DRDOએ સ્વદેશી એન્ટિ-ટૅન્ક મિસાઇલનું કર્યું સફળ પરીક્ષણ, MP-ATGMએ સટીક નિશાન માર્યું
DRDO, MP-ATGM Anti-Tank Missile: રાજસ્થાનમાં પોખરણ ફાયરિંગ ફિલ્ડ રેન્જ ખાતે DRDO(Defence Research and Development Organisation)એ સ્વદેશી મેન-પોર્ટેબલ એન્ટી-ટૅન્ક ગાઇડેડ મિસાઇલ (MP-ATGM)નું સફળ પરીક્ષણ કર્યું હતું. આ મિસાઇલ દુશ્મનની ટૅન્ક અને બખ્તરબંધ વાહનો એકવારમાં જ નષ્ટ કરી શકે છે.
ભવિષ્યમાં તેને મુખ્ય યુદ્ધ ટૅન્ક અર્જુન સાથે પણ તૈનાત કરવામાં આવશે. પોખરણમાં થયેલા પરીક્ષણમાં MPATGMએ પૂરી ચોકસાઈ સાથે લક્ષ્યને હિટ કર્યું હતું. આ સ્વદેશી એન્ટિ-ટૅન્ક મિસાઇલ ટેન્ડમ હાઇ એક્સપ્લોઝિવ એન્ટિ-ટૅન્ક (HEAT) હથિયારથી સજ્જ છે, જે અત્યાધુનિક એક્સપ્લોઝિવ રિએક્ટિવ આર્મર (ERA) કવચ સાથે બખ્તરબંધ વાહનોને નષ્ટ કરી શકે છે. એટલે કે આજના સમયની કોઈપણ પણ અત્યાધુનિક ટૅન્ક કે બખ્તરબંધ વાહન આ એન્ટિ-ટૅન્ક મિસાઇલથી બચી શકશે નહીં.
આ મિસાઇલના સફળ પરીક્ષણ માટે ઘણાં ટ્રાયલ કરવામાં આવ્યા હતા. તેનું વજન 14.50 કિલો છે. અને લંબાઈ 4.3 ફૂટ છે. તેને ફાયર કરવા માટે બે લોકોની જરૂર પડે છે. તેની રેન્જ 200 મીટરથી 2.50 કિ.મી. સુધીની છે. તેમાં ટેન્ડમ ચાર્જ હીટ અને પેનિટ્રેશન જેવા વોરહેડ્સને લગાવી શકાય છે. MP-ATGM સેનામાં સામેલ થયા બાદ ફ્રાન્સમાં બનેલા મિલાન-2ટી અને રશિયામાં બનેલી કોન્કર્સ એન્ટી-ટૅન્ક ગાઇડેડ મિસાઇલના જૂના વર્ઝનને હટાવી દેવામાં આવશે.