DRDO લશ્કરને આપશે 200 હોવાઇત્ઝર તોપ, અરૂણાચલ પ્રદેશ અને લદ્દાખમાં તહેનાત કરાશે
- ચીન સાથેના સંઘર્ષના પગલે લેવાયેલો નિર્ણય
નવી દિલ્હી તા.19 ડિસેંબર 2020 શનિવાર
ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઑથોરિટી (DRDO) ભારતીય લશ્કરને બસો હોવાઇત્ઝર તોપો આપશે. છેલ્લા થોડા મહિનાથી ચીન સાથે સર્જાયેલા તનાવના પગલે આ તોપો અરુણાચલ પ્રદેશ અને લદ્દાખમાં તહેનાત કરાશે એવું જાણવા મળ્યું હતું.
હાલ ભારતીય લશ્કરને શક્ય તેટલી ઝડપે 400 આર્ટિલરી ગનની જરૂર છે, એટલે આગામી 18 માસમાં DRDO ઘરઆંગણે બનેલી એડવાન્સ ટાવર આર્ટિલરી ગન હોવાઇત્ઝર તૈયાર કરીને આપશે. આ તોપ 48 કિલોમીટર દૂર સુધીના ટાર્ગેટને વીંધી શકે છે. પેરામીટરની વાત કરીએ તો આ ગન જાતે (સ્વયંસંચાલિત) કલાકે પચીસ કિલોમીટર સુધી જઇ શકે છે.
બોફર્સની ક્ષમતા 39 કેલિબર રાઉન્ડ્સની છે જ્યારે હોવાઇત્ઝરની ક્ષમતા 52 કેલિબર રાઉન્ડ્સની છે. હાલ ઓરિસાના બાલાપુરમાં આવેલા ચાંદીપુર ફાયરીંગ રેંજમાં એની ટ્રાયલ ચાલુ હતી. ફાયરીંગ રેંજમાં એક ઊંચા ટાવર પર કેમેરા ફિટ કરીને શૂટર પોતાના કાન ઇયરીંગ મફથી બંધ કરીને કાઉન્ટ ડાઉન શરૂ કરે છે. જેવો ઝીરો પર પહોંચે કે તરત તોપમાંથી 55 કિલોનો દારુગોળો પોતાના ટાર્ગેટ પર ત્રાટકે છે. એનો ધડાકો એટલો પ્રચંડ હોય છે કે આસપાસની ધરતી ભૂકંપની પેઠે ધ્રૂજી ઊઠે છે. આ તોપ સંપૂર્ણપમે સ્વદેશી સાધનોથી બનાવાયેલી છે. એને લદ્દાખ અને અરુણાચલ પ્રદેશમાં ગોઠવવામાં આવશે. આ બે સ્થળે ચીન અટકચાળાં કરી રહ્યું હતું.