શું માતા-પિતા તેમના બાળકોને ધાર્મિક સંસ્થા કે ગુરુને 'દાન'માં આપી શકે છે? જાણો, શું કહે છે કાયદો?
13 જાન્યુઆરી, 2025થી ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં મહા કુંભની શરુઆત થવા જઈ રહી છે. ભવ્યાતિભવ્ય ધાર્મિક મેળાવડો શરુ થાય એ પહેલાં જ ત્યાં દેશભરમાંથી આવી રહેલા અખાડાઓનો જમાવડો શરુ થઈ ગયો છે. દરમિયાન ત્યાં એક એવો બનાવ બન્યો કે જેને લીધે કંઈક વિશેષ કહેવાય એવી ચર્ચા શરુ થઈ ગઈ છે. ચાલો, વિષયમાં ઊંડા ઊતરીએ.
શું ઘટના બની?
બન્યું એવું કે આગ્રાના એક પરિવારે તેમની 13 વર્ષની પુત્રીને જૂના અખાડામાં દાનમાં આપી દીધી. છોકરીને જાણે નવો જન્મ મળ્યો હોય એમ એનું નામ પણ બદલી દેવાયું હોવાના અહેવાલ છે. આ બધામાં છોકરીની સહમતિ હોવાનું કહેવાઈ રહ્યું છે, એની સાથે એના પરિવારે કોઈ બળજબરી કરી નથી. પરંતુ સવાલ એ થાય એમ છે કે, શું બાળકોને કોઈ સંસ્થા કે અખાડાને ‘દાન’ તરીકે આપી શકાય ખરું? આ બાબતમાં દેશનો કાયદો શું કહે છે?
કાયદામાં સ્પષ્ટ મનાઈ છે, છતાં…
બાળકોને ‘દાન’માં આપવું તો બહુ દૂરની વાત, બાળકના નામે જે કોઈ સંપત્તિ હોય એ પણ દાનમાં આપી શકાતી નથી. બાળક/સગીરના અધિકારોનું રક્ષણ કરવા માટે સમગ્ર વિશ્વમાં કાયદાઓ બનાવવામાં આવ્યા છે. પરંતુ તેમ છતાં દુનિયાભરના દેશોમાં કાચી વયના બાળકો/સગીરો ધાર્મિક સંસ્થાઓ સાથે જોડાતા રહે છે. કયા કારણે?
સત્તાધીશો આંખ આડા કાન કરે છે, કારણ કે…
બાળકોને ‘દાન’માં ન આપવાની વાત ફક્ત સિદ્ધાંતની બાબત છે. હકીકત એ છે કે વિશ્વના લગભગ તમામ દેશોની ધાર્મિક સંસ્થાઓમાં બાળકો/સગીરો પ્રવેશ મેળવી રહ્યા છે. સરકાર કાયદાનો હવાલો આપીને આમ થતાં રોકી શકે એમ છે, પણ જનસમુદાય નારાજ થઈ જાય તો વોટ બૅંકને અસર પડે એમ હોવાથી સત્તાધીશો આ નાજુક મુદ્દે કોઈપણ પ્રકારના પગલાં લેતા નથી.
બહુ જૂની પરંપરા છે
મધ્યયુગીન યુરોપમાં ગરીબ પરિવારો તેમના બાળકોને વારંવાર ચર્ચમાં મોકલતા હતા. પરિવારો પાસે બાળકોને ઉછેરવા માટે ખાસ સંસાધનો નહોતા. ધાર્મિક સંસ્થાઓ પાસે નાણાંની કમી નહોતી. તેમને તેમની સંસ્થા ચલાવવા માટે લોકોની જરૂર હતી. તેથી તેઓ ગરીબ બાળકોને તેમની સંસ્થામાં ભરતી કરી લેતાં અને બાળપણથી જ ધાર્મિક રીત-રસમો શીખવતા. આવા બાળકો તેમના જીવનના અંત સુધી ચર્ચની મિલકત બની રહેતા.
જૂની પરંપરા હવે અપ્રસ્તુત બની ગઈ છે
એ જમાનામાં ચર્ચમાં છોકરાઓ અને છોકરીઓ બંને સામેલ થતા. ચર્ચ તેમના માટે આશ્રય અને આજીવિકાનું સાધન બની જતું. ઉપરાંત તેમને ઉચ્ચ સામાજિક દરજ્જો પણ મળતો, જે તેમના માટે અન્ય કોઈ રીતે શક્ય ન હતો. અલબત્ત, આ વાત હવે જૂની થઈ ચૂકી છે. હવે ખ્રિસ્તી સમુદાયમાં પણ 18 વર્ષથી ઓછી ઉંમરની વ્યક્તિને ધાર્મિક સંસ્થાઓમાં સંપૂર્ણપણે સ્વીકારવામાં આવતી નથી. આ માટે શારીરિક અને માનસિક રીતે પરિપક્વતા હોવી ફરજિયાત છે.
બાળકોના સમાવેશ માટે આવો તર્ક અપાય છે
ધાર્મિક સંસ્થામાં સામેલ થઈ જતા બાળકના કેસમાં એવું દર્શાવવામાં આવે છે કે બાળક શરુઆતથી જ આધ્યાત્મિકતામાં રસ ધરાવતું હતું, તેથી તેનો સ્વીકાર કરવામાં આવ્યો છે. પરંતુ આટલા ગંભીર મુદ્દે આવો તર્ક પૂરતો છે?
શું કહે છે કાયદો?
દેશનો કાયદો કહે છે કે આટલી ગંભીર બાબતમાં બાળકની સંમતિ ચાલી શકે નહીં. તેની ગમે તેવી ઇચ્છા કેમ ન હોય, માતા-પિતા તેની ઇચ્છાને માન આપવાના બહાને બાળકને કોઈને દાન ન આપી શકે. જો માતાપિતા આ કાયદાનો ભંગ કરે તો પછી BNS(ભારતીય ન્યાય સંહિતા, અગાઉનું IPC)ની કલમ 93 અંતર્ગત તેમને સાત વર્ષની જેલની સજા થઈ શકે છે.
આ પણ વાંચો: 7 ફૂટ લાંબી જટાધારી બાબા આકર્ષણનું કેન્દ્ર, 40 વર્ષથી વાળ નથી કપાવ્યા
કાયદાની સ્પષ્ટ મનાઈ છતાં બાળકોને ધાર્મિક સંસ્થાઓને કેવી રીતે સોંપવામાં આવે છે?
બાળકો જ નહીં, કોઈપણ વયના કોઈપણ માણસનું દાન કરવાની છૂટ કાયદો આપતો નથી. બાળકોને ધાર્મિક સંસ્થાઓને ‘દાન’માં તો નથી આપી શકાતા, પણ દત્તક આપી શકાય છે, અને આ જ છૂટનો ઉપયોગ આ બાબતે કરવામાં આવે છે. બાળકને દત્તક આપવા માટે કાયદાકીય કાગળો તૈયાર કરવા પડે છે, જેમાં વાલી તરીકે ધાર્મિક સંસ્થાના નામનો ઉલ્લેખ કરવામાં આવે છે. બાળકની સંપૂર્ણ સંભાળ રાખવાની જવાબદારી સંસ્થા લે છે અને તેની સાથે કોઈ અપ્રિય ઘટના કે અકસ્માત થાય તો તેની જવાબદારી પણ સંસ્થાની જ રહે છે. ટૂંકમાં, સંસ્થા જ બાળકની વાલી/માતાપિતા બની જાય છે.
‘બાળકની શરણાગતિ’ પણ એક રસ્તો છે
માતાપિતા અત્યંત ગરીબ હોય, બાળકને સારું જીવન આપી શકવા સમર્થ ન હોય, શારીરિક અથવા માનસિક રીતે બીમાર હોય અને તેમણે બાળકને કોઈ સંસ્થાને આપી દેવું હોય તો એક બીજો રસ્તો પણ છે. આવા કિસ્સામાં એક બાળ કલ્યાણ સમિતિની રચના કરવામાં આવે છે, જે સમગ્ર કેસની તપાસ કરીને બાળક અને માતાપિતાનું કાઉન્સેલિંગ કરે છે. એ પછી બાળકને યોગ્ય અનાથાશ્રમને સોંપવામાં આવે છે. આ પ્રકારે ‘બાળકની શરણાગતિ’ કરતી વખતે પણ એ બાબતનું લખાણ કરવામાં આવે છે કે અનાથાશ્રમમાં બાળકને બહેતર જીવનધોરણ પૂરું પાડવામાં આવશે અને એનું યોગ્ય ભણતર થશે.
બાળકોના રક્ષણ માટે છે અલગ નિયમો
આપણા દેશમાં ‘જુવેનાઇલ જસ્ટિસ (કેર ઍન્ડ પ્રોટેક્શન) ઍક્ટ, 2015’ છે. જે અંતર્ગત બાળકોને બળજબરીથી ધાર્મિક પ્રવૃતિઓમાં સામેલ કરવું ગુનો બને છે. બાળકોને ધાર્મિક સ્થળોએ કામ કરવા માટે મોકલવામાં આવે તો તે પણ બાળ મજૂરી ગણાઈ છે અને ગુનાપાત્ર ઠરે છે. બાળકો/સગીરોને સંન્યાસ આપવો પણ ગુનો બને છે. અલબત્ત, આ મુદ્દો ખૂબ સંવેદનશીલ હોવાથી દેશમાં 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો પણ સંપૂર્ણપણે ધર્મ સાથે સંકળાતા રહે છે અને કોઈ વિરોધ કરતું નથી.
બીજા દેશોમાં કેવા છે કાયદા?
દુનિયાના તમામ દેશોમાં બાળ કલ્યાણના કાયદા ચલણમાં છે. મોટાભાગના દેશોમાં અને ધર્મોમાં બાળકોને કોઈ ધાર્મિક ગુરુને કે સંસ્થાને સોંપી કે દાન કરી શકાતા નથી. બૌદ્ધ ધર્મને અનુસરતા ઘણા દેશોમાં બાળકો મઠોમાં રહેતા હોય છે, પરંતુ એ વ્યવસ્થા એમના શિક્ષણ માટે કરવામાં આવી હોવાનું કહેવાય છે.