ભારત પર આજથી ટ્રમ્પનો 26% ટેરિફ લાગુ, જાણો કઈ-કઈ વસ્તુની નિકાસ પર થશે અસર?
Donald Trump 26% Tariff on India: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા આશરે 180 દેશો પર રેસિપ્રોકલ ટેરિફ લાદી દીધો છે, જે આજથી લાગુ થઈ જશે. ટ્રમ્પે ભારત પર પણ 26% ટેરિફ લાદ્યો છે. ભારત પર લાદવામાં આવેલા આ ટેરિફના કારણે અમેરિકામાં નિકાસ થતી દરેક ભારતીય વસ્તુ પર 26% ડ્યુટી વસૂલવામાં આવશે. એવું કહેવાય છે કે, આ ટેરિફની ભારત પર અનેક સ્તરે અસર પડી શકે છે.
અમેરિકામાં ભારતીય માલ પર 26% ટેરિફ
અમેરિકામાં ભારતીય માલ પર 26% ટેરિફ લાદવામાં આવ્યો છે. જેની અસર ભારત પણ ઘણાં સ્તરે જોવા મળશે. અમેરિકામાં ભારતીય માલ પર 26% ટેરિફ લાદવાથી, તે માલના ભાવ ચોક્કસપણે વધશે. જેના કારણે ત્યાં ઓછા ટેરિફ લાદેલા છે એવા દેશોની સરખામણીમાં ભારતીય પ્રોડક્ટની માગ ઓછી થઈ શકે છે. ભારત ખાસ કરીને ઈલેક્ટ્રોનિક્સ, રત્નો અને ઝવેરાત, ઓટોમોબાઇલ્સ અને કાપડ જેવી વસ્તુઓની નિકાસ કરે છે.
ભારતમાંથી ફાર્મા પ્રોડ્કટની નિકાસ વધુ
ટ્રમ્પના રેસિપ્રોકલ ટેરિફની દવાઓ પર સૌથી વધુ અસર પડશે. સસ્તી દવાઓ ભારતથી અમેરિકા જાય છે. અમેરિકા ભારતમાંથી 12 અબજ ડૉલરથી વધુ કિંમતની દવાઓ અને ફાર્મા ઉત્પાદનોની આયાત કરે છે. 2023-24માં ભારતનો અમેરિકા સાથેનો દવાનો વેપાર 35.32 અબજ ડૉલર સરપ્લસ હતો, જે ટેરિફ દ્વારા ઘટાડી શકાય છે એવું ટ્રમ્પ માને છે.
વાણિજ્ય મંત્રાલયે જાહેર કર્યા આયાત-નિકાસના આંકડા
વાણિજ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, ભારતની નિકાસ $73.7 બિલિયન છે જ્યારે અમેરિકાથી આયાત $39.1 બિલિયન છે. જો કે, યુએસ સરકારના આંકડા આનાથી અલગ છે. અમેરિકાના ડેટા દર્શાવે છે કે ભારતની નિકાસ $91.2 બિલિયન અને આયાત $34.3 બિલિયનની છે. અમેરિકા સાથે વ્યાપાર કરવો એ ભારત માટે નફાકારક સોદો રહ્યો છે કારણ કે તેની આયાત ઓછી છે અને નિકાસ વધુ છે. એવામાં હવે ટેરિફના કારણે નિકાસ ઘટી શકે છે.
ભારતમાં સરેરાશ ટેરિફ સૌથી વધુ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ વચ્ચેની મિત્રતા જાણીતી છે. બંને એકબીજાને સારા મિત્રો કહે છે. 'હાઉડી મોદી' અને 'નમસ્તે ટ્રમ્પ' રેલીઓને પણ આના મજબૂત ઉદાહરણો માનવામાં આવે છે. પરંતુ ટ્રમ્પે અનેક વખત ભારતને ટેરિફ કિંગ ગણાવ્યું છે. ટ્રમ્પે કહ્યું હતું કે ભારત ખૂબ ઊંચા ટેરિફ લાદે છે અને ખૂબ જ ક્રૂર છે. આવી સ્થિતિમાં, ટ્રમ્પે ભારત પર 26 % રેસિપ્રોકલ ટેરિફ લાદ્યો છે.
ભારત અમેરિકામાં સમાન માલ પર 5.29% ટેરિફ ચૂકવતું હતું
વિશ્વ વેપાર સંગઠન (WTO) ના ડેટા અનુસાર, ભારતમાં સરેરાશ ટેરિફ સૌથી વધુ છે એટલે કે સરેરાશ ટેરિફ 17 % છે, જ્યારે અમેરિકામાં તે માત્ર 3.3 % છે. ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઇનિશિયેટિવ(GTRI)ના અહેવાલ મુજબ, ભારતમાં અમેરિકાથી આવતી ખાદ્ય ચીજો, માંસ અને પ્રોસેસ્ડ ફૂડ પર 37.66 % ટેરિફ વસૂલવામાં આવે છે, જ્યારે ભારત અમેરિકામાં સમાન માલ પર 5.29 % ટેરિફ ચૂકવતું હતું.
અત્યાર સુધી, ભારત ઓટોમોબાઈલ પર 24.14 % ટેરિફ લાદી રહ્યું છે જ્યારે અમેરિકા 1.05 % ટેરિફ લાદી રહ્યું છે. ભારત દારૂ પર 124.58 % ટેરિફ વસૂલ કરે છે જ્યારે અમેરિકા 2.49 % ટેરિફ વસૂલ કરે છે. અમેરિકામાં સિગારેટ અને તમાકુ પર 201.15 % અને ભારતમાં 33 % ટેરિફ છે.
આ પણ વાંચો: ટેરિફ વૉરથી અમેરિકાને જબરદસ્ત ફાયદો, ટ્રમ્પે કહ્યું - દરરોજ 2 બિલિયન ડૉલરની આવક થઈ
અમેરિકાની વેપાર ખાધ ઘટાડવા ટ્રમ્પે ભર્યું આ પગલું
ટ્રમ્પ માને છે કે ટેરિફની મદદથી અમેરિકાની વેપાર ખાધ ઘટાડી શકાય છે. વેપાર ખાધ એ એવી સ્થિતિ છે જ્યારે કોઈ દેશ બીજા દેશ પાસેથી વધુ આયાત કરે છે પરંતુ નિકાસ ઓછી કરે છે. ભારત અને અમેરિકા વચ્ચે લગભગ $45 બિલિયનની વેપાર ખાધ છે.