દવા કંપનીઓ ડોક્ટરોને કોઇ પણ લાંચ કે ભેટ નહીં આપી શકે
- ડોક્ટરોના પ્રવાસ-વેકેશનનો ખર્ચો દવા કંપનીઓ નહીં કરે
- કેન્દ્રએ નવી સંહિતા બહાર પાડી, જોકે તેના ભંગ બદલ શું કાર્યવાહી કરવામાં આવશે તે અંગે કોઇ સ્પષ્ટતા નહીં
નવી દિલ્હી : દવા કંપનીઓ હવે ડોક્ટરોને કોઇ પણ પ્રકારની ભેટ કે મફતમાં કોઇ સેંપલ નહીં આપી શકે. કેન્દ્ર સરકારે આ માટે નવી સંહિતા લાગુ કરી દીધી છે. જેનું દવા કંપનીઓએ અને ડોક્ટરો બન્નેએ પાલન કરવાનું રહેશે. યુનિફોર્મ કોડ ઓફ ફાર્માસિયુટિકલ માર્કેટિંગ પ્રેક્ટિસ તરીકે આ સંહિતાને ઓળખવામાં આવે છે. સરકારના ફાર્માસિયુટિકલ વિભાગ દ્વારા આ મુદ્દે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે.
ફાર્મા વિભાગ કેન્દ્રના કેમિકલ્સ અને ફર્ટિલાઇઝર મંત્રાલય હેઠળ આવે છે. જેણે આ નોટિફિકેશન બહાર પાડયું છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે ફાર્મા કંપનીઓએ ડોક્ટરોને કોઇ પણ પ્રકારની લાંચ ના આપવી, કોઇ દવાના પ્રમોશન કે માર્કેટિંગ માટે પણ ડોક્ટરોનો ઉપયોગ નહીં કરી શકાય. આવા પ્રમોશન માટે કોઇ ડોક્ટરોના ટ્રાવેલિંગનો ખર્ચો પણ કંપનીઓ નહીં આપી શકે. જોકે આ નોટિફિકેશનનો ભંગ કરનારા સામે કોઇ કાર્યવાહીની માહિતી આપવામાં નથી આવી. તેથી તેનો અમલ કેવી રીતે કરાવવામાં આવશે તે અંગે કોઇ સ્પષ્ટતા નથી કરાઇ. ઘણા સમયથી સ્વાસ્થ્ય એક્ટિવિસ્ટ્સ દ્વારા એવી માગણી કરવામાં આવી રહી છે કે આ નિયમને ફરજિયાત કરવામાં આવે.
અગાઉ સરકાર દ્વારા આવુ નોટિફિકેશન બહાર પડાયું ત્યારે તેમાં આ નિયમોનો અમલ ફરજિયાત નહીં પણ મરજિયાત એટલે કે સ્વેચ્છાએ કરવાનો રહેશે તેવું દર્શાવવામાં આવ્યું હતું, હવે નવા નોટિફિકેશનમાંથી આ શબ્દોને હટાવવામાં આવ્યા છે. સરકારની નવી ગાઇડલાઇનમાં જણાવવામાં આવ્યું છે કે કોઇ પણ ફાર્મા કંપની કે તેના એજન્ટ (વિતરક, હોલસેલ વિક્રેતા, છુટક વિક્રેતા) દ્વારા કોઇ પણ ડોક્ટરને કે તેના પરિવારને કોઇ પણ પ્રકારની ભેટ કે અંગત લાભ નહીં આપી શકે. તેવી જ રીતે કોઇ પણ ડોક્ટરને કે તેમના પરિવારને કોઇ પણ ફાર્મા કંપની કોઇ સમ્મેલન, વર્કશોપ વગેરેમાં ભાગ લેવા માટે વિદેશ મોકલવાનો ખર્ચો નહીં ઉઠાવી શકે. જેમાં રેલ, હવાઇ, જળ માર્ગ કે ક્રૂઝના ટિકિટ કે પેઇડ વેકેશન સામેલ છે. દવાઓનું પ્રમોશન મંજૂરી અને શરતોના આધારે થવું જોઇએ.