દેશના તમામ શહેરોના રસ્તાઓમાં થશે મોટા ફેરફાર! ટ્રાફિક સમસ્યા નિવારવા કેન્દ્ર સરકારે બનાવ્યો ‘લોજિસ્ટિક્સ’ પ્લાન
City Logistics Plans : દેશમાં વાહનોના લીધે શહેરોમાં થઈ રહેલા પ્રદુષણ અને ટ્રાફિકજામની સમસ્યાને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર મહત્ત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. સમગ્ર મામલાનું નિવારણ લાવવા માટે સરકાર સિટી લોજિસ્ટિક્સ પ્લાન (CLP) લઈને આવી છે. આ અંતર્ગત મુખ્યત્વે માલસામાનની હેરફેર અને પેસેન્જર વાહનો માટે અલગ-અલગ રસ્તા બનાવાશે.
સૌથી પહેલા દિલ્હી અને બેંગલુરુમાં કામગીરી હાથ ધરાશે
આ પ્લાન અમલમાં આવતા લોજિસ્ટિક્સ ખર્ચમાં પણ ઘટાડો થશે. જેમાં સૌથી પહેલા દિલ્હી અને બેંગલુરુમાં CLPનો અમલ કરાશે. જ્યારે આ બંને શહેરોના અનુભવના આધારે દેશના અન્ય શહેરો માટે CLPને લઈને એક વિસ્તૃત દિશા-નિર્દેશ તૈયાર કરવામાં આવશે.
જાપાન સૌથી આગળ
CLPનો અમલ કરવામાં જાપાન સૌથી આગળ છે. આ સાથે ફ્રાન્સ, જર્મની સહિત નેધરલેન્ડ જેવા દેશોના શહેરોમાં પણ CLPનો અમલ કરવામાં આવ્યો છે. હાલમાં, ટ્રક અને માલસામાન વહન કરતા અન્ય વાહનોને શહેરના એ જ રસ્તાઓ પરથી પસાર થવું પડે છે કે જેના પર પેસેન્જર વાહનો ચાલે છે. જેનાથી ટ્રાફિકજામ અને પ્રદુષણની સમસ્યા રહે છે.
શહેરનો ગતિશીલ પ્લાન તૈયાર કરતી વખતે માલસામાનનું વહન કરતાં વાહનોની સમસ્યા પર ખાસ ધ્યાન આપવામાં આવતું નથી. જેમાં શહેરમાંથી નીકળવા માટે માલસામાનનું વહન કરતાં વાહનોને રાતની રાહ જોવી પડતી હતી, આમ કરવાથી તેમનો ખર્ચ વધાતો. જ્યારે CLP હેઠળ આવી જ બધી સમસ્યાઓ હલ થશે.
CLP એ લોજિસ્ટિક્સ પોલિસીનો એક ભાગ છે
વર્ષ 2022માં, ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઑફ ઈન્ડસ્ટ્રી એન્ડ ઈન્ટરનલ ટ્રેડ (DPIIT) દ્વારા લોજિસ્ટિક્સ પોલિસી લાવવામાં આવી હતી. CLP આ લોજિસ્ટિક્સ પોલિસીનો એક ભાગ છે. વર્ષ 2022માં જ CLPના અમલીકરણ માટે દિલ્હી અને બેંગલુરુની પસંદગી કરવામાં આવી હતી અને હવે દિલ્હી અને કર્ણાટક સરકારની મદદથી બંને શહેરો માટે CLP લગભગ તૈયાર છે.