દેશની પહેલી ગર્ભનિરોધક ગોળી બનાવનારા ડૉ. નિત્યા આનંદનું 99 વર્ષની વયે નિધન
છેલ્લા ત્રણ મહિનાથી ડૉ. નિત્યા આનંદ ઈન્ફેક્શનનો ભોગ બન્યા હતા, જેથી તેઓ વેન્ટિલેટર સપોર્ટ પર હતા
Scientist Dr Nitya Anand Passed Away: દેશની પહેલી ગર્ભનિરોધક ગોળી 'સહેલી' બનાવનારા ડૉ. નિત્યા આનંદનું 27મી જાન્યુઆરીના રોજ 99 વર્ષની વયે નિધન થઈ ગયું છે. ગયા વર્ષે 29મી નવેમ્બરે તેમને લખનઉ પીજીઆઈ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમની આઈસીયુમાં સારવાર ચાલી રહી હતી.
કોણ હતા ડૉ. નિત્યા આનંદ?
ડૉ. નિત્યા આનંદનો જન્મ પહેલી જાન્યુઆરી 1925મા થયો હતો. ડૉ. નિત્યા આનંદ સેન્ટ્રલ ડ્રગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (CDRI)ના ડિરેક્ટર રહી ચૂક્યા છે. તેઓ 1974 થી 1984 સુધી લખનઉની સીડીઆરઆઈના ડિરેક્ટર હતા. 2005માં તેમની ઈન્ડિયન ફાર્મોકોપિયા કમિશનની વૈજ્ઞાનિક સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરાઈ હતી. વર્ષ 2012માં ભારત સરકારે તેમનું પદ્મ શ્રી આપી સન્માન કર્યું હતું. ડૉ. નિત્યા આનંદના નામે 130 પેટન્ટ હતી અને દુનિયાભરની જર્નલમાં તેમના 400 સંશોધન પેપર પ્રકાશિત થયા હતા.
ડૉ. નિત્યા આનંદની ગણના દેશના મહાન વૈજ્ઞાનિકોમાં થતી હતી. તેમણે દેશની પ્રથમ ગર્ભનિરોધક ગોળી બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. ટીબી, મેલેરિયા અને રક્તપિત્ત જેવા રોગોની દવાઓ બનાવવામાં પણ તેમનું યોગદાન રહ્યું છે. અહેવાલ અનુસાર, ડૉ. નિત્યા આનંદે 400થી વધુ રિસર્ચ પેપર પ્રકાશિત કર્યા હતા અને 130 પર પેટન્ટ મેળવ્યા હતા.