Get The App

હિન્દુઓની આસ્થા સાથે રાજકારણ ના રમો

Updated: Oct 1st, 2024


Google NewsGoogle News
હિન્દુઓની આસ્થા સાથે રાજકારણ ના રમો 1 - image


- તિરુપતિ મંદિરના પ્રસાદના લાડુમાં જાનવરોની ચરબીનો દાવો કરનારા સીએમ ચંદ્રાબાબુનો સુપ્રીમે ઉધડો લીધો

- પુરાવા વીના જાહેરમાં ખોટા દાવા કેમ કર્યા? ભગવાનને તો રાજકારણથી દૂર રાખો : ભેળસેળવાળા ઘીનો ઉપયોગ થયો હોવાનું સાબિત થતું નથી 

- જરૂર નથી કે ફીશ ઓઇલ જ હોય, સોયાબીનનું તેલ પણ હોઇ શકે, સેંપલની એક જ વખત ચકાસણી કેમ કરાઇ? : સુપ્રીમના સવાલો

નવી દિલ્હી : આંધ્ર પ્રદેશના તિરૂપતિ મંદિરમાં પ્રસાદમાં અપાતા લાડવામાં પશુ ચરબીની ભેળસેળનો મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો હતો. જેની સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે ભગવાનને તો રાજકારણથી દૂર રાખો. આંધ્ર પ્રદેશ સરકાર અને તિરૂપતિ મંદિર તરફથી હાજર વકીલોને ટકોર કરતા સુપ્રીમે કહ્યું હતું કે લાડવામાં ભેળસેળવાળા ઘીનો ઉપયોગ થયો હતો તેના પુરાવા ક્યાં છે? જવાબમાં વકીલોએ કહ્યું હતું કે હાલ તપાસ ચાલી રહી છે, જેથી બાદમાં સુપ્રીમે ફટકાર લગાવી હતી અને કહ્યું હતું કે હાલ મામલો તપાસ હેઠળ છે તો તમારે પ્રેસ કોન્ફરંસ કરીને ભેળસેળના દાવા કરવાની શું જરૂર હતી? તમારે ધાર્મિક ભાવનાઓનું સન્માન કરવું જોઇએ. કમ સે કમ ભગવાનને તો રાજકારણથી દૂર રાખો.

આંધ્ર પ્રદેશના પ્રખ્યાત તિરુપતિ મંદિરમાં પ્રસાદના લાડવામાં વપરાયેલા ઘીમાં પશુ ચરબી, માછલીનું તેલ વગેરેની ભેળશેળ થઇ હોવાના દાવા નેતાઓ દ્વારા કરવામાં આવ્યા હતા, ખુદ આંધ્ર પ્રદેશ સરકાર અને મુખ્યમંત્રી પણ ભેળસેળના દાવા કરતા હતા. જેને પગલે સુપ્રીમ કોર્ટે આંધ્ર સરકાર અને મુખ્યમંત્રી નાયડુને આકરો સવાલ કરતા પૂછ્યું હતું કે ઘીમાં ભેળસેળના કોઇ પુરાવા જ તમારી પાસે નથી તો મીડિયા સમક્ષ જઇને ભેળસેળ હોવાના દાવા કેમ કર્યા? હાલ તપાસ ચાલી રહી છે તો પછી ભેળસેળના નિવેદનો કેમ આપ્યા? ભગવાનને તો રાજકારણથી દૂર રાખો.  સુપ્રીમ કોર્ટને જાણ કરાઇ હતી કે આ સમગ્ર લાડુના વિવાદ માટે ફરિયાદ દાખલ કરવામાં આવી કે એસઆઇટીની રચના કરવામાં આવી તે પહેલા જ મુખ્યમંત્રી ભેળસેળના દાવા કરવા લાગ્યા હતા. જેની નોંધ લઇને સુપ્રીમે ટકોર કરતા કહ્યું હતું કે બંધારણીય હોદ્દો ધરાવનારા પાસેથી એવી અપેક્ષા રાખી શકાય કે તેઓ ભગવાનને રાજકારણથી દૂર રાખે. સુપ્રીમના ન્યાયાધીશ બીઆર ગવઇ અને ન્યાયાધીશ કેવી વિશ્વનાથનની બેંચે કહ્યું હતું કે શું શ્રદ્ધાળુઓની લાગણીને ઠેસ પહોંચે તે પ્રકારના નિવેદનો આપી શકાય? ૨૫મી સપ્ટેમ્બરના રોજ આ મામલે ફરિયાદ દાખલ થાય છે, ૨૬મી સપ્ટેમ્બરે તપાસ માટે એસઆઇટીનું ગઠન કરાય છે ને તેના સપ્તાહ પહેલા ૧૮મી સપ્ટેમ્બરે મુખ્યમંત્રી પ્રસાદના લાડવામાં ભેળસેળનો દાવો કરે છે. તપાસ ચાલી રહી છે તો જાહેરમાં આવા દાવા કરવાની શું જરૂર પડી?

ભાજપના વરીષ્ઠ નેતા સુબ્રમણ્યમ સ્વામી, રાજ્યસભાના સાંસદ અને ટીટીડીના પૂર્વ અધ્યક્ષ વાઇવી સુબ્બા રેડ્ડી, ઇતિહાસકાર વિક્રમ સંપત, આધ્યાત્મિક પ્રવચન વક્તા દુષ્યંત શ્રીધર દ્વારા લાડવાના આ વિવાદને લઇને સુપ્રીમમાં અરજીઓ કરાઇ છે. જેની સુનાવણી દરમિયાન આંધ્ર પ્રદેશ સરકારના વકીલ મુકુલ રોહતગીએ દાવો કર્યો હતો કે સુપ્રીમમાં દાખલ થયેલી અરજીઓ સાચી નથી, અગાઉની સરકારો વર્તમાન સરકારને નિશાન બનાવવા માટે આ પ્રકારની અરજીઓ કરી રહી છે. તિરુપતિ મંદિર તરફથી વકીલ સિદ્ધાર્થ લુથરા હાજર રહ્યા હતા, જેમણે તપાસ ચાલી રહી છે તેવી જાણકારી સુપ્રીમને આપી હતી, જેથી સુપ્રીમે સવાલ કર્યો હતો કે ઘીમાં પશુ ચરબી કે અન્ય કોઇ પણ પ્રકારની ભેળસેળ છે તેના પુરાવા શું છે? વકીલે કહ્યું હતું કે અમે તપાસ કરી રહ્યા છીએ. બાદમાં ન્યાયાધીશ ગવઇએ સવાલ કર્યો હતો કે તો પછી તાત્કાલીક મીડિયા સમક્ષ નિવેદનો આપવાની શું જરૂર હતી. ધાર્મિક ભાવનાઓનું સન્માન જાળવો.

તિરુપતિ મંદિર વતી હાજર વકીલ લુથરાએ સુપ્રીમને જણાવ્યું હતું કે લોકોએ એવી ફરિયાદ કરી હતી કે લાડવાનો સ્વાદ ઠીક નથી, જવાબમાં ાુપ્રીમે સવાલ કર્યો કે જે લાડવાનો સ્વાદ ઠીક નહોતો તેને ચકાસણી માટે લેબમાં મોકલવામાં આવ્યા હતા? શું એ લાડવામાં કોઇ દૂષિત પદાર્થ છે કે કેમ તેની ચકાસણી કરી? લાડવામાં દૂષિત ઘી હોવાના કોઇ જ પુરાવા નથી, લેબના રિપોર્ટ પરથી પણ સ્પષ્ટ થાય છે કે જે ઘીની ચકાસણી કરાઇ હતી તે રિજેક્ટ કરેલુ હતું. જે ઘીના સેંપલ લેવાયા હતા તેનો જ ઉપયોગ લાડવામાં થયો હતો તેના કોઇ જ પુરાવા નથી, સેંપલમાં સોયાબીન તેલ પણ હોઇ શકે છે. જરૂરી નથી કે ફીશ ઓઇલ જ હોય. શું બીજો કોઇ અભિપ્રાય લેવામાં આવ્યો? જો શંકા જાય તો બીજો અભિપ્રાય લઇએ છીએ ને? તમે આવું કર્યું?

ચાર સેમ્પલમાં ભેળસેળ મળી : મંદિર સંચાલકો

તિરુપતિ મંદિર તરફથી હાજર વકીલે કહ્યું હતું કે જુન અને ૪ જુલાઇ સુધી ઘીના નમૂના તપાસ માટે નહોતા મોકલાયા, માત્ર ૬ અને ૧૨ જુલાઇના નમૂના ચકાસણી માટે મોકલાયા હતા. ૬ તારીખે બે ટેન્કર અને ૧૨ તારીખે બે ટેન્કરોમાંથી સેંપલ મોકલાયા હતા, તમામ ચાર સેંપલમાં સામે આવ્યું કે ઘીમાં ભેળસેળ હતી, ચીફ એક્ઝિક્યૂટિવ ઓફિસરે  માત્ર ૬ અને ૧૨ જુલાઇએ સપ્લાય થયેલા ટેન્કરો અંગે જ નિવેદન આપ્યું હતું, તે પહેલા એટલે કે ૪ જુલાઇ સુધી આ જ ટેન્કર દ્વારા ઘી પુરુ પડાયું હતું.  


Google NewsGoogle News