દેશમાં ડઝનેક ઉમેદવારોની EVM-VVPAT વેરિફિકેશન માટે અરજી, ચૂંટણી પંચનો દરવાજો ખટખટાવ્યો
Verification of EVM VVPAT : લોકસભા 2024ના પરિણામ જાહેર થઈ ચૂક્યા છે અને તેની સાથે ચાર વિધાનસભાની ચૂંટણીના પણ પરિણામ જાહેર થઈ ગયા છે. ત્યારે અત્યાર સુધીમાં લગભગ 10 અરજીઓ ચૂંટણી પંચ પાસે આવી છે જેમાં EVMમાં નોંધાયેલા મત અને VVPATની સ્લિપની ડેટા (મેમરી) વેરિફિકેશન કરવાની વિનંતી કરવામાં આવી છે.
મોટાભાગની અરજીઓ 3 બૂથના મશીનોના વેરિફિકેશન માટે આવી
લોકસભાની ચૂંટણી દરમિયાન ઈવીએમ મશિનનો મુદ્દો ચર્ચાના કેન્દ્રમાં હતો. વિપક્ષે ઈવીએમને લઈને અનેક સવાલો ઉઠાવ્યા હતા. જો કે લોકસભા તેમજ વિધાનસભાના પરિણામ જાહેર થયા બાદ ઈવીએમનો મુદ્દો ભૂલાઈ ગયો હતો. ત્યારે હવે છેલ્લા બે દિવસથી ફરી ઈવીએમને લઈને રાજકીય ગરમાવો વધી ગયો છે. ચૂંટણી પંચ પાસે EVMમાં નોંધાયેલા મત અને VVPATની સ્લિપની ડેટા વેરિફિકેશન કરવાની વિનંતી કરતી 10 અરજીઓ આવી છે. મોટાભાગની અરજીઓ ત્રણ બૂથના મશીનોના વેરિફિકેશન માટે આવી છે.
BJD ઉમેદવારે સૌથી વધારે વેરિફિકેશનની અરજી કરી
ઓડિશાના ઝારસુગુડા વિધાનસભા મતવિસ્તારમાંથી હારી ગયેલા માત્ર BJD ઉમેદવાર દીપાલી દાસે સૌથી વધારે 13 મશીનોની ડેટા વેરિફિકેશન માટે અરજી કરી છે. ઉલ્લેખનીય છે કે દીપાલી વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર ટંકધર ત્રિપાઠી સામે 1265 મતોથી હારી ગઈ હતી. દીપાલી કહે છે કે 'મેં 17 રાઉન્ડમાં લીડ જાળવી રાખી હતી. છેલ્લા બે રાઉન્ડમાં પાસું બદલાઈ ગયું હતું. તેથી છેલ્લા બે રાઉન્ડના 13 મશીનોની ફરીથી ગણતરી કરીને ડેટા વેરિફિકેશન કરવામાં આવે.' ચૂંટણી પંચ સાથે સંકળાયેલા સૂત્રોના જણાવ્યાનુસાર મહારાષ્ટ્રના અહમદનગર લોકસભા મતવિસ્તારમાંથી ભાજપના સુજય રાધાકૃષ્ણ વિખે પાટીલે પણ ત્રણ મશીનોની ડેટા વેરિફિકેશન માટે અરજી કરી છે. પાટીલ 28,929 મતોથી હારી ગયા. આ ઉપરાંત પંચના જણાવ્યાનુસાર ઉત્તરાખંડ અને છત્તીસગઢમાંથી કોઈએ ડેટા વેરિફિકેશન માટે અરજી કરી નથી.
ટેકનિકલ ટીમોની સામે ડેટા વેરિફિકેશન કરવામાં આવશે
કમિશનના અધિકારીઓના જણાવ્યાનુસાર, આ લોકસભા ચૂંટણી દરમિયાન EVM અને VVPATની ડેટા વેરિફિકેશન માટે પ્રતિ મશીન 40 હજાર રૂપિયા અને તેના પર 18 ટકા GST એડવાન્સ જમા કરાવવાનો રહે છે. કમિશનના અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ લોકસભા ચૂંટણી દરમિયાન EVM અને VVPATની ડેટા વેરિફિકેશન માટે પ્રતિ મશીન 40 હજાર રૂપિયા અને તેના પર 18 ટકાGST એડવાન્સ જમા કરાવવો પડશે. કમિશનના ટેકનિકલ નિષ્ણાતોની ટીમ તમામની સામે ડેટા વેરિફિકેશન કરે છે. જો ફરિયાદ સાચી જણાશે એટલે કે EVM ડેટા અને સ્લિપ વચ્ચે ગડબડી જોવા મળશે, તો કાર્યવાહી કરવામાં આવશે અને ફરીયાદીને સમગ્ર ફી પરત કરવામાં આવશે. જો ફરિયાદ સાચી નહીં હોય તો તો ફી જપ્ત કરવામાં આવશે.
સુપ્રીમ કોર્ટે મહત્ત્વનો નિર્ણય સંભાળાવ્યો હતો
અગાઉ સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાની બેન્ચે 26મી અપ્રિલે નિર્ણય આપ્યો હતો. જેમાં મત ગણતરીના સાત દિવસમાં ડેટા વેરિફિકેશન માટે અરજી કરવી જરૂરી છે. સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં સ્પષ્ટ કર્યું હતું કે ઈવીએમ મશીન દ્વારા જ મતદાન કરવું યોગ્ય છે. EVM-VVPATનું 100 ટકા ડેટા વેરિફિકેશ કરવામાં આવશે નહીં. EVMનો ડેટા અને VVPAT સ્લિપને 45 દિવસ સુધી સુરક્ષિત રાખવામાં આવશે. આ સ્લિપ ઉમેદવારો અથવા તેમના એજન્ટોની સહી સાથે સુરક્ષિત રાખવામાં આવશે.