Get The App

મનમોહન સિંહના જીવન પર આધારિત ફિલ્મે સર્જ્યો વિવાદ, 'ધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર' મુદ્દે બે દિગ્ગજ બાખડ્યા

Updated: Dec 28th, 2024


Google NewsGoogle News
મનમોહન સિંહના જીવન પર આધારિત ફિલ્મે સર્જ્યો વિવાદ,  'ધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર' મુદ્દે બે દિગ્ગજ બાખડ્યા 1 - image


The Accidental Prime Minister Controversy : ભારતના આર્થિક સુધારાના ઘડવૈયા એવા ભૂતપૂર્વ વડાપ્રધાન, નાણામંત્રી અને અર્થશાસ્ત્રી મનમોહન સિંઘનું ગુરુવારે 92 વર્ષની વયે અવસાન થયું હતું. વર્ષ 2004 થી 2014 સુધી તેઓ દેશના વડાપ્રધાન રહ્યા હતા. 2019ની સાલમાં તેમના જીવન પર આધારિત એક ફિલ્મ બની હતી 'ધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર'. ભારતના તત્કાલીન રાજકીય ચિત્રમાં ક્યાંય નહોતા અને અચાનક જ વડાપ્રધાન બની ગયેલા હોવાથી ફિલ્મનું ‘આકસ્મિક વડાપ્રધાન’ એવા અર્થનું શીર્ષક તો યથાર્થ હતું, પણ એમાં મનમોહન સિંહ વિશે જે ઘટનાઓ દર્શાવી હતી એમાં ઘણું અસત્ય હતું. એ જ કારણોસર એ ફિલ્મને વિવેચકો દ્વારા વખોડવામાં આવી હતી અને દર્શકો દ્વારા નકારવામાં આવી હતી, જેને લીધે બોક્સ ઓફિસ પર ફિલ્મ નિષ્ફળ નીવડી હતી. મનમોહન સિંહના અવસાન બાદ એ ફિલ્મ બાબતે થયેલી એ ટ્વિટને લીધે ફિલ્મ સાથે સંકળાયેલા કસબીઓ અનુપમ ખેર અને હંસલ મહેતા વચ્ચે તૂ-તૂ-મૈં-મૈં થઈ ગઈ છે. 

કોણે, શું લખ્યું?

વિવાદની શરૂઆત વરિષ્ઠ પત્રકાર વીર સંઘવીની એક પોસ્ટને લીધે થઈ હતી. સંઘવીએ શુક્રવારે પોતાના X એકાઉન્ટ પર ટ્વિટ કર્યું હતું કે, ‘જો તમે મનમોહન સિંહ વિશે દર્શાવવામાં આવેલા જૂઠાણાં યાદ કરવા માંગતા હો, તો તમારે 'ધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર' ફરીથી જોવી જોઈએ. તે અત્યાર સુધીની સૌથી ખરાબ હિન્દી ફિલ્મોમાંની એક છે અને એક સજ્જન માણસનું નામ કલંકિત કરવા માટે મીડિયાનો કેવી રીતે ઉપયોગ કરવામાં આવ્યો તેનું ઉદાહરણ પણ છે.’ 

ફિલ્મમાં કોણે, શું ભૂમિકા ભજવી હતી?

'ધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર' સિંઘના ભૂતપૂર્વ મીડિયા સલાહકાર સંજય બારુના એ જ નામે લખાયેલા પુસ્તક પર આધારિત હતી. ફિલ્મમાં અક્ષય ખન્નાએ સંજય બારુની અને અનુપમ ખેરે મનમોહન સિંહની મુખ્ય ભૂમિકા ભજવી હતી. વિજય ગુટ્ટે દ્વારા નિર્દેશિત એ ફિલ્મમાં સિંઘના નેતૃત્વ દરમિયાન બનેલ રાજકીય ઘટનાઓનું નિરૂપણ કરવામાં આવ્યું હતું, અને વડાપ્રધાન તરીકે તેમણે અનુભવેલા પડકારો તથા તેમના વહીવટ પર કોંગ્રેસ પક્ષના પ્રભાવને હાઇલાઇટ કરવામાં આવ્યો હતો. 

આ પણ વાંચો: પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને રાજકીય સન્માન સાથે વિદાય, પુત્રીએ આપ્યો મુખાગ્નિ, પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલિન

વીર સંઘવીની ટ્વિટને ટેકો આપતા મુદ્દો ગરમાયો

56 વર્ષના હંસલ મહેતાએ સંઘવીની પોસ્ટ શેર કરીને તેની સાથે ‘+100’ લખીને પોતાની ‘સો ટકા સહમતિ’ જતાવી હતી. એ પોસ્ટની અગાઉની પોસ્ટમાં મહેતાએ મનમોહન સિંહના નિધન પર શોક વ્યક્ત કરીને લખ્યું હતું કે, ‘રાષ્ટ્ર તેમની માફી માંગે છે. બીજા કોઈ કરતાં, મારે તો એમની માફી માંગવી જ પડે એમ છે. મારી મજબૂરી હતી કે ઈરાદો હતો, પણ મને એનો (એ ફિલ્મનો) અફસોસ છે. માફ કરશો, સર. અર્થશાસ્ત્રી, નાણાપ્રધાન અને વડાપ્રધાન તરીકેની સિદ્ધિઓ ઉપરાંત તમે એક સન્માનનીય હસ્તી હતા. બદમાશોનું વર્ચસ્વ હોય એવા વ્યવસાયમાં તમે દુર્લભ સજ્જન હતા.’

 મહેતાના શબ્દોએ અનુપમ ખેરને અકળાવ્યા

હંસલ મહેતાની પોસ્ટ વાંચીને પીઢ અભિનેતા અનુપમ ખેર અકળાઈ ઊઠ્યા હતા. તેમણે X પર જ પોસ્ટ લખીને મહેતાને ‘દંભી’ ગણાવી દીધા હતા. તેમણે લખ્યું હતું કે, ‘વીર સંઘવી તો પત્રકાર છે, તેમને ફિલ્મ ન ગમી હોય તો આવું લખવાની તેમને સ્વતંત્રતા છે. પરંતુ હંસલ મહેતા તો ફિલ્મના ક્રિએટિવ ડિરેક્ટર (સર્જનાત્મક દિગ્દર્શક) હતા. ઈંગ્લેન્ડમાં ફિલ્મના સમગ્ર શૂટ દરમિયાન તેઓ હાજર હતા. તેમણે સર્જનાત્મક ઈનપુટ્સ પણ આપ્યા અને એ બદલ ફી પણ લીધી હતી. હવે સંઘવીની પોસ્ટને સમર્થન આપીને તેમણે તેમના બેવડા ધોરણો છતાં કરી દીધા છે.’ 

આ પણ વાંચો: મનમોહન સિંહનું ગુજરાત કનેક્શન: પુત્રી ‘ઈરમા’માં ભણેલાં, જમાઈ ગુજરાત કેડરના આઇ.પી.એસ. હતા

અનુપમ ખેરે હંસલ મહેતાને સલાહ પણ આપી 

69 વર્ષીય અનુપમ ખેરે લખ્યું હતું કે, ‘કલાકારો ક્યારેક ખોટું કામ પણ કરી દેતા હોય છે, પણ પછી કલાકારે એની જવાબદારી લેવી જોઈએ. અમુક ચોક્કસ વર્ગમાંથી ‘ફાયદો મેળવવા માટે’ હંસલ મહેતાએ જે કર્યું છે એવું ન કરવું જોઈએ. કમ ઓન, હંસલ! ગ્રો અપ! (મોટા થાવ!) મારી પાસે હજી પણ શૂટિંગ સમયના બધા વીડિયો અને તસવીરો છે!’ 

જૂની પોસ્ટ્સનો મારો ચલાવ્યો

હંસલ મહેતા દ્વારા લખાયેલી જૂની પોસ્ટ શોધી શોધીને અનુપમ ખેરે પોતાના એકાઉન્ટ પર શેર કરી હતી. એ પોસ્ટમાં મહેતાએ અક્ષય ખન્ના અને વિજય ગુટ્ટેને ફિલ્મમાં કામ કરવા બદલ અભિનંદન આપ્યા હતા. અનુપમ ખેરે એ બાબતે પણ ધ્યાન દોર્યું હતું કે હંસલ મહેતાએ ફિલ્મમાં ઓડિશાના ભૂતપૂર્વ વડાપ્રધાન નવીન પટનાયકની નાનકડી ભૂમિકા પણ ભજવી હતી. અનુપમ ખેરે તો વીર સંઘવીની એ બધી જૂની પોસ્ટના સ્ક્રીનશોટ્સ પણ શેર કર્યા હતા, જેમાં સંઘવીએ મનમોહન સિંહના કામની આકરી ટીકાઓ કરી હતી અને તેમને નબળા વડાપ્રધાન ગણાવ્યા હતા. એ રીતે એમણે સંઘવીને પણ દંભી તો સાબિત કરી જ દીધા.

હંસલ મહેતાએ જવાબમાં શું કહ્યું?

અનુપમ ખેરના આક્રમક વલણનો જવાબ હંસલ મહેતાએ શાલીનતાથી આપ્યો હતો. મહેતાએ X પર લખ્યું હતું કે, ‘સર, હું કબૂલ કરું છું કે મેં (એ ફિલ્મમાં કામ કરીને) ભૂલ કરી છે. જે પ્રમાણેની મંજૂરી મને આપવામાં આવી હતી, એ પ્રમાણે મેં મારું કામ વ્યવસાયિક રીતે કર્યું હતું. પરંતુ એનો અર્થ એ નથી કે મારે કાયમ માટે એ ફિલ્મનો બચાવ કર્યા કરવાનો છે.’ 

આ પણ વાંચો: 'જ્યારે પૈસાના નહોતા એટલે જમવાનું છોડ્યું...' દિવંગત PMનો દર્દભર્યો કિસ્સો દીકરીએ શેર કર્યો

હંસલ મહેતાએ ખેર પર કટાક્ષ પણ કર્યો  

હંસલ મહેતાએ પોતાને ‘દંભી’ અને ‘ફાયદો મેળવનાર’ ગણાવવા બદલ લખ્યું હતું કે, ‘દંભ અને ફાયદો મેળવવા બાબતે તો હું માનપૂર્વક એટલું જ કહીશ કે જે માપદંડથી તમે લોકોનું મૂલ્યાંકન કરો છો, તે જ માપદંડથી તમે તમારું મૂલ્યાંકન પણ કરતા હશો.’

હંસલ મહેતાએ માફી પણ માગી લીધી

એક જુદી પોસ્ટમાં મહેતાએ અનુપમ ખેરને અજાણતામાં દુઃખ પહોંચાડવા બદલ માફી માંગતા લખ્યું હતું કે, ‘હું તમને સ્નેહ મોકલું છું. જ્યારે પણ તમે ઈચ્છો ત્યારે આપણે આ બાબતે ચર્ચા કરીને વાત સ્પષ્ટ કરી દઈશું. આ મુદ્દાને વધુ વિકૃત કરવા માટેની તક હું ટ્રોલ્સને નહીં આપું.’ આટલું લખીને મહેતાએ અનુપમ ખેરને અને વધુ પડતા વાચાળ ટ્રોલ્સને ક્રિસમસની વિલંબિત શુભેચ્છાઓ અને નવા વર્ષની આગોતરી શુભકામનાઓ પાઠવી હતી.


Google NewsGoogle News