રામ મંદિરને બે દિવસમાં રૂ. 3.17 કરોડનું દાન, દર્શનનો સમય લંબાવ્યો
- રામલલાના દ્વાર રાત્રે 11 વાગ્યા સુધી ખુલ્લા રહેશે
- વીવીઆઇપી લોકોને 10 દિવસ માટે અયોધ્યા ન આવવા અપીલ, ભારે ભીડને કારણે અયોધ્યાની બસો પર રોક
- ધસારો વધતા મંદિરથી પાંચ કિમી પહેલા વાહનો અટકાવવા પડયા, પગપાળા જતા લોકોને દર્શન માટે પ્રાથમિક્તા
અયોધ્યા : અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા બાદ મંદિરને દર્શન માટે ખુલ્લુ મુકવામાં આવ્યું છે. ૨૩મી તારીખે મંદિરના દર્શન કરવા માટે ત્રણ લાખથી વધુ લોકો આવ્યા હોવાનું ટ્રસ્ટે કહ્યું હતું, ભારે ભીડને કારણે અફડા તફડી જેવો માહોલ જોવા મળ્યો હતો. આ સ્થિતિ વચ્ચે હવે રામ મંદિર રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે કે રાત્રે ૧૧ વાગ્યા સુધી પણ લોકો માટે રામ મંદિરના દ્વાર ખુલ્લા રાખવામાં આવશે. હાલ ભારે ધસારો થતા રામલલાના દર્શનનો સમય લંબાવી દેવામાં આવ્યો છે. સાથે જ અન્ય એક મહત્વનો નિર્ણય વીઆઇપી લોકો માટે લેવાયો છે.
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વીવીઆઇપી લોકોને કહ્યું છે કે તેઓ હાલ આગામી ૧૦ દિવસ સુધી અયોધ્યા ના આવે અને આમ નાગરિકોને દર્શનની પહેલા તક આપે. રામ ભક્તો માટે મંદિર સવારે ૭ વાગ્યાથી રાત્રીના ૧૧ વાગ્યા સુધી ખુલ્લુ રાખવામાં આવશે. જો વીઆઇપી લોકો અયોધ્યામાં આવે તો તેની જાણકારી પ્રશાસન અને મંદિરના ટ્રસ્ટને આપવાની રહેશે. મંગળવારે ત્રણ લાખથી વધુ લોકોએ મંદિરમાં રામલલાના દર્શન કર્યા હતા, ભારે અફડા તફડીને કારણે મુખ્યમંત્રી યોગી અયોધ્યા પહોંચ્યા હતા. જોકે હાલમાં વ્યવસ્થાને કાબુમાં કરી લેવામાં આવી છે. અયોધ્યા પ્રશાસને કહ્યું છે કે સ્થિતિ કાબુમાં છે. ત્રણ લેયરની સુરક્ષા વધારવામાં આવી છે. વ્યવસ્થામાં થોડા ફેરફાર કરાયા છે, એક લાઇન દર્શન કરનારાની રાખી છે જ્યારે બીજી લાઇન દર્શન કરીને બહાર નિકળનારાની રાખી છે.
કાયદો અને વ્યવસ્થાના ડીજી પ્રશાંત કુમારને અયોધ્યામાં જ હાલ રોકવામાં આવ્યા છે. તેઓ ખુદ દર્શનની વ્યવસ્થાની જવાબદારી જોઇ રહ્યા છે. ભારે ભીડને કારણે અયોધ્યા જનારી તમામ ઉત્તર પ્રદેશ રોડવેઝની બસોને હાલમાં રોકી દેવામાં આવી છે. મંદિર તરફ જનારા તમામ રોડને ચારથી પાંચ કિમી અગાઉ જ બંધ કરી દેવામાં આવ્યા છે. માત્ર પગપાળા જનારા યાત્રાળુઓને જ પ્રવેશની અનુમતી આપવામાં આવી છે. મંદિર દર્શન માટે ખુલતા જ દાનનું પ્રમાણ પણ વધી ગયું છે. મંદિરમાં પ્રથમ બે દિવસમાં જ ૩.૧૭ કરોડ રૂપિયાનું દાન આવ્યું છે. આ દાનમાં પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે આવેલા મહેમાનો દ્વારા આપવામાં આવેલા દાનનો પણ સમાવેશ થાય છે. પ્રાણ પ્રતિષ્ઠા બાદ આમ ભક્તો દ્વારા ૨૩મીએ આશરે ૧૦ લાખ રૂપિયાનું દાન આપવામાં આવ્યું હતું. ભક્તોને કારણે માત્ર મંદિર જ નહીં અયોધ્યા અને ઉત્તર પ્રદેશને પણ આર્થિક લાભ થવા લાગ્યો છે.