દુર્ઘટના નહીં બદલો..! પૂણેમાં બસમાં આગની ઘટનામાં 4ના મોત મામલે મોટો ખુલાસો, ડ્રાઈવરે કર્યો કાંડ
Pune Bus Fire News : મહારાષ્ટ્રના પૂણે નજીક એક ખાનગી કંપનીની બસમાં આગ લાગતા ચાર કર્મચારીઓ જીવતા ભૂંજાઈ ગયા હતા. આ મામલે જ્યારે પોલીસે તપાસ કરી તો એક ચોંકાવનારો ખુલાસો થયો છે જેમાં જાણવા મળ્યું છે કે આગ કોઈ દુર્ઘટનાને કારણે નહીં પણ ડ્રાઈવરે જાણીજોઈને જ લગાવી હતી.
કેમ ડ્રાઈવરે આ કાંડ કર્યો?
ડેપ્યુટી પોલીસ કમિશનર વિશાલ ગાયકવાડે કહ્યું કે ડ્રાઈવરનો અમુક કર્મચારીઓ સાથે દરરોજ ઝઘડો થતો હતો અને મસ્તી મસ્તીમાં ગાળા-ગાળી પણ થઈ જતી હતી. જેનાથી ડ્રાઈવર કંટાળ્યો હતો. જ્યારે અમુક અહેવાલો અનુસાર ડ્રાઈવરના પગારમાં ઘટાડો કરાતા અને દિવાળીએ બોનસ પણ ન ચૂકવાતા તે પહેલાથી ગુસ્સામાં હતો જેના પગલે તેને બદલો લેવાના ચક્કરમાં આ અગ્નિકાંડ કરી નાખ્યો.
શું હતી ઘટના?
ડીસીપીએ કહ્યું કે ડ્રાઈવરનો જે કર્મચારીઓ સાથે ઝઘડો ચાલી રહ્યો હતો એ તો મૃતકોમાં સામેલ પણ નથી એટલે કે નિર્દોષ લોકો આ અગ્નિકાંડના ભોગ બની ગયા. ઉલ્લેખનીય છે કે આ ઘટના પૂણેના હિંજવડી વિસ્તારમાં બુધવારે સવારે બની હતી. વ્યોમા ગ્રાફિક્સ કંપનીની બસ 14 કર્મચારીઓને લઈને કંપની જઇ રહી હતી ત્યારે બસમાં આગ લાગી જતાં ચાર લોકો જીવતા ભૂંજાઈ ગયા હતા.
ડીસીપીએ આપી માહિતી
ડીસીપીએ આ મામલે ખુલાસો કરતાં કહ્યું કે આરોપી ડ્રાઈવરે બેન્જિન નામનું કેમિકલ ખરીદી રાખ્યું હતું. આ સાથે બસમાં ટોનર લૂંછવા માટે વપરાતું કપડું રાખ્યું હતું. ગુરુવારે જેવી જ બસ હિંજવડી પહોંચી તો તેણે માચિસની મદદથી કપડામાં આગ લગાવી દીધી હતી. જેનાથી આખી બસ આગમાં લપેટાઈ ગઈ. આરોપી ડ્રાઈવર ઘટનાને અંજામ આપી ચાલતી બસમાંથી કૂદી ગયો હતો. અહેવાલ મુજબ ડ્રાઈવરે ગાડીને સેન્ટર લૉક મારી દીધાને કારણે મૃતકો પાછળનો દરવાજો ખોલી ના શક્યા તેવો પણ દાવો કરાયો છે.