રાહુલ ગાંધી સાથે બેસીને અફવાઓ ફેલાવતા ના શીખો: અનુરાગ ઠાકુરનો અખિલેશને ટોણો
Anurag Thakur Vs Akhilesh Yadav: લોકસભામાં મંગળવારે બજેટ પર ચર્ચા દરમિયાન સપા પ્રમુખ અખિલેશ યાદવ અને બીજેપી સાંસદ અનુરાગ ઠાકુર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. મિલિટ્રી સ્કૂલમાં ભણવાના અખિલેશના નિવેદનના જવાબમાં અનુરાગ ઠાકુરે પણ વળતો પ્રહાર કરતા કહ્યું કે, “તમે માત્ર મિલિટ્રી સ્કૂલમાં જ ભણ્યા છો, આજે પણ હું ટેરિટોરિયલ આર્મીની 124 શીખ બટાલિયનમાં કેપ્ટન છું.”
અખિલેશ અગ્નિવીર પર બોલી રહ્યા હતા ત્યારે બીજેપી સાંસદ અનુરાગ ઠાકુરે તેમને અટકાવ્યા હતા. તેના પર અખિલેશ યાદવે કહ્યું કે, એક કામ કરીએ હું બેસી જાઉ છું, તમે ઉભા થઇને કહો કે, અગ્નિવીર સ્કીમ સારી છે. સામે પક્ષે ઠાકુરે કહ્યું કે, વન રેન્ક વન પેન્શનની લાંબા સમયથી ચાલી રહેલી માંગ અત્યાર સુધીની કોઈ સરકારે પૂરી ના કરી, પરંતુ નરેન્દ્ર મોદી સરકારે સત્તા પર આવતા જ આ વચન પાળ્યું છે. હું બીજી એક વાત કહું છું કે અગ્નિવીરમાં નોકરીની 100 ટકા ગેરંટી છે અને રહેશે.
અખિલેશ પર અનુરાગ ઠાકુરનો પલટવાર
અખિલેશે વધુમાં કહ્યું કે, મેં જે નાનકડો સવાલ પૂછ્યો હતો તે હતો કે, આજે યુપી અને અન્ય રાજ્યોમાં ક્વોટા કેમ આપવો પડી રહ્યો છે? હું પોતે પણ મિલિટ્રી શાળામાં અભ્યાસ કર્યો છે. હું ઘણા પરમવીર ચક્ર વિજેતાઓના નામ પણ ગણાવી શકું છું.
અનુરાગ ઠાકુરે સામે જવાબ આપ્યો કે, તમે માત્ર મિલિટ્રી સ્કૂલમાં ગયા છે. હું પોતે ટેરિટોરિયલ આર્મી 124 શીખ બટાલિયનમાં કેપ્ટન છું. અખિલેશ જી, માત્ર જ્ઞાન ન વહેંચશો. રાહુલ ગાંધી સાથે બેસીને અફવાઓ ફેલાવતા ન શીખો.
આ પણ વાંચો: સંસદમાં રાહુલના ભાષણ પર ફરી કાતર ચાલી, લોકસભાની કાર્યવાહીમાંથી હટાવાયા આ શબ્દો
અખિલેશ યાદવે અગ્નિવીર યોજના પર શું કહ્યું?
અખિલેશ યાદવે કહ્યું, અગ્નિવીર સ્કીમ માત્ર નામની જ છે. સેનાની તૈયારી કરી રહેલા કોઈપણ યુવક આ સ્કીમને સ્વીકારી શકે નહીં. આ જોબ સ્કીમ લોન્ચ થઈ ત્યારે મોટા-મોટા ઉદ્યોગપતિઓએ ટ્વિટ કર્યું હતું કે, અમે અમારી સંસ્થામાં નોકરી આપીશું. મોદી સરકાર પોતે પણ જાણે છે કે, આ સ્કીમ યોગ્ય નથી તેથી જ તમે તમારી રાજ્ય સરકારોને કહી રહ્યાં છો કે અગ્નિવીરમાંથી પરત આવી રહેલા યુવાનોને નોકરીમાં ક્વોટા આપો. આ તમારી નિષ્ફળતા છે.