આંખ આડા કાનને કારણે તબાહી? સિક્કિમનો સૌથી મોટો 14000 કરોડનો ડેમ ધોવાયો, અનેક વખત હોનારતના મળ્યા હતા સંકેત

ઈસરો અને આઈઆઈટી આઈઆઈએસના અનેક વૈજ્ઞાનિકો દ્વારા રિસર્ચ કરીને ચેતવણીઓ અપાઈ હતી છતાં ધ્યાન ન અપાયું?

ફ્લડનું નિરીક્ષણ કરતી સિસ્ટમ અંગે રીડિંગ પર ધ્યાન ન અપાયું, જો સમયસર એલર્ટ કરાયા હોત તો કદાચ નુકસાનથી બચી શકાયા હોત

Updated: Oct 6th, 2023


Google NewsGoogle News
આંખ આડા કાનને કારણે તબાહી? સિક્કિમનો સૌથી મોટો 14000 કરોડનો ડેમ ધોવાયો, અનેક વખત હોનારતના મળ્યા હતા સંકેત 1 - image

Sikkim flash floods : તાજેતરમાં જ સિક્કિમમાં આભ ફાટવાની ઘટના બની. આ ઘટનામાં લ્હોનાક લેકમાં એટલી હદે પાણી આવી ગયું કે ગ્લેશિયલ લેક આઉટબર્સ્ટ ફ્લડ (GLOF) ની ઘટના બની અને તેના લીધે તીસ્તા નદી ગાંડીતૂર બની હતી. જેના પગલે અત્યાર સુધીમાં 14 લોકો મૃત્યુ પામી ચૂક્યા છે અને 102થી વધુ લોકો ગુમ થઇ ગયા. ભયાનક પૂરમાં 22 જેટલાં આર્મીના જવાનોનો પણ કોઈ અતોપતો મળી રહ્યો નથી. આ માહિતી સેન્ટ્રલ વોટર કમીશન (CWC) દ્વારા આપવામાં આવી હતી.

 

રાજ્યનો સૌથી મોટો ડેમ કેવી રીતે ધોવાઈ ગયો? 

જો તમે સિક્કિમના સૌથી મોટા ડેમ તીસ્તા 3ના વિનાશના દૃશ્યો પર નજર કરશો તો તમને જણાઈ આવશે કે આ સર્વનાશ પાછળ પૂરના નિરીક્ષણ માટેની સિસ્ટમ (flood monitoring system failure)ની નિષ્ફળતા પણ જવાબદાર દેખાશે. ભયાનક પૂરના વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે 60 ફૂટ ઊંચાઈ ધરાવતો આ તીસ્તા 3 ડેમ ધોવાઈ જાય છે. આ ડેમની 1200 મેગાવોટ વીજળી પેદા કરવાની ક્ષમતા હતી અને તે રાજ્યનો સૌથી મોટો ડેમ હતો. આ ડેમનું નિર્માણ 2008માં શરૂ થયું હતું અને 2017માં તેનું કામ પૂરું થયું. તેની પાછળ 14000 કરોડનો ખર્ચ કરાયો હતો. 

સિક્કિમમાં મોટાપાયે વિનાશ માટે આ કારણો જવાબદાર હોઈ શકે... 

ફ્લડ મોનિટરિંગ સિસ્ટમ નિષ્ફળ રહી? 

સિક્કિમમાં નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (NDMA) દ્વારા 4 ઓક્ટોબરના રોજ જાહેર કરવામાં આવેલા નિવેદન અનુસાર 4 ઓક્ટોબરના રોજ બપોરના 1:30 વાગ્યે સાનકલાંગ સ્ટેશન ખાતે પાણીનું સ્તર 19 મીટર વધી ગયાની માહિતી આપવામાં આવી હતી. જોકે 3 ઓક્ટોબરના રોજ સવારના 10:00 વાગ્યે સેન્ટ્રલ વોટર કમીશન (CWC)ની વેબસાઇટ પર કોઈ રીડિંગ જોવા મળ્યું નહોતું. અહેવાલો અનુસાર તીસ્તા ડેમથી 20 કિ.મી. ઉપર ફ્લડ મોનિટરિંગ કરવાનું કાર્યાલય આવેલું છે. જો 3-4 ઓક્ટોબરે યોગ્ય રીતે મોનિટરિંગ કરાયું હોત તો કદાચ આ વિનાશની સચોટ ભવિષ્યવાણી કરી શકાઈ હોત અને પૂરતી તૈયારીઓ કરી શકાઈ હોત અને ડેમને તૂટતાં પણ બચાવી શકાયો હોત. બીજી બાજુ CWCની પૂર વિશે આગાહી કરતી વેબસાઇટ ઉપર પણ કોઈ માહિતી અપલોડ ન થઈ હતી. 

SANDRPએ વિગતવાર અહેવાલ ટ્વિટ કર્યો 

દિલ્હીમાં આવેલું એક એડવોકસી ગ્રૂપ SANDRP – South Asia Network on Dams, Rivers and People પાણીને લગતાં વિષયો પર પર કામ કરતું એક ઔપચારિક નેટવર્કનું સંગઠન છે. તે આ મામલે સ્વતંત્ર રીતે કામ કરે છે. તેણે સિક્કિમના પૂર વિશે ટ્વિટર પર વિગતવાર માહિતી શેર કરી હતી. તેણે જણાવ્યું હતું કે ગંગટોકની ઉત્તરે આશરે 90 કિ.મી. દૂર ચુંગથાંગ આવેલું છે અને ત્યાં મહત્ત્વપૂર્ણ ઈન્ફ્રાસ્ટક્ચરને નોંધનીય નુકસાન થયું હતું. સંરક્ષણ મંત્રાલયને જાણ કરાઈ હતી કે ઉત્તર સિક્કિમમાં બે બ્રિજને નુકસાન થયું હતું. તીસ્તા નદીમાં આવેલા પૂરને લીધે નેશનલ હાઇવે નંબર-10 પર વાહનોની અવર-જવર ઠપ થઈ ગઈ છે. 

ખતરો હંમેશાથી મંડરાઈ રહ્યો હતો? ધ્યાન કેમ ન અપાયું 

2014માં પણ અમેરિકામાં આવેલા પુલિત્ઝર સેન્ટર ઓન ક્રાઈસિસ રિપોર્ટિંગ દ્વારા એક અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો હતો. તેનું શીર્ષક  ‘Chungthang, Sikkim: A New Dam's Potential Impact’ હતું. આ અહેવાલમાં પણ ગ્લેશિયલ ફ્લડ, ભૂકંપ, પર્યાવરણની અસર વગેરે સહિત આવી જ મોટી હોનારત થવાના સંકેત આપવામાં આવ્યા હતા. સાઉથ લ્હોનાક લેક અંગે ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી, રુરકી (IIT Roorkee)  અને ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ, બેંગ્લોર (IISc Banglore) દ્વારા 2021માં રિસર્ચ કરવામાં આવ્યું હતું. તેમાં ગ્લેશિયલ લેક આઉટબર્સ્ટ ફ્લડ (GLOF) ની ઘટના બનશે તેવી આગાહી કરી દેવામાં આવી હતી.  ખાસ કરીને રિસર્ચરોએ દક્ષિણ લ્હોનાક લેક પર ખતરાને હાઈલાઈટ કર્યો હતો અને લેકના ફેલાવા અને તે ગમે ત્યારે તૂટી પડશે તેવી આગાહી કરતી વિગતો શેર કરી હતી.  સિક્કિમમાં આવેલો સાઉથ લ્હોનાક લેક દરિયાની સપાટીથી લગભગ 5200 મીટર ઊંચાઈએ હોવાથી ખતરો વધારે જ હતો. તે એવા 14 ખતરનાક સંભવિત તળાવોમાં સામેલ હતું જ્યાં ગ્લેશિયલ લેક આઉટબર્સ્ટ ફ્લડ (GLOF) ની ઘટના બની શકે તેમ હતી. 

10 વર્ષ પહેલાં ISROના વિજ્ઞાનીઓએ પણ આપી હતી ચેતવણી... 

સિક્કિમમાં આવેલી ભયાનક આપત્તિએ ભારે કેર વર્તાવ્યો. ક્લાઈમેટ ચેન્જને લીધે ગ્લેશિયર પીગળવાનું સૌથી વધુ જોખમ રહે છે. દરમિયાન 10 વર્ષ પહેલાં જ પ્રકાશિત ફેબ્રુઆરી 2013માં કરન્ટ સાયન્સ જર્નલ (Current Science" Journal) માં ISROના બે વૈજ્ઞાનિકો અને ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સના એક વૈજ્ઞાનિકનું રિસર્ચ પેપર સામે આવ્યું.  તેમાં જ તેમણે ચેતવણી ઉચ્ચારી હતી કે સિક્કિમનું સાઉથ લ્હોનલ ગ્લેશિયર પાછળ ખસી રહ્યું છે. તેના લીધે તેના ફાટવા અને તબાહી સર્જાવાની સંભાવના વધુ છે. હવે સવાલ એ છે કે શું આ ચેતવણી બાદ એજન્સીઓએ જરૂરી પગલાં ભર્યા હતા કે નહીં?  ફેબ્રુઆરી 2013 માં ડૉ. એસ.એન.રામ્યાએ  "Current Science Journal'' માં છપાયેલા આ રિસર્ચ પેપરમાં સેટેલાઈટના ડેટાનો હવાલો આપી કહ્યું હતું કે સિક્કિમનું લ્હોનાક ગ્લેશિયર 1962 થી 2008 વચ્ચે 1.9  કિ.મી. પાછળ જતું રહ્યું છે. તેના લીધે આ સરોવર તળાવ તૂટવા કે ફાટવાની આશંકા 42% છે. આ ખતરાને જોતાં જ અર્લી વોર્નિંગ સિસ્ટમ લગાવવી ખૂબ જ જરૂરી છે. 

રાજ્ય સરકારે પૂર્વ CM પવન ચામલિંગની સરકારને જવાબદાર ઠેરવી  

જોકે સિક્કિમમાં આભ ફાટવાને કારણે આવેલા ભીષણ પૂર (Sikkim South Lhonak Lake burst) માં ચુંગથાંગ ડેમના તૂટવા માટે રાજ્યની પૂર્વ સરકારને જવાબદાર ઠેરવાઈ રહી છે. સીએમ પ્રેમ સિંહ તમાંગે કહ્યું કે ચુંગથાંગ ડેમ તૂટવાનું કારણ અગાઉની રાજ્ય સરકાર દ્વારા કરાયેલું ઘટિયા નિર્માણ જવાબદાર છે. સિક્કિમના સીએમએ આ ત્રાસદી માટે પૂર્વ સીએમ પવન કુમાર ચામલિંગની સિક્કિમ ડેમોક્રેટિક ફ્રન્ટની સરકારના વાહિયાત નિર્માણ કાર્યને જવાબદાર ગણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે પવન ચામલિંગ સિક્કિમમાં 24 વર્ષમાં વધુ સમય સુધી સત્તામાં રહ્યા હતા. 

આંખ આડા કાનને કારણે તબાહી? સિક્કિમનો સૌથી મોટો 14000 કરોડનો ડેમ ધોવાયો, અનેક વખત હોનારતના મળ્યા હતા સંકેત 2 - image


Google NewsGoogle News