મૃદુભાષી પણ મક્કમ, રાજકરણી નહીં પણ નેતા એવા ડૉ. મનમોહન સિંહ
- દેશના ભાગલાં, શીખ સમુદાય ઉપર હિંસા, આર્થિક ઉદારીકરણના શિલ્પી અને કૌભાંડોનો ખૌફ વહોરનાર
૧૯૩૨ થી ૨૦૨૪, ૯૨ વર્ષના જીવનમાં પાકિસ્તાનમાં જન્મ, નાની ઉંમરમાં માતાનું છત્ર ગુમાવ્યા બાદ નાનીએ ઉછેર કર્યો. શાળાનું શિક્ષણ પાકિસ્તાનમાં અને પછી ભાગલાં સમયે ભારત આવ્યા બાદ મનમોહન દરેક પડકાર વચ્ચે અડગ રહ્યા હતા. વીજળી વગર ભણતર કરવું, દરેક સમયે અવ્વલ નંબર મેળવવો, કેમ્બ્રિજ અને ઓક્સફોર્ડ જેવી વિશ્વની ટોચના શૈક્ષિણક સંસ્થાનમાં અભ્યાસ કરવો અને પછી પાંચ દાયકાની દેશની આર્થિક નાદારી, મોંઘવારીથી લઇ મહાસત્તા બનવાની શક્યતા સુધીની સફર જોનાર, તેમાં અમૂલ્ય યોગદાન આપનાર ડો. મનમોહન સિંઘ એક વિરલ વ્યક્તિત્વ ધરાવતી પ્રતિભા હતા એમાં કોઈ શંકાને સ્થાન નથી
ભારતની રાજકીય, આર્થિક અને સામાજિક પરિસ્થિતિમાં છેલ્લા નવ દાયકામાં આવેલા દરેક ફેરફાર, પડકાર અને વિસ્ફોટક સ્થિતિનો જાત અનુભવ કરનાર ડો. મનમોહન સિંઘ હવે સદેહે આપણી વચ્ચે નથી રહ્યા. દેશ માટે એમણે આપેલા યોગદાનની યાદી બહુ લાંબી છે. ઓગસ્ટ ૧૯૪૭ પછી જન્મેલા લોકોને જેમ ગુલામી એટલે શું તેનો ખ્યાલ નથી એમ જુલાઈ ૧૯૯૧ બાદ જન્મેલા લોકોને ભારતની અર્થવ્યવસ્થા કેવી હતી તેની કલ્પના પણ નહીં હોય! એક જ ટેલીફોન સેવા, ગુડ્સ અને સર્વિસ ખરીદવામાં પૈસા આપ્યા પછી પણ વિકલ્પ નહીં, શેનું ઉત્પાદન કરવું, કેટલું ઉત્પાદન કરવું તેના માટે લાયસન્સ અને ઉત્પાદન ક્ષમતા ઉપર પણ નિયંત્રણ... આંગળીના વેઢે ગણાય એટલી વિદેશી કંપનીઓ ભારતમાં કાર્યરત હતી. આયાત અને નિકાસ ઉપર નિયંત્રણ હતા.. એકવીસમી સદીના એક દાયકા પહેલા ભારત પોતાના બધા દરવાજા બંધ કરી દુનિયાથી અલિપ્ત હતું.
માત્ર ગણતરીના દિવસો ચાલે એટલા વિદેશી હૂંડિયામણની અનામત, દેશની નાણા ખાધ જીડીપીના ૮.૫ ટકા અને સતત ઘટી રહેલો આર્થિક વૃદ્ધિ દર...૧૯૯૧ની આ સ્થિતિમાંથી આજે ભારત વિશ્વની ચોથા ક્રમની અર્થવ્યવસ્થા બની છે. ઉદારીકરણ અને વૈશ્વિકરણનો વિરોધ કરનારા રાજકીય પક્ષો સત્તા ઉપર આવ્યા પછી ડો. સિંઘની આર્થિક સુધારાની નીતિ જ આગળ ધપાવી રહ્યા છે. પ્રકાર બદલાયો હશે પણ દિશા નથી બદલાઈ. આ જ મૃદુભાષી ડો. મનમોહન સિંઘની સૌથી મોટી સિદ્ધિ છે.
નાણામંત્રી બન્યા પહેલા ડો. મનમોહન સિંઘે અલગ-અલગ સરકારમાં અને વિભિન્ન વડાપ્રધાન કે મંત્રીના સલાહકાર તરીકે કામગીરી કરેલી. એ સમયે દેશની જે સ્થિતિ હતી એ મુજબ રણનીતિ ઘડવામાં એમણે પોતાનું યોગદાન આપ્યું પણ જયારે સમય આવ્યો, સલાહકાર તરીકે નહીં પણ કઠોર કે મજબૂત નિર્ણય લઇ શકે એવી સત્તા આવી ત્યારે દેશને નવી જ દિશા એમણે આપી હતી. એક જ ઝાટકે તેમણે લાયસન્સ રાજ ખતમ કરી નાખ્યું, ઉદ્યોગોમાં સ્પર્ધા આવે એ માટે ખાનગી મૂડીરોકાણને પ્રોત્સાહન આપ્યું. વિદેશી કંપનીઓના ભારતમાં મૂડીરોકાણના દ્વાર ખોલી નાખ્યા અને ભારતીય ઉત્પાદકોને નિકાસ માટેના દ્વાર ખુલ્લા કરી આપ્યા. આયાત ડયુટી ઘટાડી ભારતીય બજાર વિદેશીઓ માટે આકર્ષક બનાવ્યું તો ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સવલતો આપી ભારતીય ઉત્પાદકોને વિદેશી બજારમાં ટકી રહેવા માટે પગભર પણ કરી. વર્ષ ૧૯૯૧ થી ૧૯૯૬ સુધીના પાંચ બજેટમાં ક્રમશ: તેમણે ઉદારીકરણ, વૈશ્વિકરણ અપનાવી દેશની શકલ બદલાવી નાખી. ગ્રાહકો માટે ઉત્પાદન ખરીદવાના વધારે વિકલ્પ ઉભા કર્યા અને સેવાના ઉપભોગ માટે - ટેલીકોમ, બેન્કિંગ, પ્રસારણ, એરલાઈન્સ જેવા ક્ષેત્રો પણ ખુલ્લા મૂકી દીધા. ડો. મનમોહન ન હોત તો આજે પણ ભારત હજી અલગ ટાપુ તરીકે, ગ્રાહકો ઉત્પાદકના ગુલામ બની વસ્તુઓ ખરીદતા હોત. ડો. મનમોહન આધુનિક ભારતનો પાયો નાખનાર શિલ્પી હતા.
મૃદુભાષી પણ મક્કમ મનમોહન
મૃદુભાષી પણ પગલાં લેવામાં એ મક્કમ હતા. જુલાઈ ૧૯૯૧માં બજેટ રજૂ થયું ત્યારે કોંગ્રેસના સાંસદો અને મંત્રીઓ પણ નારાજ હતા. ખુદ વડાપ્રધાન પી. વી. નરસિમ્હા રાવે સાંસદો અને મંત્રીઓએ પોતાનો ઉશ્કેરાટ સહન કરવો પડેલો. જોકે, સિંઘે બધાને પોતાના બજેટની સમજણ આપવા ફરજ પડી હતી. કોંગ્રેસ પાર્લામેન્ટરીની બેઠકમાં ખાતરના ભાવમાં ૪૦ ટકા અને ઇંધણ (પેટ્રોલ - ડિઝલ)ના ભાવમાં કરવામાં આવેલા વધારાનો સૌથી મોટો વિરોધ હતો. ત્રણ વખત બેઠક થઇ. મનમોહન માત્ર ખાતરના ભાવ ૩૦ ટકા વધશે એ અંગે સહમત થયા પણ ઇંધણના ભાવનો વધારો પાછો ખેંચ્યો નહીં. આ મૃદુભાષી મનમોહનનું મક્કમ વલણ હતું.
આટલી જ મક્કમતાથી એમણે જરૂર પડયે પોતાના નિર્ણયના કારણે સરકાર કે કોંગ્રેસને નુકસાન થયું હોય તો રાજીનામું ધરી દેવા માટે પણ રજુઆતો કરી હોવાના કિસ્સાઓ નોંધાયેલા છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર તરીકે એ સમયે નાણામંત્રી પ્રણવ મુખરજી સાથે બિનરહીશ ભારતીય (એનઆરઆઈ)ના ભારતમાં રોકાણ અંગેની નીતિ અંગે ખટરાગ થયો હતો અને તેમણે રાજીનામું આપી પદત્યાગ કરેલો. આ ઉપરાંત, ૧૯૯૩માં હર્ષદ મહેતા કૌભાંડમાં નાણામંત્રાલયની કામગીરી ઉપર સવાલ ઉભા થતા નાણામંત્રી તરીકે તેમજ ૨૦૦૮માં અમેરિકા સાથેના પરમાણુ કરારનો કોંગ્રેસે વિરોધ કરતા વડાપ્રધાન પદેથી રાજીનામું આપવા તેમણે તૈયારી દાખવી હતી.
એક રાજકીય નેતા જે રાજકરણી ન હતા
નાણામંત્રી તરીકે તેમના ઉદારીકરણની દરેક નીતિઓ અને ૨૦૦૪-૨૦૦૯ના પ્રથમ કાર્યકાળની સફળતા બાદ ૨૦૦૯-૨૦૧૪ વચ્ચે બહાર આવેલા કૌભાંડો, રાજકીય રીતે યુતિ સરકારમાં તેમની મજબૂરીઓ અને અન્ય રીતે ખૂબ જ વગોવાયા હતા. આમ છતાં, રાજકીય રીતે ડો. સિંઘની કુનેહ અન્ય રાજકીય નેતાઓ કરતા ઓછી ન હતી. એક, એ દરેક પ્રકારની ટીકા સહન કરવાની શક્તિ રાખતા હતા. બીજું, દરેક વ્યક્તિના સૂચનો સાંભળતા હતા અને જયારે મોકો મળે ત્યારે જરૂરી અને દેશહિતનો નિર્ણય હમેશા મક્કમતાથી લેવાની તેમના શક્તિ હતી. સૌથી મોટું કારણ એમ પણ હોય શકે કે એમની પાંચ દાયકાથી વધારાની સરકારની નોકરિયા અને છેલ્લે એક દાયકા પોતે સરકાર ચલાવી એ દરમિયાન તેમની શિસ્તબદ્ધ કાર્યશૈલી અને નિષ્કલંક જીવન અંગે કોઈ બોલી શકે એમ ન હતા. કોંગ્રેસ વર્કિંગ કમિટી અને યુપીએ સરકાર સાથેની બેઠકમાં અમેરિકા સાથેના પરમાણુ કરાર, મલ્ટી બ્રાન્ડ રિટેલમાં વિદેશી મૂડીરોકાણ અને પાકિસ્તાન સાથેના સંબંધોમાં ત્રાસવાદ સિવાય પણ ચર્ચા શક્ય હોવી જોઈએ એવા એમના વિચાર એમણે દરેક રાજકીય પંડિતોની અપેક્ષાથી વિપરીત પાર પાડયા હતા.
વડાપ્રધાન તરીકે પોતાની છેલ્લી પત્રકાર પરિષદમાં તેમણે જણાવેલું, ''સંસદમાં વિરોધ પક્ષ અને બહાર વર્તમાન મીડિયા કરતા ઈતિહાસ મારા વિષે યોગ્ય ટીપ્પણી કરશે,'' યુપીએના બીજા કાર્યકાળમાં તેમનો સુરજ આથમી રહ્યો હતો, તેમને સૌથી નબળા વડાપ્રધાન તરીકે ટાંકવામાં આવતા હતા ત્યારે એમણે એક બાહોશ વ્યક્તિ તરીકે આ વાક્ય જણાવેલું.
એકેડેમિક્સ અને પ્રોફેશનલ ક્ષેત્રમાંથી આવતા લોકો માટે ભારતનું રાજકરણ બહુ જટિલ છે. ડો. સિંઘની યાત્રા પણ આ જ પ્રકારે શરૂ અને પૂર્ણ થઇ હતી. બે દાયકા સુધી સરકારમાં વિવિધ પદ ઉપર સલાહકાર તરીકે કે મંત્રીના હાથ નીચે કામ કર્યા પછી પોતે નાણા મંત્રી બન્યા અને પછી વિરોધ પક્ષના નેતા બનેલા હતા. પરમાણુ કરારની સફળતા બાદ વધારે બહુમત સાથે સત્તા ઉપર આવ્યા છતાં બીજી ટર્મમાં તે નબળા પડયા હતા. પ્રથમ ટર્મના કૌભાંડો અને કોંગ્રેસ પાર્ટીની ટોચની નેતાગીરીના હસ્તક્ષેપની અસર જોવા મળી હતી. તેમના સમાધાનકારી વલણની અસર પણ વર્તાવા લાગી હતી. યુતિ સરકાર અને સત્તા મળ્યા પછી મદદના નામે ભ્રષ્ટાચારના શિષ્ટાચારમાં એક રાજકરણી નહી એવા રાજકીય નેતાએ ઘણું સહન કરવાનો વારો આવ્યો હતો.
સરકારના ભોગે અમેરિકા સાથે પરમાણુ કરાર
વર્ષ ૧૯૯૮માં ભારતે તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજ્પેયીના નેતૃત્વમાં પોખરણ ખાતે પરમાણુ પરીક્ષણ કરી સમગ્ર દુનિયાના અચંબામાં નાખી દીધી હતી. માત્ર મહાસત્તાઓ માટેના એક સમુહમાં પરમાણુ સત્તા તરીકે ભારતને સ્થાન મળેલું. જોકે, અમેરિકાને ભારતની પ્રગતિથી પેટમાં તેલ રેડાયું અને તેણે ભારત ઉપર પ્રતિબંધ લાદયા હતા. ભારતને શસ્ત્ર, સેટેલાઈટ, અવકાશ વિજ્ઞાાન અને પરમાણુ ક્ષેત્રે પોતે તો મદદ નહીં કરે પણ અન્ય દેશોને પણ નહીં કરવા દે એ પ્રકારે અમેરિકાનું વલણ હતું. ભારત વિશ્વ સમુદાયમાં આર્થિક રીતે મજબૂત થઇ રહ્યું હોવા છતાં ડિપ્લોમેટિક રીતે અલાયદું થઇ ગયું. જોકે, વડપ્રધાન પદે ડો. મનમોહન સિંઘે આ અમેરિકા સાથે નાગરિક પરમાણુ કરાર કરી દુનિયામાં ભારતને ફરી વિશ્વ સમુદાયની અગ્રણી હરોળમાં મૂકી દીધું હતું. આ કરાર હેઠળ ભારતને એટોમિક એનર્જીના નાગરિક ઉપયોગ માટે ટેકનોલોજી અને અન્ય દેશોથી યુરેનિયમ અને અન્ય ઇંધણ ખરીદવાની સવલત આપતી હતી. અમેરિકાના રાષ્ટ્રપતિ જ્યોર્જ ડબ્લ્યુ બુશ અને વડાપ્રધાન મનમોહને કરેલા આ કરારથી એક નવો ઈતિહાસ રચાયો. આંતરરાષ્ટ્રીય સ્તરે વડપ્રધાનની રાજદ્વારી કુનેહની પ્રશંસા થઇ. પરંતુ, ભારતમાં ડાબેરીઓ અને વિરોધ પક્ષમાં ભાજપે સરકારની અને ડો. મનમોહનની ભારે ટીકા કરી. સરકાર સામે અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ થયો. અંતે, સરકારનો વિજય થયો પણ કોઇપણ સંજોગોમાં સિંઘ આ કરાર રદ્દ કરવા ઇચ્છતા ન હતા. સરકાર ભલે પડે, સત્તા ભલે જાય પણ આ કરાર ભારતના ઈતિહાસમાં એક સીમાચિન્હ બનશે અને વાજપેયી સરકારે પરમાણુ ક્ષેત્રે કરેલી કામગીરી આગળ વધશે એવું ડો. સિંઘ માનતા હતા.
શીખ સમુદાયની માફી
નાણાવટી પંચે ઇન્દિરા ગાંધીની હત્યા પછી શીખ સમુદાય ઉપર થયેલા હુમલા, હત્યા અને રમખાણ માટે કોંગ્રેસના જગદીશ ટાઈટલર, સજ્જન કુમાર અને અન્ય નેતાઓને દોષિત ઠેરવ્યા હતા. આ અહેવાલ પછી ડો. સિંઘે સમુદાયની માંફી માંગી હતી. ''૧૯૮૪માં જે ઘટનાઓ બની તે ભારતના બંધારણમાં સમાવિષ્ટ રાષ્ટ્રવાદની વિભાવનાઓને ધ્વસ્ત કરે છે,'' એમ એ સમયે વડાપ્રધાન તરીકે તેમણે જણાવ્યું હતું. દાયકાઓથી કોંગ્રેસના શાસનમાં બનેલી આ ઘટનાઓ અંગે શીખ સમુદાય માફી ઈચ્છી રહ્યો હોવા છતાં રાજીવ ગાંધી, સોનિયા ગાંધી કે રાહુલ ગાંધીએ ક્યારે માફી કે એ ઘટનાનું ખંડન કર્યું ન હતું. માત્ર દેશના પ્રથમ શીખ વડાપ્રધાન ડો. સિંઘ જ આ હિમ્મત દાખવી શક્યા હતા.
મનમોહનના સરકાર સાથેના પાંચ દાયકા
૧૯૫૭-૬૫ : પંજાબ યુનિવર્સીટીમાં ઇકોનોમિકસના લેકચરર, રીડર અને પ્રોફેસર
૧૯૬૬-૬૯ : સ્વિત્ઝરલેન્ડમાં UNCTADના સચિવાલયમાં કામગીરી
૧૯૭૧-૭૨ : વાણિજ્ય મંત્રાલયમાં આર્થિક સલાહકાર
૧૯૭૨-૭૬ : નાણા મંત્રાલયમાં મુખ્ય આર્થિક સલાહકાર
૧૯૭૬-૮૦ : સચિવ, નાણા મંત્રાલય
૧૯૮૦-૮૨ : પ્લાનિંગ કમિશનના સભ્ય
૧૯૮૨-૮૫ : ગવર્નર, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા
૧૯૮૫-૮૭ : ઉપાધ્યક્ષ, પ્લાનિંગ કમિશન
૧૯૮૭-૯૦ : સેક્રેટરી જનરલ, સાઉથ કમીશન, સ્વીત્ઝરલેન્ડ
૧૯૯૦-૯૧ : વડાપ્રધાનના આર્થિક બાબતોના સલાહકાર
૧૯૯૧-૯૬ : નાણા મંત્રી
૧૯૯૮-૨૦૦૪ : રાજ્યસભામાં વિરોધ પક્ષના નેતા
૨૦૦૪-૨૦૧૪ : વડાપ્રધાન