એનસીઆરમાં ડ્રગ્સ લેબનો પર્દાફાશ : તિહાર જેલના વાર્ડન સહિત પાંચની ધરપકડ
- 95 કિલોગ્રામ મેથમ્ફેટામાઇન જપ્ત
- દિલ્હીના એક ઉદ્યોગપતિ અને તિહાર જેલના વાર્ડને ગેરકાયદે એકમની રચનામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી
- ડ્રગ્સ ગુણવત્તાની તપાસની જવાબદારી દિલ્હીમાં રહેતા મેક્સિકોના એક ડ્રગ્સ જૂથના સભ્યને સોંપાઇ હતી
- મેથમ્ફેટામાઇનના ઉત્પાદન માટેમુંબઇના કેમિસ્ટની નિમણૂક કરાઇ હતી
નવી દિલ્હી : નોઇડામાં મેક્સિકોના એક માદક પદાર્થ જૂથથી સંકળાયેલ એક મેથમ્ફેટામાઇન લેબનો પર્દાફાશ કરી તિહાર જેલના વાર્ડન અને દિલ્હીના બે વેપારીઓ સહિત પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે તેમ એનસીબીએ આજે એક નિવેદનમાં જણાવ્યું છે.
એનસીબીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે ઉત્તર પ્રદેશના ગૌતમબુદ્ધ નગર જિલ્લાના કાસના ઔદ્યોગિક વિસ્તારમાં ૨૫ ઓક્ટોબરે એક માદક પદાર્થ લેબનો પર્દાફાશ કરી ત્યાંથી તરલ અને ઘન સ્વરૂપમાં લગભગ ૯૫ કિલોગ્રામ મેથમ્ફેટામાઇન જપ્ત કરવામાં આવ્યું હતું.
નિવેદન અનુસાર ડ્રગ નેટવર્ક રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રના અનેક વિસ્તારોમાં ફેલાયેલુ હોવાથી એનસીબીએ દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલને પણ દરોડામાં સામેલ કર્યુ હતું.
એનસીબીના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ (ઓપરેશન) જ્ઞાાનેશ્વર સિંહે જણાવ્યું છે કે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે દરોડા દરમિયાન લેબમાં હાજર દિલ્હીના એક ઉદ્યોગપતિ અને તિહાર જેલના વાર્ડને ગેરકાયદે એકમની રચના, વિભિન્ન સ્ત્રોતોથી ડ્રગ્સના ઉત્પાદન માટે જરૂરી રસાયણોની ખરીદી અને મશીનોની આયાતમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
સિંહના જણાવ્યા અનુસાર મેથમ્ફેટામાઇનના ઉત્પાદન માટે આ લોકોએ મુંબઇના એક કેમિસ્ટની નિમણૂક કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ડ્રગ્સ ગુણવત્તાની તપાસની જવાબદારી મેક્સિકોના એક ડ્રગ્સ જૂથના સભ્યને સોંપવામાં આવી હતી. જે દિલ્હીમાં રહેતો હતો.
સિંહના જણાવ્યા અનુસાર આ ચારેય લોકોને ૨૭ ઓક્ટોબરે દિલ્હીની વિશેષ નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (એનડીપીએસ) એક્ટ કોટની સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતાં. ત્યારબાદ તેમને ત્રણ દિવસની કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે.