મણિપુરમાં ડ્રોન વડે બોમ્બમારો....? લેટેસ્ટ હિંસામાં ચોંકાવનારા ટ્રેન્ડથી સરકાર-પોલીસ ટેન્શનમાં
Image: Facebook
Violence Again in Manipur: મણિપુર ફરી હિંસા અને ગોળીબારીથી હચમચી ગયુ છે. આ વખતે કુકી ઉગ્રવાદીઓએ ગામ પર ડ્રોનથી બોમ્બ વરસાવ્યા છે. તાજેતરની હિંસામાં આ સૌથી ચોંકાવનારો ટ્રેન્ડ માનવામાં આવી રહ્યો છે. ઉગ્રવાદીઓએ પહાડના શિખરથી નીચેના વિસ્તાર કોત્રુક અને કડાંગબાંડ ખીણને નિશાન બનાવી અને પહેલા અંધાધૂંધ ગોળીબારી કરી, તે બાદ ડ્રોનથી બોમ્બ વરસાવ્યા. અચાનક થયેલા હુમલાથી ગામમાં ભય ફેલાઈ ગયો અને લોકો પોતાનો જીવ બચાવવા માટે સુરક્ષિત સ્થળ શોધવા લાગ્યા. હુમલામાં બે લોકોના મોત નીપજ્યા. બે સુરક્ષા કર્મચારીઓ સહિત 9 અન્ય ઈજાગ્રસ્ત થઈ ગયા.
કોત્રુક ગામના પંચાયત અધ્યક્ષના જણાવ્યા અનુસાર સશસ્ત્ર આતંકવાદીઓએ રવિવારે બપોરે લગભગ 2 વાગે ફાયરિંગ શરૂ કર્યું. તે સમયે ગામના વોલેન્ટિયર સંવેદનશીલ વિસ્તારમાં નહોતા. ઉગ્રવાદીઓએ ભારે ફાયરિંગથી ઘણા ઘરોને પણ નુકસાન પહોંચાડ્યુ. જ્યારે ફાયરિંગ અને બોમ્બ ધડાકા શરૂ થયા તો ગ્રામજનો પોતાના ઘરમાં હતા. સ્થાનિક રહેવાસી લીશાંગથમ રોનીએ કહ્યુ, આ હુમલો ગામના વોલેન્ટિયર્સને વિસ્તારમાંથી પાછા બોલાવ્યાના 10 દિવસ બાદ થયો. રાજ્ય સુરક્ષાદળોની સલાહ બાદ અમે પોતાના ગામના વોલેન્ટિયર્સને હટાવી દીધા હતા. અમારામાંથી એક મહિલાની ગોળી મારીને હત્યા કરી દેવાઈ અને તેની પુત્રી ઈજાગ્રસ્ત થઈ ગઈ.
ઘટનાથી ગ્રામજનોમાં રોષ!
કોત્રુક ગામના લોકોએ ઘટનાને લઈને નિરાશા વ્યક્ત કરી છે. તેમનું કહેવું છે કે રાજ્ય સરકાર દ્વારા ફરીથી શાંતિ સ્થાપિત કરવાને લઈને ઘણી વખત આશ્વાસન આપવામાં આવ્યુ તેમ છતાં અમે લોકો સુરક્ષિત નથી. સ્થાનિક મહિલા મોનિટરિંગ જૂથના સભ્ય નિંગથૌજમ ટોમાલેઈએ કહ્યુ, રાજ્ય સરકાર વારંવાર દાવો કરે છે કે શાંતિ પુનઃસ્થાપિત કરવામાં આવી છે, પરંતુ અમે હજુ પણ હુમલાના ડરમાં જીવી રહ્યાં છીએ. આપણે ખરેખર ક્યારે સુરક્ષિત રહીશું?
ઈમ્ફાલ પશ્ચિમ જિલ્લામાં કર્ફ્યુ
મણિપુર ગૃહ વિભાગે તેને આતંકનું જઘન્ય કૃત્ય ગણાવ્યુ છે જે રાજ્યની શાંતિ માટે જોખમ છે. આ દરમિયાન સ્થાનિક તંત્રએ ઈમ્ફાલ પશ્ચિમ જિલ્લામાં કર્ફ્યુ લગાવી દીધું છે. મણિપુર સરકારે હુમલાની નિંદા કરી અને જવાબદાર લોકો વિરુદ્ધ આકરી કાર્યવાહીનું આશ્વાસન આપ્યુ છે.
ડ્રોન, બોમ્બ અને અત્યાધુનિક હથિયારો વડે હુમલો કર્યો
મણિપુર ગૃહ મંત્રાલય તરફથી જારી નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે રાજ્ય સરકારને જાણકારી મળી છે કે કથિતરીતે કુકી ઉગ્રવાદીઓએ ઘટનાને અંજામ આપ્યો છે. નિઃશસ્ત્ર કૌત્રુક વિસ્તારના ગ્રામજનો પર ડ્રોન, બોમ્બ અને ઘણા અત્યાધુનિક હથિયારોથી હુમલો કરવામાં આવ્યો છે. જેમાં એક મહિલા સહિત બે લોકોના મોત નીપજ્યા અને ઘણા અન્ય ઈજાગ્રસ્ત થઈ ગયા. નિ:શસ્ત્ર ગ્રામજનોને આતંકિત કરવાની આવી હરકતને રાજ્ય સરકારે ખૂબ ગંભીરતાથી લીધી છે. સરકાર રાજ્યમાં સામાન્ય સ્થિતિ અને શાંતિ લાવવા માટે દરેક સંભવ પ્રયત્ન કરી રહી છે. એન બીરેન સિંહ સરકારે આગળ કહ્યું, સ્થિતિને નિયંત્રિત કરવા અને ઈમ્ફાલ પશ્ચિમના કોટરુક ગામ પર હુમલામાં સામેલ લોકોને દંડિત કરવા માટે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી દેવાઈ છે.
કુકી ઉગ્રવાદીઓએ હાઈ ટેક ડ્રોનથી હુમલો કર્યો
આ હુમલાને લઈને મણિપુર પોલીસે જે જાણકારી આપી, તે ખૂબ ચોંકાવનારી છે. પોલીસે દાવો કર્યો છે કે કુકી ઉગ્રવાદીઓએ હાઈટેક ડ્રોનનો ઉપયોગ કર્યો. આવા ડ્રોન માત્ર યુદ્ધોમાં ઉપયોગ કરવામાં આવે છે. હુમલાખોર સામાન્ય કહી શકાય તેવા નથી. આ ડ્રોનથી હુમલો કરવા માટે હાઈ ટ્રેઈન્ડ અને તકનીકી નિષ્ણાત હોવું જરૂરી છે એટલે કે સમગ્ર ઘટનાક્રમમાં મોટા ષડયંત્રનો ઈનકાર કરી શકાય તેમ નથી.
પોલીસે જણાવ્યું કે કેટલો ઘાતક હતો હુમલો?
મણિપુર પોલીસે એક્સ પર પોસ્ટ કરી અને લખ્યુ, ઈમ્ફાલ પશ્ચિમના કોત્રુક વિસ્તારમાં હુમલો થયો છે. કથિત કુકી આતંકવાદીઓએ હાઈટેક ડ્રોનના ઉપયોગથી ઘણા RPG (રોકેટ પ્રોપેલ્ડ ગ્રેનેડ) લગાવ્યા હતાં. જ્યારે આ ડ્રોન બોમ્બનો ઉપયોગ સામાન્યરીતે યુદ્ધોમાં કરવામાં આવતો રહ્યો છે. સુરક્ષાદળો અને નાગરિકો વિરુદ્ધ વિસ્ફોટક લગાવવા માટે ડ્રોનનો ઉપયોગ મહત્વપૂર્ણ વૃદ્ધિનો સંકેત આપી રહ્યો છે. આ ઘટનામાં તકનીકી નિષ્ણાત અને હાઈ ટ્રેઈન્ડ પ્રોફેશનલની સંડોવણીથી ઈનકાર કરી શકાય નહીં. અધિકારી સ્થિતિની ઝીણવટપૂર્વક નજર રાખી રહ્યાં છે. પોલીસ કોઈ પણ આકસ્મિક સ્થિતિથી છુટકારો મેળવવા માટે તૈયાર છે. પોલીસે સામાન્ય જનતાથી સંયમ જાળવી રાખવાની અપીલ કરી છે.
હુમલામાં જે લોકોના મોત નીપજ્યા છે, તેમાં સ્થાનિક નાગરિક નગાંગબામ સુરબાલા (31 વર્ષ)નું ગોળી વાગવાથી મોત નીપજ્યુ. જ્યારે તેની 8 વર્ષની પુત્રીના હાથમાં ઈજા પહોંચી છે. એક મહિલાની ઓળખ કરવાની બાકી છે. ઘટનામાં 2 પોલીસ કર્મચારીઓને પણ ઈજા પહોંચી છે. કુલ 9 લોકો ઈજાગ્રસ્ત થયા છે. પોલીસે જણાવ્યુ કે જે 9 લોકો ઈજાગ્રસ્ત થયા છે. તેમાંથી 5 ને ગોળી વાગી છે. અન્યોને બોમ્બ બ્લાસ્ટમાં ઈજા પહોંચી છે.
મણિપુરના ડીજીપીએ સત્તાવાર આદેશમાં કહ્યું છે, કોઈ પણ અપ્રિય ઘટનાને રોકવા માટે સુરક્ષાદળોની વચ્ચે યોગ્ય સમન્વય કરવામાં આવે અને સંયુક્ત તપાસ અભિયાન ચલાવવામાં આવે. ડીજીપીએ તમામ એસપીને તમામ સરહદી વિસ્તારોમાં એલર્ટ પર રહેવાનો આદેશ આપ્યો છે.
મણિપુરમાં 3 મે, 2023એ પહેલી વખત હિંસા થઈ હતી. ત્યાં કુકી અને મૈતેઈ સમુદાયની વચ્ચે અનામતને લઈને વિવાદ ચાલી રહ્યો છે. હિંસામાં અત્યાર સુધી 226 લોકોના મોત થઈ ચૂક્યા છે. 1100થી વધુ લોકો ઈજાગ્રસ્ત થઈ ગયા છે. 65 હજારથી વધુ લોકો પોતાનું ઘર છોડી ચૂક્યા છે. મણિપુરમાં મૈતેઈ વસતી લગભગ 53 ટકા છે, જે મુખ્યરીતે ઈમ્ફાલ ખીણમાં રહે છે જ્યારે નાગા અને કુકી સહિત આદિવાસી સમુદાય લગભગ 40 ટકા છે અને મુખ્યરીતે પહાડી જિલ્લામાં નિવાસ કરે છે.