'નિગમબોધ ઘાટ પર અંતિમ સંસ્કાર કરવા એ મનમોહન સિંહનું અપમાન', કેન્દ્ર સરકાર પર ભડક્યા રાહુલ ગાંધી
Dr. Manmohan Singh's cremation at Nigambodh Ghat: દેશના પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહ પંચમહાભૂતમાં વિલિન થઈ ગયા. શનિવારે કોંગ્રેસ મુખ્યાલયથી નિગમબોધ ઘાટ સુધી તેમની અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી અને તેમના અંતિમ સંસ્કાર નિગમબોધ સ્મશાન ગૃહમાં કરવામાં આવ્યા હતા. આ નિર્ણયના કારણે રાજકીય વર્તુળોમાં ગરમાવો જોવા મળ્યો છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પૂર્વ વડાપ્રધાનના સન્માનની પરંપરાનું ઉલ્લંઘન ગણાવ્યું હતું.
વર્તમાન સરકાર દ્વારા હળાહળ અપમાન :રાહુલ ગાંધી
રાહુલ ગાંધીએ કહ્યું કે, ભારત માતાના મહાન સપૂત અને શીખ સમુદાયના પ્રથમ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહના અંતિમ સંસ્કાર આજે નિગમબોધ ઘાટ પર કરાવીને વર્તમાન સરકાર દ્વારા સરાસર અપમાન કર્યું છે. તેઓ એક દાયકા સુધી દેશના વડાપ્રધાન પદ પર રહ્યા હતા, તેમના સમય દરમિયાન દેશ આર્થિક મહાસત્તા બન્યો અને તેમની નીતિઓ આજે પણ દેશના ગરીબ અને પછાત વર્ગ માટે આશરો બની રહી છે.
અત્યાર સુધી તમામ પૂર્વ વડાપ્રધાનોની ગરિમાને માન-સમ્માન સાથે તેમના અંતિમ સંસ્કાર અધિકૃત સમાધિ સ્થળો પર કરવામાં આવ્યા હતા. જેથી દરેક વ્યક્તિ સરળતાથી શ્રદ્ધાંજલિ આપી શકે. ડૉ. મનમોહન સિંહ આપણા સર્વોચ્ચ સન્માન અને સમાધિના હકદાર છે. દેશના આ મહાન સપૂત અને તેના ગૌરવશાળી સમુદાય પ્રત્યે સરકારે આદર દાખવવો જોઈતો હતો.
ભાજપ સરકાર 1000 ગજ જમીન પણ ન આપી શકી
દિલ્હીના પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું કે, ભારતના વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહજીના અંતિમ સંસ્કાર નિગમ બોધ ઘાટ પર કરવામાં આવ્યા હતા. આ પહેલા ભારતના તમામ વડાપ્રધાનોના અંતિમ સંસ્કાર રાજઘાટ પર કરવામાં આવ્યા હતા. શીખ સમુદાયમાંથી આવેલા અને વિશ્વભરમાં ખ્યાતિ પ્રાપ્ત અને 10 વર્ષ સુધી ભારતના વડાપ્રધાન રહેલા ડૉ. મનમોહન સિંહના અંતિમ સંસ્કાર અને સમાધિ માટે ભાજપ સરકાર 1000 ગજ જમીન પણ આપી શકી નથી.