દેશમાં 30 લાખ લોકોને કૂતરા કરડ્યા, કેટલા લોકોએ જીવ ગુમાવ્યો ? સંસદમાં સરકારે આપ્યો જવાબ

Updated: Jul 31st, 2024


Google NewsGoogle News
દેશમાં 30 લાખ લોકોને કૂતરા કરડ્યા, કેટલા લોકોએ જીવ ગુમાવ્યો ? સંસદમાં સરકારે આપ્યો જવાબ 1 - image


Image:Freepik 

Dog Bite: ભારતમાં રખડતા કૂતરાઓની સમસ્યા એટલી ગંભીર બની રહી છે કે હવે સરકારે સંસદમાં પણ આ મુદ્દે જવાબ આપવો પડી રહ્યો છે. રોજ કોઇને કોઇ એવી ઘટનાઓ બને છે જેમાં શેરીના કૂતરાએ સામાન્ય જનતા પર હુમલો કર્યો હોય અથવા રાહદારીને કરડ્યયાં હોય.

સંસદમાં રજૂ કરેલા ડેટા પરથી જાણવા મળ્યું છે કે, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા લાગુ કરવામાં આવેલ ઈન્ટિગ્રેટેડ ડિસીઝ સર્વેલન્સ પ્રોગ્રામ (IDSP) હેઠળ પ્રાપ્ત માહિતી અનુસાર 2023 દરમિયાન કૂતરા કરડવાના કુલ 30,43,339 કેસ નોંધાયા હતા અને તેમાંથી કૂતરા કરડવાથી 286 લોકોના મોત થયા હતા.

મંગળવારે સંસદમાં પૂછવામાં આવેલા એક પ્રશ્નના જવાબમાં સરકારે કહ્યું કે 2023 દરમિયાન કૂતરા કરડવાના લગભગ 30.5 લાખ કેસ નોંધાયા હતા. આ કેસોમાંથી 286 એવા કેસ હતા જેમાં કૂતરુ કરડવાથી લોકોના મોત થયા હતા. 

ભારત સરકારના સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા સંસદમાં આપવામાં આવેલી માહિતી અનુસાર 2019માં 72 લાખ 77 હજાર 523 કૂતરાઓના હુમલા નોંધાયા હતા, જ્યારે વર્ષ 2020માં શ્વાનના 46 લાખ 33 હજાર 493 હુમલા થયા હતા. 

વર્ષ 2021ની વાત કરીએ તો આ વર્ષમાં કુલ 17,01,133 કૂતરા કરડવાના કેસ નોંધાયા હતા, જ્યારે જુલાઈ 2022 સુધીમાં ભારતીયો પર કૂતરાઓના હુમલાની કુલ સંખ્યા 14,50,666 હતી.

કૂતરાના હુમલા રોકવા સરકારે શું કર્યું ?

સરકાર વતી સંસદમાં જવાબ આપતાં કહેવામાં આવ્યું હતું કે, નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ તરફથી મળેલા રિપોર્ટ અનુસાર વર્ષ 2023 દરમિયાન હડકવા વિરોધી રસીઓની સંખ્યા 46,54,398 હતી. સ્વાસ્થ્ય મંત્રાલય દેશમાં હડકવાના નિવારણ અને નિયંત્રણ માટે દેશના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 12મી પંચવર્ષીય યોજનાથી રાષ્ટ્રીય હડકવા નિયંત્રણ કાર્યક્રમ લાગુ કરી રહી છે. જોકે આ યોજના આંદામાન અને નિકોબાર ટાપુઓ અને લક્ષદ્વીપમાં લાગુ થશે નહીં.


Google NewsGoogle News