મિલિંદ દેવરા બાદ કોંગ્રેસને વધુ એક ઝટકો, આસામના દિગ્ગજ નેતાનું પણ રાજીનામું
આજે કોંગ્રેસમાંથી બે નેતાઓના રાજીનામાં બાદ પાર્ટીને મોટું નુકસાન માનવામાં આવી રહ્યું છે
Apurba Bhattacharya resigns : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા (Bharat Jodo Nyay Yatra) શરૂ થાય તે પહેલા જ કોંગ્રેસને આજે બે ઝટકા લાગ્યા છે. હજુ આજે સવારે જ મહારાષ્ટ્ર કોંગ્રેસના દિગ્ગજ નેતા મિલિંદ દવરાએ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હતું, ત્યારે હવે સૂત્રો દ્વારા સમાચાર મળી રહ્યા છે કે આસામમાં કોંગ્રેસના સેક્રેટરી પદેથી અપૂર્વ ભટ્ટાચાર્ય (Apurba Bhattacharya)એ રાજીનામું આપી દીધું છે.
આસામમાં આ પહેલા પણ કોંગ્રેસ નેતાઓ પાર્ટી છોડીને ભાજપમાં સામેલ થયા છે
અપૂર્વ ભટ્ટાચાર્ય એક દાયકા કરતા પણ વધારે સમયથી કોંગ્રેસમાં હતા. આજે કોંગ્રેસમાંથી બે નેતાઓના રાજીનામાં બાદ પાર્ટીને મોટું નુકસાન માનવામાં આવી રહ્યું છે ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા આસામ અને મહારાષ્ટ્રમાંથી પસાર થશે. આસામમાં કોંગ્રેસ પાર્ટીને એક પછી એક એમ સતત ઝટકા લાગી રહ્યા છે અને પાર્ટીના નેતાઓ પાર્ટી છોડીને ભાજપમાં સામેલ થઈ રહ્યા છે. ગયા વર્ષે જ પાર્ટીના બે દિગ્ગજ નેતા ભાજપ (BJP)માં જોડાયા હતા. આ રાજીનામું આપનારા બે નેતાઓમાં એક 2021માં બરહામપુર વિધાનસભા વિસ્તારમાંથી ચૂંટણી લડનારા નવાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિના પૂર્વ અધ્યક્ષ સુરેશ બોરા (Suresh Bora) હતા, તેમની સાથે આસામ પ્રદેશ યુવા કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ પોરિતુશ રૉયે (Poritush Roy) પણ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું.
કોંગ્રેસને એક જ દિવસમાં બે ઝટકા લાગ્યા
આજે કોંગ્રેસ પાર્ટીને એક જ દિવસમાં બે ઝટકા લાગ્યા છે જ્યાં પહેલા પાર્ટીના દિગ્ગજ નેતા અને પૂર્વ કેન્દ્રિય મંત્રી મિલિંદ દેવરાએ રાજીનામું આપી દીધું હતું. તેમણે પોતાના સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા આ માહિતી આપી હતી. મિલિંદ દેવરાએ સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું હતું કે 'આજે મારી રાજકીય કારકિર્દીનો એક મહત્ત્વનો અધ્યાય સમાપ્ત થયો છે. મેં કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. પક્ષ સાથે મારા પરિવારનો 55 વર્ષ જૂનો સંબંધ ખતમ થઈ ગયો છે અને હું બધા નેતાઓ, સહકાર્યકરો અને કાર્યકરોનો વર્ષોથી તેમના અતૂટ સમર્થન માટે આભારી છું.'