યાત્રીગણ ધ્યાન દે...! ટ્રેનના પાટા કે પ્લેટફોર્મ પર જો ભૂલથી પણ આવું કર્યું તો થશો જેલભેગા
Railway Selfie Penalty in India: આપણે ઘણી વાર સાંભળ્યું છે કે, એક ક્ષણની બેદરકારી જીવનભરનો પસ્તાવો બની શકે છે. પરંતુ તેમ છતાં કેટલાક લોકો એવી હરકતો કરે છે જેનાથી તેમનો જીવ તો જોખમમાં મૂકાય જ છે પરંતુ બીજાનો જીવ પણ જઈ શકે છે. આપણે જોઈએ છીએ કે, સોશિયલ મીડિયા પર લોકો ટ્રેનના પાટા પર કે, પ્લેટફોર્મ કિનારે ઊભા રહીને સેલ્ફી લે છે. આ તસવીરના કારણે કદાચ થોડી ક્ષણ માટે વાહવાહી મળે છે, પરંતુ શું તમે જાણો છો કે, તે કેટલું ખતરનાક હોઈ શકે છે? તમે વિચારો કે, એક સેલ્ફી લેવા માટે તમે રેલવેના પાટા પર ઊભા છો અને તે જ સમયે તેજ રફ્તાર ટ્રેન આવી જાય છે, શું તમે એ ક્ષણની કલ્પના કરી શકો છો?
ટ્રેનના પાટા કે પ્લેટફોર્મ પર સેલ્ફી લેવી ભારે પડશે
ટ્રેનના પાટા કે પ્લેટફોર્મ કિનારે ઊભા રહીને સેલ્ફી લેવાના ચક્કરમાં જીવ ગુમાવ્યાના દર્દનાક સમાચારો દરરોજ વાંચીને પણ લોકો સજાગ નથી થઈ રહ્યા. જો તમને પણ આવો શોખ હોય તો સાવધાન થઈ જજો. ટ્રેનના પાટા અથવા પ્લેટફોર્મ પર સેલ્ફી લેતી વખતે જો તમે તમારા નસીબથી બચી પણ ગયા તો શું થશે? જો તમારો જીવ બચી પણ ગયો તો સ્માર્ટફોનથી સેલ્ફીની લત તમને ભારે પડી શકે છે. જો હવે તમે ભૂલથી પણ આવી હરકત કરતા પકડાયા તો તપાસ માટે પુરાવા તરીકે તમારો સ્માર્ટફોન પણ જપ્ત કરી શકાય છે. બીજી તરફ ઘણા કિસ્સાઓમાં તમારે દંડ ભરવો પડી શકે છે અથવા જેલભેગા થવું પડશે.
ભારતીય રેલવે અધિનિયમ 1989 પ્રમાણે રેલવે ટ્રેક અથવા પ્લેટફોર્મ કિનારે ઊભા રહીને સેલ્ફી લેવાના મામલે દંડ અને છ મહિના સુધીની જેલ થઈ શકે છે. રેલવેના વર્તમાન નિયમો અને કાયદાકીય જોગવાઈઓ પ્રમાણે જો કોઈ વ્યક્તિ રેલવે ટ્રેક અથવા પ્લેટફોર્મ કિનારે સેલ્ફી લેતા પકડાય તો તેને 1000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવે છે. આ ઉપરાંત છ મહિના સુધીની જેલની સજા પણ થઈ શકે છે. તેની સામે કોઈણ અપીલ પણ માત્ર રેલવે ટ્રિબ્યુનલમાં જ કરી શકાય છે.
રેલવે સ્ટેશન અને ટ્રેનના પાટા આસપાસ લાગુ હોય છે આ નિયમો
દેશના તમામ રેવલે જંકશન, સ્ટેશનો, હોલ્ટ વગેરે પરિસરમાં અને રેલવે લાઈન એટલે કે પાટાની આસપાસ રેલવે અધિનિયમ 1989 લાગુ થાય છે. આ રેલવે અધિનિયમમાં રેલવે સુરક્ષા સંબંધિત નિયમોનો ભંગ કરનાર માટે વિવિધ પ્રકારની સજા અને દંડની જોગવાઈ આપવામાં આવી છે.
'રેલવે અધિનિયમ 1989ની કલમ 145 અને 147માં એવા લોકો માટે દંડ અને સજાની જોગવાઈ છે જે રેલવેના દાયરામાં પોતાનો જીવ જોખમમાં મૂકીને સેલ્ફી લેતા પકડાય છે. આ કાયદા હેઠળ રેલવે પ્લેટફોર્મ પર રેલવે પાટા તરફ ઊભા રહીને સેલ્ફી લેવી એ ગંભીર ગુનો છે.'
યાત્રીગણ ધ્યાન દે...! ટ્રેનના પાટા કે પ્લેટફોર્મ પર ન લેવી સેલ્ફી
કોઈપણ પ્રકારના અકસ્માત, બિનજરૂરી પરેશાની અને ભીડથી બચવા માટે ટ્રેનના પાટા કે પ્લેટફોર્મ કિનારે ઉભા રહીને સેલ્ફી લેવાનું ટાળવું જરૂરી છે. રેલવે મંત્રાલય અને ભારતીય રેલવે વિવિધ જાહેરાતો, એનાઉન્સમેન્ટ, ચેતવણીઓ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા પણ સલામતી સંબંધિત અપીલ કરતી રહે છે. તેમાં રેલવે ટ્રેક અથવા પ્લેટફોર્મ કિનારે ઊભા રહીને સેલ્ફી લેવી એ પોતાના અને અન્ય મુસાફરોના જીવ માટે જોખમ હોવાનું જણાવાયું છે. રેલવે મુસાફરોને વારંવાર યાદ અપાવવામાં આવે છે કે આમ કરવું અસુરક્ષિત છે. આ સાથે જ રેલવે કાયદા પ્રમાણે તે સજાપાત્ર ગુનો પણ છે.