'છૂટાછેડા લેવા કોર્ટ તો આવવું જ પડે, નોટરીને અધિકાર નથી..' મધ્યપ્રદેશ હાઇકોર્ટ
Madhya Pradesh Court : મધ્ય પ્રદેશ હાઈકોર્ટે એક અરજી પર સુનાવણી કરતી વેળાએ કહ્યું હતું કે 'જો લગ્ન કરેલા હોય અને છૂટાં પડવા માગતા હોય તો એકબીજા સાથે માત્ર સમજૂતીથી નહીં ચાલે, છૂટાછેડા લેવા માટે કોર્ટ તો આવવું જ પડશે. કેમ કે છૂટાછેડાને ટ્રિપલ તલાક તરીકે ના સ્વીકારી શકાય.' હાઇકોર્ટે કહ્યું હતું કે 'લગ્ન કરેલા બે લોકો છૂટા પડવા માટે પોતાની મરજીથી કોઈ કરાર કરે તો તેને કાયદાની દ્રષ્ટીએ છૂટાછેડા ના ગણી શકાય.'
મહિલાએ પતિની સામે દહેજ ઉત્પીડનની ફરિયાદ કરી હતી
એક મહિલાએ પોતાના પતિની સામે મધ્ય પ્રદેશના ભોપાલમાં 498-એ દહેજ ઉત્પીડનની ફરિયાદ કરી હતી, જેને પગલે બાદમાં પતિ દ્વારા ફરિયાદ રદ કરાવવા માટે હાઈકોર્ટમાં અપીલ કરવામાં આવી હતી. પતિએ કોર્ટમાં એવો દાવો કર્યો હતો કે ગુજરાતના વડોદરામાં અમે પતિ- પત્ની બન્નેએ સમજૂતીથી છૂટા પડવાનો નિર્ણય લીધો હતો અને તે માટે બન્ને વચ્ચે સમજૂતીપત્ર પણ તૈયાર કરવામાં આવ્યો હતો . જે બાદ પત્ની દ્વારા મારી સામે કલમ 498-એ હેઠળ દહેજ ઉત્પીડનનો કેસ કરવામાં આવ્યો હતો. અમારી વચ્ચે અલગ થવાના કરારો થઈ ગયા હોવાથી આ ફરિયાદ માન્ય ના ગણી શકાય કેમ કે ફરિયાદી મહિલા મારી પત્ની રહી જ નથી.
છૂટાછેડા માટે કોર્ટ આવવું ફરજિયાત : હાઈકોર્ટ
આ કેસમાં હાઈકોર્ટ સમક્ષ કેટલાક કાયદાકીય સવાલો ઉભા થયા હતા જેમાં જો સમજૂતીથી છૂટા પડ્યા હોય તો તેને કાયદેસરના છૂટાછેડા ગણી શકાય? આવી સમજૂતી બાદ દહેજ ઉત્પીડનની ફરિયાદ કરી શકાય? સાથે રહેતા હોય તે સમયેદહેજ ઉત્પીડન થયું હોય તો છૂટાછેડા લીધા દ પણ શું મહિલા ફરિયાદ દાખલ કરી શકે? મધ્ય પ્રદેશ હાઈકોર્ટના ન્યાયાધીશ ગુરપાલસિંઘ અહલુવાલિયાએ પોતાના ચુકાદામાં નોંધ્યું હતું કે જો કાયદેસર લગ્ન થયા હોય તો છૂટાછેડા માટે કોર્ટ આવવું ફરજિયાત છે, અરજદાર કપલ મુસ્લિમ ના હોવાથી તેમની વચ્ચે કોર્ટ બહાર છૂટા પડવા માટે કોઈ પણ પ્રકારની સમજૂતી થઈ હોય તેને કાયદેસરના છૂટાછેડા ના ગણી શકાય.
નોટરી છૂટાછેડા મંજૂર ના કરી શકે
નોટરી માત્ર સમજૂતી કરાવી આપીને છૂટાછેડા મંજૂર ના કરી શકે. સાથે જ હાઈકોર્ટે એ પણ નોંધ્યું હતું કે લગ્ન કરેલા દંપત્તિ સાથે રહેતા હોય તે સમયે જો દહેજ ઉપિડન થયું હોય તો છૂટાછેડા લઈ લીધા બાદ પણ મહિલા અગાઉના અપરાધને લઈને ફરિયાદ દાખલ કરાવી શકે છે. જેને પગલે પતિ સામે દહેજ ઉત્પિડનની કાર્યવાહી યથાવત રહેશે.
આ પણ વાંચો : 'લગ્નમાં મળેલી ભેટોની યાદી બનાવો, દહેજના કેસોમાં મદદ મળશે' હાઈકોર્ટે આવી સલાહ કેમ આપી?