પહેલી લોકસભા ચૂંટણીમાં દૂધ વેચનારા સામે હારી ગયા હતા ડૉ. આંબેડકર, કોને સૌથી મોટી જીત મળી હતી?
દેશમાં લોકસભાની પહેલી ચૂંટણી વર્ષ 1952 માં યોજાઈ હતી, ત્યારે દેશમાં નહેરુની લહેર ચાલતી હતી
કોંગ્રેસ પાર્ટીએ સંસદમાં 489 બેઠકોમાંથી 364 અને દેશમાં વિધાનસભાની 3280 બેઠકોમાંથી 2247 બેઠકો પર જીત મેળવી હતી
Image Social Media |
Lok Sabha Elections : જે રીતે આજે ભારતીય જનતા પાર્ટી (BJP)ની ટિકિટ પર જીતવાની ગેરંટી છે, તેવી જ રીતે આજથી 76 વર્ષ પહેલાં કોંગ્રેસ (Congress) પાર્ટી લગભગ અપરાજેય હતી. દેશમાં લોકસભાની પહેલી ચૂંટણી વર્ષ 1952 માં યોજાઈ હતી અને જવાહરલાલ નેહરુ જન નેતા હતા. તે સમયે દેશમાં જવાહરલાલ નેહરુની લહેર ચાલતી હતી. અને એ સમયે ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષમાંથી જેને ટિકિટ મળી તેની તો નૈયા પાર થઈ સમજો. આ ચૂંટણીમાં બંધારણના ઘડવૈયા ડો. ભીમરાવ આંબેડકર પણ આ ચૂંટણી લડવા ઉભા રહ્યા હતા. દેશની પહેલી લોકસભા ચૂંટણીમાં આંબેડકરે અનુસૂચિત જાતિ ફેડરેશન પાર્ટી તરફથી ચૂંટણી લડ્યા હતા. પરંતુ તેમને આ ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો.
કોંગ્રેસે ફરકાવ્યો વિજયનો ઝંડો
દેશની પહેલી સામાન્ય ચૂંટણી માટે મતદાનનું કામ ફેબ્રુઆરી 1952 ના છેલ્લા અઠવાડિયામાં પૂરુ થયું હતું. જ્યારે મત ગણતરી થઈ તો તેમાં કોંગ્રેસને આસાનીથી જીતી ગઈ હતી. કોંગ્રેસ પાર્ટીએ સંસદમાં 489 બેઠકોમાંથી 364 અને સમગ્ર દેશમાં વિધાનસભાની 3280 બેઠકોમાંથી 2247 બેઠકો પર જીત મેળવી હતી. નવાઈની વાત એ છે કે, આ સમગ્ર સંસદીય ચૂંટણીમાં કોંગ્રેસને કુલ મતદારોના 45 ટકા મતમળ્યા હતા અને તેમણે 74. 4 ટકા બેઠકો પર જીત મેળવી હતી. જ્યારે રાજ્યની વિધાનસભાઓની થયેલી ચૂંટણીમાં તેમણે કુલ મતોના 42.4 ટકા મતમેળવ્યા હતા. તે સમયે તેમણે 68.6 ટકા બેઠકો પર કબજો જમાવ્યો હતો. જો કે, આવા માહોલમાં પણ કોંગ્રેસના 28 મંત્રીઓ ચૂંટણીમાં હારી ગયા હતા.
કાજરોલકર સામે હારી ગયા હતા આંબેડકર
આ ચૂંટણીમાં સૌથી આશ્ચર્યજનક પરિણામ એ હતું કે બંધારણના ઘડવૈયા એવા ડો.ભીમરાવ આંબેડકરની હાર થઈ હતી. તેમની ઓળખ દેશભરમાં અનુસૂચિત જાતિના મજબૂત નેતા તરીકે ગણના થતી હતી. પરંતુ બોમ્બેમાં તેમના મતવિસ્તારમાં કોંગ્રેસે આંબેડકરની સામે તેમના પીએ નારાયણ એસ કાજરોલકરને ઊભા રાખ્યા હતા. અને તે પણ પછાત વર્ગમાંથી હતો. આ સિવાય કોમ્યુનિસ્ટ પાર્ટી અને હિંદુ મહાસભામાંથી એક-એક ઉમેદવાર પણ હતા. નારાયણ કાજરોલકર દૂધનો વ્યવસાય કરતા એક નવા નેતા હતા. પરંતુ નેહરુની લહેર એટલી જોરદાર હતી કે કોંગ્રેસના ઉમેદવાર નારાયણ કાજરોલકરે 15 હજાર વોટથી આંબેડકરને હરાવ્યા હતા, જેમાં આંબેડકર મત મેળવવામાં ચોથા ક્રમે રહ્યા હતા.
ઈતિહાસકાર રામચંદ્ર ગુહાએ તેમના પુસ્તક 'ઈન્ડિયાઃ આફ્ટર ગાંધી'માં ઉલ્લેખ કર્યો છે કે, ‘એ ચૂંટણીમાં મશહૂર મરાઠી પત્રકાર પી.કે. અત્રેએ એક સૂત્ર આપ્યું હતું, જે ત્યારે લોકજીભે ચઢી ગયું હતું. આ સૂત્ર હતું, 'आनी कुथे हा लोनिविक्या काजरोलकर'. એટલે કે ‘ક્યાં બંધારણના મહાન ઘડવૈયા આંબેડકર અને ક્યાં શિખાઉ દૂધ વેચનાર કજરોલકર?’