સૌથી મોટું કૌભાંડ છે USAID: અમેરિકાનું ફંડિંગ બંધ થવા મુદ્દે PM મોદીના સલાહકારનો પલટવાર
DOGE funding India: અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની સરકારમાં DOGE વિભાગનું નેતૃત્વ કરી રહેલા ઈલોન મસ્ક ઉતાવળા નિર્ણયો લઈ રહ્યા છે. આ સંદર્ભમાં, DOGE એ ભારતમાં મતદાન વધારવા માટે નિર્ધારિત ભંડોળ રદ કરી રહ્યું હોવાની જાહેરાત કરતા બંને દેશો વચ્ચે વિવાદ વધ્યો છે. સરકાર, ઈલેક્શન કમિશ્નર, અને શાસક પક્ષ DOGEના આ દાવાઓને ખોટા ઠેરવી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આર્થિક સલાહકાર સંજીવ સાન્યાલે આ મુદ્દે સામો પ્રશ્ન પૂછ્યો છે કે, ભારતમાં મતદાન વધારવા માટે DOGE દ્વારા ખર્ચ કરવામાં આવેલા 2.1 કરોડ યુએસ ડૉલર કોને મળ્યા?
માનવ ઇતિહાસનું સૌથી મોટું કૌભાંડ
સાન્યાલે આ મુદ્દા પર શંકા વ્યક્ત કરતા USAIDને "માનવ ઇતિહાસનું સૌથી મોટું કૌભાંડ" ગણાવ્યું છે. તેમણે X પર પોસ્ટ કરી છે કે, હું એ જાણવા માટે ખૂબ જ ઉત્સુક છું કે ભારતમાં મતદાન વધારવા માટે ફાળવવામાં આવેલા 2.1 કરોડ ડૉલર કોને આપવામાં આવ્યા? તદુપરાંત બાંગ્લાદેશના રાજકીય લેન્ડસ્કેપને મજબૂત બનાવવા 2.9 કરોડ ડૉલર અને નેપાળમાં 'ફિસ્કલ ફેડરલિઝમ' સુધારવા માટે 2.9 કરોડ ડૉલરનું ફંડ કોના ખાતામાં ગયું? USAID એ માનવ ઇતિહાસનું સૌથી મોટું કૌભાંડ છે.
DOGEની જાહેરાત બાદથી વિવાદ વકર્યો
DOGEએ રવિવારે તેની પોસ્ટમાં લખ્યું હતું કે કેટલીક એવી વસ્તુઓ કે જેના પર અમેરિકન કરદાતાઓના પૈસા ખર્ચ થઈ રહ્યા છે, તેને રદ કરવામાં આવી છે. જેમાં ભારતમાં મતદાન વધારવા હેતુ ફાળવવામાં આવતું 2.1 કરોડ ડૉલરનું ફંડ પણ સમાવિષ્ટ છે. તદુપરાંત 'કન્સોર્ટિયમ ફોર ઈલેક્શન્સ એન્ડ પોલિટિકલ પ્રોસેસ સ્ટ્રેથનિંગ' હેઠળ મોલ્ડોવાનો સમાવેશ અને પાર્ટનરશીપ હેઠળની રાજકીય પ્રક્રિયા માટે 2.2 કરોડ ડૉલરનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચોઃ સામ પિત્રોડાનું નિવેદન વ્યક્તિગત: ચીન મુદ્દે વિવાદ બાદ કોંગ્રેસની સ્પષ્ટતા
પૂર્વ ચીફ ઈલેક્શન કમિશ્નરે પણ દાવો નકાર્યો
ભારતના ભૂતપૂર્વ મુખ્ય ચૂંટણી કમિશ્નર (CEC) એસવાય કુરેશીએ DOGEના ભારતને 2.1 કરોડ ડૉલરનું ફંડ આપ્યું હોવાનો દાવો નકાર્યો છે. તેમણે કહ્યું કે, હું જ્યારે ચૂંટણી પંચનો ચીફ હતો ત્યારે ECIએ 2012માં IFES ઈન્ટરનેશનલ ફાઉન્ડેશન ફોર ઈલેક્ટોરલ સિસ્ટમ્સ સાથે કરાર કર્યો હતો, પરંતુ આ કરાર માત્ર તાલીમ સંબંધિત હતો, જેમાં કોઈ ફંડની વાત ન હતી. તેમાં કોઈપણ પ્રકારની નાણાકીય સહાય અથવા નાણાકીય વચનનો સમાવેશ થયો હતો.
ભાજપનું કડક વલણ
DOGEના આ પગલા પર ભાજપે પણ આકરી પ્રતિક્રિયા આપી છે. પાર્ટીના આઇટી સેલના વડા અમિત માલવિયે જણાવ્યું કે ભારતની ચૂંટણી પ્રક્રિયામાં બહારની દખલગીરી સહન કરવામાં આવશે નહીં. 2.1 કરોડ ડૉલરની આ રકમ કોને આપવામાં આવી? ચોક્કસપણે શાસક પક્ષને આનાથી કોઈ ફાયદો થયો નથી. ઉલ્લેખનીય છે, હાલમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે દ્વિપક્ષીય બેઠક કરી હતી.