Get The App

અત્યાધુનિક અવતારમાં જોવા મળશે દૂરદર્શન-આકાશવાણી : ઈન્ફ્રાસ્ટ્રક્ચરના ખર્ચને મળી મંજૂરી

કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં DD-AIRની કાયાકલ્પની યોજના BINDને મંજુરી અપાઈ

DD-AIRના બ્રોડકાસ્ટીંગ સિસ્ટમ સહિત ઈન્ફ્રાસ્ટ્રક્ચરને બદલવા રૂ.2539.61 કરોડની યોજનાને મંજૂરી

Updated: Jan 4th, 2023


Google NewsGoogle News
અત્યાધુનિક અવતારમાં જોવા મળશે દૂરદર્શન-આકાશવાણી : ઈન્ફ્રાસ્ટ્રક્ચરના ખર્ચને મળી મંજૂરી 1 - image

નવી દિલ્હી, તા.04 જાન્યુઆરી-2023, બુધવાર

નવી દિલ્હીમાં વડાપ્રધાનના અધ્યક્ષસ્થાને કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં દુરદર્શન અને આકાશવાણીના ટેકનિકલ સામગ્રી સહિતના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને બદલવા 2500 કરોડ રૂપિયાથી વધુની મહત્વપૂર્ણ યોજનાને આજે મંજુરી અપાઈ હતી. આ યોજના હેઠળ આગામી 20 વર્ષમાં દુરદર્શન અને આકાશવાણીના ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં ફેરફાર કરી અદ્યતન ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરાશે.

કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં BIND યોજનાને મંજૂરી મળી

માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે બેઠકમાં થયેલી ચર્ચાની માહિતી આપતા જણાવ્યું કે, આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ પ્રસાર ભારતી એટલે આકાશવાણી (ઓલ ઈન્ડિયા રેડિયો) અને દૂરદર્શન (ડીડી)ના ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટે 2539.61 કરોડ રૂપિયાનો ખર્ચ ધરાવતી કેન્દ્રીય યોજના ‘ધ બ્રોડકાસ્ટિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ નેટવર્ક ડેવલપમેન્ટ’ (BIND)ના માહિતી અને પ્રસારણ મંત્રાલયના પ્રસ્તાવને મંજૂરી અપાઈ છે.

AIR અને DDને આધુનિક બ્રોડકાસ્ટીંગ સિસ્ટમથી સજ્જ કરાશે

અનુરાગ ઠાકુરે વધુમાં જણાવ્યું કે, આ યોજના હેઠળ દૂરદર્શન અને આકાશવાણીની ગુણવત્તાને શ્રેષ્ઠ બનાવાશે ઉપરાંત આધુનિક બ્રોડકાસ્ટીંગ સિસ્ટમથી સજ્જ કરાશે. ઠાકુરે કહ્યું કે, FM ટ્રાન્સમીટર સિસ્ટમને ડાબેરી ઉગ્રવાદ પ્રભાવિત વિસ્તારો, સરહદ અને દૂરના વિસ્તારોમાં અપગ્રેડ કરવામાં આવશે. ઉપરાંત જુના ટ્રાન્સમીટરના બદલે નવા ટ્રાન્સમીટર લગાવવામાં આવસે. વર્તમાન સમયમાં દૂરદર્શન 28 પ્રાદેશિક ચેનલો સહિત 36 ટીવી ચેનલોનું સંચાલન કરે છે અને ઓલ ઈન્ડિયા રેડિયો 500થી વધુ બ્રોડકાસ્ટિંગ સ્ટેશનોનું સંચાલન કરે છે. આ યોજના દેશમાં AIR FM ટ્રાન્સમિટર્સના કવરેજને 59 ટકાથી વધારીને 66 ટકા અને વસ્તી મુજબ 68 ટકાથી 80 ટકા સુધી વધારશે.

8 લાખ DD ફ્રી DTH બોક્સનું વિતરણ કરાશે

અનુરાગ ઠાકુરે જણાવ્યું કે, આ યોજના હેઠળ 8 લાખ ડીડી ફ્રી ડીટીએચ સેટ ટોપ બોક્સ દૂરના આદિવાસી, ડાબેરી ઉગ્રવાદ પ્રભાવિત અને સરહદી વિસ્તારોમાં રહેતા લોકોને આપવામાં આવશે. ભારત સરકાર દૂરદર્શન અને આકાશવાણી (પ્રસાર ભારતી)ના ટેકનિકલ સામગ્રી સહિતના ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સેવાઓના વિકાસ, આધુનિકીકરણ માટે તેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતી રહી છે અને આ એક સતત પ્રક્રિયા છે.


Google NewsGoogle News