નિરખને તું ગગન માં ...એક સાથે પાંચ ગ્રહો જોવાનો લ્હાવો, આકાર લઇ રહેલી અદભૂત ખગોળીય ઘટના
સૂર્યાસ્ત પછી પશ્ચિમ દિશામાં ક્ષિતિજ તરફ નિહાળી શકાય છે
પાંચ ગ્રહોની આ પરેડ નો નજારો ૨૫ થી ૩૦ માર્ચ સુધી રહેશે
ન્યૂયોર્ક,૨૭ માર્ચ,૨૦૨૩,સોમવાર
ખગોળ વિજ્ઞાાનમાં પાંચ ગ્રહો એક સાથે દેખાય તેવી અદભૂત ઘટના બની રહી છે. આ પાંચ ગ્રહોમાં બુધ, શુક્ર, ગુરુ, યુરેનસ અને મંગળનો સમાવેશ થાય છે. આ ગ્રહો ચંદ્રમાંની નજીક સીધી લાઇનમાં મંગળવારના રોજ દેખાશે. પાંચ ગ્રહોની આ પરેડ નો નજારો ૨૫ થી ૩૦ માર્ચ સુધી રહેશે જે ૨૮ માર્ચના રોજ સૌથી સ્પષ્ટ રીતે જોઇ શકાશે. અમેરિકાની સ્પેસ એજન્સી નાસાના ખગોળ વિજ્ઞાાની બિલ કુકના જણાવ્યા અનુસાર સૂર્યાસ્ત પછી પશ્ચિમ દિશામાં ક્ષિતિજ તરફ આ નજારો જોઇ શકાય છે.
ગ્રહ ક્ષિતિજ રેખાથી આકાશની વચ્ચે સુધી ફેલાયેલા દેખાશે. જો કે બુધ અને શનિ અડધા કલાક પછી ક્ષિતિજ રેખાની નીચે ડૂબી જશે.આથી તેને જોવા માટેનો સમય ઓછો રહેશે. જો આકાશ સ્વચ્છ હશે તો સૌર મંડળના પાંચ ગ્રહોને પૃથ્વીના કોઇ પણ સ્થળેથી જોઇ શકાય છે. એ સાથે પાંચ ગ્રહો દ્વષ્યમાન થવા એ ખૂબ મોટી વાત છે. પ્રાપ્ત માહિતી અનુસાર આ ગ્રહોને નરી આંખ કરતા દૂરબીનથી વધારે સ્પષ્ટ રીતે જોઇ શકાય છે.
બુધ, શુક્ર અને શનિની ચમક સારા એવી હોય છે માટે શાંત આકાશી માહોલમાં જોવા સરળ છે પરંતું આકાશ મંડળમાં શુક્ર ગ્રહ સૌથી ચળકે છે.મંગળ તેની લાલાશ પડતી ચમકના લીધે ધ્યાન દોરે છે. તે ચંદ્રમાંની ખૂબજ નજીક જોવા મળે છે. ગુરુ અને યુરેનસ દૂર હોવાથી તે ધૂંઘળા દેખાય છે. દૂરબીનની મદદથી થોડા વધારે સ્પષ્ટ દેખાય છે. નાસાના વિજ્ઞાાનીના જણાવ્યા અનુસાર જેને ગ્રહો અને અવકાશ વિજ્ઞાાનમાં ખૂબ રસ પડે છે તેમના માટે યૂરેનસ ગ્રહ જોવો એક લ્હાવા સમાન છે. દૂરનો ગ્રહ યુરેનસ આટલી સરળતાથી દેખાતો નથી. શુક્ર ગ્રહની ઉપર લીલાશ પડતી ચમક તેની ઓળખ સમાન છે.