વિદ્વાન-વિનમ્ર ડૉ. મનમોહન સિંહની સૌકોઈ કરતા હતા પ્રશંસા, PM મોદી અને ગડકરીએ પણ કર્યા હતા વખાણ
PM Narendra Modi On Dr. Manmohan Singh : પૂર્વ વડાપ્રધાન અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા ડૉ.મનમોહન સિંહનું આજે ગુરૂવારે તબિયત લથડ્યા બાદ 92 વર્ષની ઉંમરે નિધન થયું. ડૉ.મનમોહન સિંહને શ્વાસ લેવામાં તકલીફ થતા દિલ્હીની AIIMSમાં દાખલ કરવામાં આવ્યા હતા. ડૉ.મનમોહન સિંહ નિધન બાદ સમગ્ર દેશને એક મહાન અર્થશાસ્ત્રીની ખોટ અનુભવાશે. મૃદુભાષી, વિદ્વાન અને વિનમ્ર ડૉ. મનમોહન સિંહની પ્રશંસા સૌકોઈ કરતા હતા. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યસભામાં ડૉ. મનમોહન સિંહનો કાર્યકાળ પૂરો થયો ત્યારે તેમની પ્રશંસા કરી હતી.
તેમના યોગદાનને લોકો યાદ કરશે: મોદી
વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, 'હું ડૉ. મનમોહન સિંહ વિશે કંઈક બોલવા માગુ છું. 6 વખત આ ગૃહમાં નેતા તરીકે અને વિપક્ષના નેતા તરીકે પણ તેમનું યોગદાન રહ્યું. વૈચારિક મતભેદ, ડિબેટમાં આક્ષેપબાજી એ થોડાક સમય માટે હોય. તેમણે આ ગૃહનું અને દેશનું માર્ગદર્શન કર્યું. જ્યારે પણ લોકતંત્રની ચર્ચા થશે ત્યારે તેમની પણ ચર્ચા થશે. તેમના યોગદાનને લોકો યાદ કરશે. ડૉ. મનમોહન સિંહે ગૃહનું અનેકવાર માર્ગદર્શન કર્યું. જ્યારે સાંસદોના યોગદાનની વાત થશે તો મનમોહન સિંહની જરૂરથી ચર્ચા થશે.'
દેશમાં લોકશાહી મજબૂત કરવાના તેમના પ્રદાન હંમેશા યાદ રખાશે
રાજ્યસભામાં કાર્યકાળ પૂરો થતા પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહની વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રશંસા કરતા કહ્યું કે, 'દેશમાં લોકશાહી મજબૂત કરવામાં તેમનું પ્રદાન હંમેશા યાદ રહેશે.' રાજ્યસભાના સાંસદ તરીકે અને વડાપ્રધાન તરીકે 2004થી 2014 સુધીમાં તેમણે કરેલા પ્રદાનની પ્રશંસા કરતા નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, 'મનમોહનસિંહજીએ જે રીતે તેઓના કાર્યકાળ દરમિયાન ગૃહ અને રાષ્ટ્રને માર્ગદર્શન આપ્યું તે લોકશાહીના અને ભારતના ઈતિહાસમાં સતત સ્મરણીય બની રહેશે. મનમોહનસિંહજી હંમેશા રાજ્યસભામાં ઉપસ્થિત રહેતા અને ગૃહમાં મતદાન યોજાવાનું હોય ત્યારે તો અચૂક ઉપસ્થિત રહેતા. તેઓ છેવટે વ્હીલચેરમાં બેસીને પણ સંસદીય કાર્યવાહીમાં ભાગ લેવા પહોંચતા હતા.'
નીતિન ગડકરીએ ડૉ.મનમોહન સિંહના વખાણ કરતા કહ્યું હતું કે, 'દેશ તેમનો ઋણી છે. વર્ષ 1991માં તત્કાલિન નાણામંત્રી મનમોહન સિંહ દ્વારા શરૂ કરાયેલા આર્થિક સુધારાએ ભારતને નવી દિશા બતાવી. તેમની નીતિઓએ નેવુના દાયકામાં મહારાષ્ટ્રના રસ્તાઓ માટે નાણા એકત્ર કરવા માટે મદદ કરી હતી.'