'ખબર નથી નીતીશનાં મનમાં શું છે ? અમે તો બધાને એક જૂથ રાખવા માગીએ છીએ' : કોંગ્રેસ પ્રમુખ ખડગે
- બિહારમાં વંટોળવેગે ઘટનાઓ બની રહી છે : તે અંગે પોતે તદ્દન અજાણ હોવાનું કહેતાં ખડગેએ જણાવ્યું નીતિશ જદયુ છોડશે તેની પણ ખબર નથી
નવી દિલ્હી, બેંગલુરૂ : બિહારમાં મચી રહેલાં રાજકીય ઘમસાણ વચ્ચે કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ શનિવારે કહ્યું હતું કે તેમની પાર્ટી બિહારનાં રાજકીય સંકટ વચ્ચે પણ ઇંડિયા ગઠબંધનમાં રહેલા મતભેદો દૂર કરી તેને એકજૂથ રાખવા માગીએ છીએ. આ સાથે તેઓએ કહ્યું નીતીશકુમાર જનતા દળ (યુ) છોડવાના છે, તે વિષે પણ અમને કોઈ માહિતી નથી. તેઓએ તેમ પણ કહ્યું કે મેં નીતીશકુમારને પત્ર લખ્યો છે અને તેમાં વાતચીત કરવા તેઓને અનુરોધ કર્યો છે.
એક રીપોર્ટ પ્રમાણે, કોંગ્રેસ પ્રમુખે પત્રકારોને કહ્યું હતું કે મને ખબર નથી પડતી કે નીતીશનાં મનમાં શું છે ? કાલે હું દિલ્હી જવાનો છું અને પૂરી માહિતી મેળવવાનો છું. જોઇએ શું થાય છે ? તેઓે વધુમાં કહ્યું કોંગ્રેસ તો ઇંડીયા ગઠબંધનમાં સૌને એક જૂથ રાખવા પૂરા પ્રયત્નઓ કરે છે. તૃણમૂલ કોંગ્રેસનાં સુપ્રીમો, મમતા બેનર્જી, અને સીપીઆઈ (એલ)ના મહામંત્રી સીતારામ યેચુરી સાથે પણ ચર્ચા કરી છે. મેં તેઓને (મમતા અને યેચુરીને) કહ્યું કે જો આપણે બધા એક જૂથ થઇશું તો જ (લોકસભા ચૂંટણીમાં) સારૃં યુદ્ધ આપી શકીશું. તેઓએ વધુમાં કહ્યું જે કોઈ તેમ ઇચ્છે કે ગઠબંધન સારૃં કામ કરે અને લોકતંત્રને બચાવી લેવાય તો તેણે ઉતાવળથી નિર્ણય લેવો ન જોઇએ.
તે સર્વવિદિત છે કે ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીમાં સીટ શેરિંગ ને લીધે ભારે ઘમાસાણ ચાલી રહ્યું છે.
આ પૂર્વે એક મીડીયા રીપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે બિહારના દિગ્ગજ નેતા અને મુખ્યમંત્રી નીતીશકુમાર, તેઓનાં પદ ઉપરથી આજે ત્યાગપત્ર આપી દે તેવી સંભાવના છે. કેટલાયે કોંગ્રેસ વિધાયકો, પણ તેઓની સાથે ત્યાગપત્ર આપી દેશે. જો કે આ રાજકીય ઉથલ પાથલ અંગે નીતીશે હજી સુધી મૌન સેવ્યું છે. છતાં તેવી અફવા ચાલી રહી છે કે નીતીશ ત્યાગપત્ર આપશે. અને ભાજપનાં સમર્થન સાથે નવી સરકાર રચશે.