૧.૦૯ કિલો મેથાફેટામાઈન અને ૫.૩૧ કિલો હેરોઈન જપ્ત કર્યું હતું.
અફઘાનિસ્તાનમાંથી પ્રોસેસિંગ લેબમાંથી આ ડ્રગ્સ સમુદ્ર માર્ગે ઈરાન અને ત્યાંથી અરબ સાગરમાં થઈ બાંગ્લાદેશના માર્ગે ચેન્નઈના બંદરે લાવવામાં આવ્યું હતું. અફઘાનિસ્તાન મેથાફેટામાઈન નામના ડ્રગ્સનું નવું બેઝ બની ગયું છે. આ ડ્રગ્સ ચેન્નઈથી લખનઉ થઈ દિલ્હી લાવ્યા પછી હરિયાણા, પંજાબ, હિમાચલ પ્રદેશ અને રાજસ્થાનમાં સપ્લાય કરવાનું હતું. આ ડ્રગ્સ ઘન અને પ્રવાહી સ્વરૂપે ભારત લવાય છે અને અહીં મધ્ય પ્રદેશ, પંજાબ, દિલ્હી અને હરિયાણાની વિવિધ કામચલાઉ ફેક્ટરીઓમાં તેને શુદ્ધ કરાય છે. પ્રાથમિક અહેવાલ મુજબ ડ્રગ્સની આ સિંડીકેટે એક આતંકી નેટવર્ક પણ સ્થાપ્યું છે.
દરમિયાન પંજાબ પોલીસે મંગળવારે જણાવ્યું હતું કે, રાજ્યમાં ડ્રગ્સ વિરોધી અભિયાનના ભાગરૂપે છેલ્લા બે મહિનામાં ૪,૨૨૩થી વધુ ડ્રગ્સ દાણચોરોની ધરપકડ કરાઈ છે અને તેમની પાસેથી રૂ. ૨.૭૩ કરોડના મૂલ્યનું ૧૭૫ કિલો હેરોઈન પણ જપ્ત કરાયું હતું. આઈજીપી સુખચૈન સિંહ ગિલે કહ્યું કે, પોલીસે કુલ ૩,૨૩૬ એફઆઈઆર નોંધી છે. પંજાબ પોલીસની ટીમોએ ગુજરાત અને મહારાષ્ટ્રના દરિયાકાંઠેથી આવેલું ૧૪૭.૫ કિલો હેરોઈન જપ્ત કર્યું હતું. પોલીસે દાણચોરો પાસેથી રૂ. ૨.૭૩ કરોડ જપ્ત કર્યા હતા.