Get The App

વિવાદિત માળખાને મસ્જિદ ના કહો, આવા સ્થળની ઇસ્લામમાં પણ મનાઇ છે : યોગી

Updated: Jan 11th, 2025


Google NewsGoogle News
વિવાદિત માળખાને મસ્જિદ ના કહો, આવા સ્થળની ઇસ્લામમાં પણ મનાઇ છે : યોગી 1 - image


- સનાતનમાં વિશ્વાસ રાખનારાનું કુંભમાં સ્વાગત, અટકચાળો કરશે તેને ભારે પડશે

- કોઇની શ્રદ્ધાને ઠેસ પહોંચાડી ઉભા કરાયેલા ઢાંચેથી કરાયેલી ઇબાદત ખુદા પણ નથી સ્વીકારતા : સીએમ

- આ દેશ મુસ્લિમ લીગની માનસિકતાથી નહીં ચાલે, પાંચ હજાર વર્ષ પહેલા ઇસ્લામ નહોતો : યોગીનો દાવો

પ્રયાગરાજ : ઉત્તર પ્રદેશના મહાકુંભ મેળાના સમગ્ર વિસ્તારનું મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા નિરિક્ષણ કરવામાં આવ્યું હતું, આ દરમિયાન તેમણે એક મોટુ નિવેદન આપ્યું હતું, તેમણે કહ્યું હતું કે કોઇ પણ વિવાદિત ઢાંચાને મસ્જિદ ના બોલવું જોઇએ. જે દિવસથી મસ્જિદ બોલવાનું બંધ કરી દઇશું તે દિવસથી લોકો જવાનું બંધ કરી દેશે. કોઇની આસ્થાને ઠેસ પહોંચાડીને ત્યાં મસ્જિદ કે તેના જેવો ઢાંચો ઉભો કરી નાખવો તે ઇસ્લામના સિદ્ધાંતોની વિરુદ્ધમાં છે. આવા કોઇ પણ સ્થળે થતી ઇબાદત ખુદા નથી સ્વીકારતા.

યોગીએ વધુમાં કહ્યું હતું કે ઇસ્લામ મુજબ ઉપાસના માટે કોઇ સ્ટ્રક્ચરની જરૂર નથી પડતી જ્યારે સનાતન ધર્મ મુજબ જરૂર પડે છે. 

સનાતની ઉપાસના માટે મંદિરે જશે, ઇસ્લામ માટે નથી, એવામાં કોઇ પણ ઢાંચાને મસ્જિદ બોલવાની જીદ ના કરવી જોઇએ. 

આ સમય એક નવા ભારત અંગે વિચારવાનો અને આ વિચાર સાથે આગળ વધવાનો છે. યોગી આદિત્યનાથ મહાકુંભની તૈયારીના પરીક્ષણ માટે પ્રયાગરાજ આવતા રહે છે. તેઓ અગાઉ પણ અહીંયા આવી ચુક્યા છે. 

એવી અટકળો હતી કે મહાકુંભમાં મુસ્લિમોના પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ અંગે જવાબ આપતા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું હતું કે જે પણ વ્યક્તિને ભારતની સનાતન પરંપરામાં વિશ્વાસ હોય તેઓ મહાકુંભમાં સામેલ થાય. જે લોકોની માનસિકતા ખોટી છે તેઓ અહીંયા ના આવે. કઇ પણ ખોટુ કરતા પકડાયા તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. 

યોગીએ સંભલ અંગે ફરી નિવેદન આપ્યું હતું, તેમણે કહ્યું હતું કે કેટલાક લોકોએ સંભલ જિલ્લાથી વધુની જમીન વકફની હોવાનો દાવો કરી નાખ્યો છે. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે આપણા પુરાણોંમાં પાંચ હજાર વર્ષ પહેલા જ ઉલ્લેખ કરાયો છે કે સંભલમાં હરિ વિષ્ણુના દસમો અવતાર કલકીના સ્વરુપમાં થશે. સંભલમાં જે કઇ હાલ જોવા મળી રહ્યું છે તે સનાતન ધર્મ સાથે જોડાયેલુ છે. પાંચ હજાર વર્ષ પહેલા ધરતી પર ઇસ્લામ નહોતો, તે સમયે માત્ર સનાતન ધર્મ જ હતો. જો તે સમયે ઇસ્લામ હતો જ નહીં તો જામા મસ્જિદનો ઉલ્લેખ કેવી રીતે હોઇ શકે. મુસ્લિમ લીગની માનસિકતાથી આ દેશ નહીં ચાલે.


Google NewsGoogle News