'આટલો વીડિયો કટ કરીને વાઈરલ ન કરતા...', જાણો સંસદમાં વડાપ્રધાન મોદી આવું શા માટે બોલ્યા?
PM Modi in Lok Sabha : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે લોકસભામાં બંધારણ પરની ચર્ચાનો જવાબ આપતાં કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. આ દરમિયાન તેમણે ગાંધી પરિવાર પર બંધારણને ઠેસ પહોંચાડવાનો આરોપ પણ લગાવ્યો હતો. પોતાના સંબોધનમાં એક જગ્યાએ પીએમ મોદીએ વિપક્ષને કહ્યું હતું કે, હું બાબા સાહેબ આંબેડકરની વાત કરી રહ્યો છું, એ વીડિયોને કાપીને ફેરવતા નહીં. હકીકતમાં પીએમ મોદી લોકસભામાં ધર્મના આધારે બનેલા પર્સનલ લો બોર્ડ પર વાત કરી રહ્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે, કોંગ્રેસે સત્તા અને પોતાની વોટ બેંકને ખુશ કરવા માટે ધર્મના આધારે અનામતની રમત રમી છે.
વોટબેંકને ખુશ કરવા કોંગ્રેસે ધર્મના આધારે અનામત આપવાની નવી રમત રમી
કોંગ્રેસ પર પ્રહાર કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, 'સત્તાનું સુખ મેળવવા માટે, સત્તાની ભૂખ અને પોતાની વોટબેંકને ખુશ કરવા કોંગ્રેસે ધર્મના આધારે અનામત આપવાની નવી રમત રમી છે, જે બંધારણની ભાવના વિરુદ્ધ છે. હવે સુપ્રીમ કોર્ટ તરફથી આંચકાઓ લાગી રહ્યા છે તેથી તેઓ બહાના આપી રહ્યા છે કે, આ કરશું, પેલું કરીશું. તેથી સ્પષ્ટ છે કે તેઓ ધર્મના આધારે આરક્ષણ આપવા માંગે છે, તેથી રમતો રમાઈ રહી છે.' સમાન નાગરિક સંહિતાની ચર્ચા કરતી વખતે પીએમ મોદીએ કહ્યું હતું કે, બંધારણ સભાએ તેના પર ચર્ચા કરી હતી અને કહ્યું હતું કે જે કોઈ પણ સરકાર ચૂંટાઈ આવે તે UCC લાગુ કરે.
'અમે દેશની એકતા માટે બંધારણમાં ફેરફાર કર્યા', લોકસભામાં બોલ્યા વડાપ્રધાન મોદી
બાબા સાહેબે પર્સનલ લોને નાબૂદ કરવાની જોરદાર હિમાયત કરી હતી
UCC(Uniform Civil Code)ને લઈને પીએમ મોદીએ કહ્યું હતું કે, 'જે લોકો બંધારણને નથી સમજતા, જે દેશને નથી સમજતા, તેઓ નથી જાણતા કે બાબા સાહેબે શું કહ્યું હતું, હું બાબા સાહેબની વાત કરી રહ્યો છું, આટલો વીડિયો કાપીને ફેરવવા લાગશો નહીં. બાબા સાહેબે ધાર્મિક આધાર પર બનેલા પર્સનલ લોને નાબૂદ કરવાની જોરદાર હિમાયત કરી હતી. તત્કાલિન સભ્ય કેએમ મુનશીએ પણ કહ્યું હતું કે, રાષ્ટ્રીય એકતા અને આધુનિકતા માટે UCC જરૂરી છે. સુપ્રીમ કોર્ટે પણ ઘણી વખત કહ્યું છે કે દેશમાં જલ્દીથી જલ્દી UCC લાગુ થવું જોઈએ. બંધારણની ભાવનાને ધ્યાનમાં રાખીને અમે બિનસાંપ્રદાયિક નાગરિક સંહિતા લાવવા માટે સંપૂર્ણ શક્તિ સાથે કામ કરી રહ્યા છીએ. કોંગ્રેસના લોકો બંધારણના ઘડવૈયાઓ અને સુપ્રીમ કોર્ટની ભાવનાનો અનાદર કરી રહ્યા છે. કારણ કે તે તેમની રાજનીતિને અનુકૂળ નથી.'